તને યાદ છે સરલા?
તને યાદ છે સરલા?


૫૧ વર્ષના શેઠ મોહનલાલે તેમની પત્ની કલાવતીના સ્વર્ગવાસ પછી તેમના એક કરજદાર રાવજીનું મસમોટું દેવું માફ કરી દેવાની શરતે તેની ૨૧ વર્ષીય સુપુત્રી અનુરાધા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાવજીની પત્ની સરલાએ જયારે માંગું લઈને આવેલા વૃદ્ધ મોહનલાલને જોયા ત્યારે તે સમસમી ગઈ. પરંતુ દેવાના ડુંગર નીચે દબાયેલા એ લાચાર દંપતી પાસે હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો !
પોતાનાથી નાની બીજી બે બહેનો રાધા અને સુધાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને માતાપિતાને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા રૂપરૂપના અંબાર સમી અનુરાધા તેનાથી ત્રીસ વર્ષ મોટા મોહનલાલ સાથે પરણવા તૈયાર થઇ.
લગ્ન માટે મંજુરી મળતા શેઠ મોહનલાલે રાવજીનું સઘળું દેવું માફ કર્યું અને ત્યારબાદ અનુરાધા સાથે ધૂમધામથી લગ્ન કર્યા, આખા લગ્ન દરમિયાન એ લાચાર દંપતી પોતાની મજબૂરી પર આંસુ સારતા રહ્યા.
વિદાય ટાણે મોહનલાલે બારણા પાસે ઉદાસ વદને ઊભેલી સરલા પાસે જઈ ધીમેથી કહ્યું, “આજથી વર્ષો પહેલા તેં મારો પ્રેમ માત્ર મારી ગરીબીને કારણે ઠુકરાવ્યો હતો એ તને યાદ છે સરલા ?”