તમારા પ્રથમ લેખન પાછળની પ્રેરણા
તમારા પ્રથમ લેખન પાછળની પ્રેરણા


હું નાનપણથી મારા પપ્પા ને લખતા જોતી હતી. સાહિત્ય જગતમાં એમનું નામ આદરથી બોલાતું હતું. અવારનવાર જુદા જુદા અઠવાડિક પાક્ષિક, માસિકોમાં એમની વાર્તા ઓ એમના ફોટા સાથે છપાતી. વાર્તા છપાયા પછી પ્રશંસાના ખૂબ પત્રો આવતા. હું તો પપ્પા ને અહોભાવથી જોતી. હું જેમજેમ સમજણી થતી ગઈ તેમતેમ મારા સુષુપ્ત મનમાં પપ્પાની જેમ લખવાની ઈચ્છા થવા લાગી. આ ઈચ્છા પપ્પા પાસે વ્યકત કરવાની હિંમત ન હતી. મનમાં ડર હતો કે સારુ નહી લખાય તો હું બધાની નજરમાંથી ઉતરી જઈશ. હું ખરાબ લખીશ તો પપ્પાનું નામ બદનામ થશે. એવામાં મારા વાંચવામાં આવ્યું કે વાર્તા સ્પર્ધા છે. મેં પપ્પા આગળ મારી ઈચ્છા વ્યકત કરી કે હું આ વાર્તા સ્પર્ધામાં ભાગ લઉં?
પપ્પા એ તો સહર્ષ હા કહી, ત્યારે મેં મારો ડર વ્યકત કર્યો કે મારો નંબર નહીં આવે તો?
પપ્પા હસીને બોલ્યા, "તું ભાગ નહીં લે તો પણ તારો નંબર નથી આવવાનો તો ભાગ લીધા પછી નંબર ના આવે એ વધુ સારું. મનુષ્યએ પ્રયત્ન શીલ રહેવું જોઈએ. એવું જરુરી નથી કે તમે લખો એટલે તમારો નંબર આવવો જ જોઈએ.
જોકે હું એમાં તને મદદ નહિ કરુ. તું તારી મહેનતથી આગળ આવ. તું સ્પર્ધામાં ભાગ લઈશ એજ મારી ખુશી છે. "
મને પ્રથમ ઈનામ મળ્યું ત્યારે બધા કહેતા હતા કે, "મોરના ઈંડા ચિતરવા ના પડે. " ત્યાર બાદ મારા પપ્પા તરફથી મને સતત પ્રોત્સાહન મળતું જ રહ્યું. અને ત્યારથી મારુ લેખનકાર્ય અવિરત પણે ચાલુ જ રહ્યું છે.