તડકીમાં છાંયડો (પ્રકરણ ૪)
તડકીમાં છાંયડો (પ્રકરણ ૪)
[આ નવલકથાનું કોપીરાઇટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]
તડકીમાં છાંયડો
(પ્રકરણ ૪)
૪. સહારો અનોખાં સંબંધનો
ઢોલનાદનું ઉદ્ભવ સ્થાન ગોતતો એ ગામના ઢોલી સુધી પહોંચી ગયો. એને જોતા જ યાદ આવ્યું કે આ એ વૃદ્ધ હતો જેણે સરપંચ પાસે મોટું ઘર બનાવી આપવાની માંગણી કરી હતી. એના નાદમાં અજીબ જોશ હતું, સહજ ડર હતો, દર્દ હતું, લાગણી હતી. ઢોલનાદ થકી એનું હયાતપણું ચોતરફ ગુંજી રહ્યું હતું. જીત તો એને જોઈને અવાચક થઈ ગયો. જાણે આજ છેલ્લી વેળા ઢોલ વગાડતો હોય એમ એ તાનમાં આવીને ઢમકારો કરતો રહ્યો ને જીત એની કરુણતામાં તણાતો રહ્યો. છેવટે ઘરડું શરીર થાક્યું અને આપોઆપ શાંત થઈ ગયું.
“મને શીખવશો?” ટગરટગર જોતા જીતે હળવા સ્વરે પૂછી લીધું.
એની આંખોની ચમક પારખી થાંભલી પાસે રમતી આઠેક વર્ષની છોકરી તરફ જોઈ વૃદ્ધે ઉત્તર આપ્યો, “હા, હું શીખવીશ, પરંતુ તું મને પચાસ રૂપિયા અને સાથેસાથે એક વચન આપે તો..!”
પચાસ રૂપિયા તો એ અબઘડી આપવા તૈયાર હતો પણ ‘વચન કેવું?’ના વિચારોમાં ખોવાયેલા જીતનો હાથ ઝાલી ઢોલીએ ખાટલે બેસાડ્યો, “બેટા, કાલ સવારે હું વિચારીને વચન માગીશ, મારા પર ભરોસો રાખ. તને છેતરીશ નહીં.”
ઢોલીની વાત સાંભળી જીત ચાલતો થયો. કળા શીખવાની જિજ્ઞાસાએ વિચારોની માયાજાળમાં ફસાઈને એની એક રાત માંડમાંડ પસાર થઈ. ઊગતી પરોઢે જીવલાની સાથે એણે ફરી ઢોલીના ફળિયામાં પગ મૂક્યો. એને આવતો જોઈ વૃદ્ધના માનસમાં વિચારોના વમળો રચાવા લાગ્યા. વેણથી બાંધવા બોલાવેલા જીતને પોતાની પાસે બેસવા ઇશારો કર્યો. ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢી એના હાથમાં મૂકી જીત બાજુમાં ગોઠવાયો. ઘસી આવેલા આંસુને રોકવાનો નિરર્થક પ્રયાસ કરી એણે વાત માંડી, “બેટા, એક પાપીના દુષ્કર્મના લીધે મારી કુંવારી દીકરીએ એક છોકરીને જન્મ આપ્યો હતો. આ ઓસરીમાં રમતી શિલા એની માનું મોઢું જૂએ તે પહેલાં તો એ ગુજરી ગઈ, ને હવે હુંય પીળું પાન. ક્યારે ખરી જાઉં કોણ જાણે.!” એની અડધીપડધી સમજાતી વાતને વધુ સમજવા જીતે જીવલાની માફક ભવા સંકોચ્યા.
ઢોલીએ સ્પષ્ટતા કરતા વાત આગળ વધારી, “હું માનતો હતો કે રૂપિયાથી મારા મોત બાદ શિલાને થોડી રાહત મળશે, પણ હું મૂરખ હતો. એની ‘આખી જિંદગીનું શું?’ એ તો દિમાગમાં જ ન આવ્યું. પછી સમજાયું કે શિલાને પૈસાની નહીં, તારા સહારાની જરૂર છે. સંબંધની જરૂર છે.”
“કેવો સંબંધ?”
“દુનિયાનો સૌથી અનોખો.. ભાઈબહેનનો સંબંધ. તું મને વચન આપ કે મારા મૃત્યુ પછી શિલાને નાની બહેન સમજી તારી સાથે રાખીશ.”
આ નિર્ણય લેવો તેર વર્ષના જીત માટે વધુ કઠિન હતો. અત્યાર સુધી એણે ઘણા નિર્ણયો લીધા હતા પરંતુ એ ખુદ પર..! જયારે આજના વચનમાં બીજાની જિંદગીનો સવાલ હતો. આખરે ઢોલી બનવાની તમન્ના અને જીવનમાં વધુ એક સથવારા સાથે જીવવા એણે ઢોલીની હામાં ‘હા’ ભેળવી દીધી, ને જીવલાએ ટહુકો કરી એનાં સંબંધને વધાવી લીધો. એની ‘હા’ સાંભળી વૃદ્ધે ઊંડા શ્વાસ સાથે હાશકારો અનુભવ્યો.
ચાર-પાંચ દિવસમાં મરી પરવારે એવો માંદો વૃદ્ધ ઢોલી જીતની મહેચ્છા પૂરી કરવા મહિના સુધી જીવી ગયો. આ સમયગાળામાં જીતે એની સેવાચાકરી કરતા ઢોલીપણું શીખી લીધું. જીતની સારવારથી એ થોડા વધુ દિવસોનો મહેમાન જરૂર બન્યો પરંતુ એક દિવસ બંનેને એકલાં મૂકી એણે ફાની દુનિયા છોડી દીધી. મોભીને ગુમાવી ભાઈબહેન રડી રડીને અડધાં થઈ ગયાં. એના મોતની શિલા પર ઊંડી અસર પડેલી જોઈ જીવલો સૂનકાર પામી ગયો. હજુ મોતનાં માતમમાંથી બહાર નીકળ્યાં નહોતાં ત્યાં જ ગામનો કોઈ વડીલ જીતને ઢોલ વગાડવા બોલાવવા આવ્યો.
આવા સમયે એ જાય એમ નહોતો પરંતુ ના પાડે તે પહેલાં અચાનક એને સ્વર્ગે સિધાવેલ ઢોલીના શબ્દો યાદ આવ્યા, “બેટા, મારા ગયા પછી તું જ આ ઢોલનો માલિક થવાનો છે. સુખ કે દુઃખના કોઈપણ સંજોગોમાં ઢોલ વગાડતા અચકાતો નહીં. ભલે ગમે એવી કપરી પરિસ્થિતિ કેમ ન હોય.!”
વેણને વણી લઈ તરત જ જીત એના ખભે ઢોલની દોરી પરોવી ચાલતો થયો. માતમને દિલમાં દબાવીને આગંતુકના ઘરે જઈ પહેલી વાર ઢોલ વગાડી ગામલોકો માટે એ ‘જીતોઢોલી’ બની ગયો.
થોડા દિવસોમાં જીતોઢોલી ગામમાં જ નહિ પરંતુ આજુબાજુના ગામમાં પણ જાણીતો થઈ ગયો. પછી તો કોઈ પણ પ્રસંગ હોય, વાર-તહેવાર કે મનોરંજનના કાર્યક્રમો હોય, બધે એનો જ ઢોલનાદ ગુંજે. મહિનાઓ સુધી તો શિલા અને જીતના ભાઈબહેનનાં સ્નેહને ગામજનો સમજી ન શક્યા. પરંતુ પછી શિલાની ઓળખ જીતની બહેન અને જીતની ઓળખાણ શિલાનાં ભાઈ તરીકે થવા લાગી. અનાથ જીતને નાની બહેન સ્વરૂપે અનાથ શિલા મળી ગઈ. વખત વીતે એ પોતાની જવાબદારીમાં ખરો ઊતરતો ગયો. શિલા પણ સમજણી થઈ ગઈ હતી.
જીતને કેવળ ઢોલીપણામાં રસ નહોતો, એ એમ પણ વિચારતો હતો કે હવે ઘરને વધુ આવકની જરૂર છે. એક દિવસ કમાણીની કલ્પનામાં ખોવાયેલ જીતનું ધ્યાનભંગ કરતા શિલાએ એનાં મનની વાત રજૂ કરી, “ભાઈ.. આખો દિવસ ઘરે એકલી રહીને હું કંટાળી જાઉં છું. હવે આપણે બંને મજૂરીએ સાથે જઈશું.”
ઘડીભર મૌન થઈ ગયેલો જીત માંડ એક શબ્દ બોલી શક્યો, “પણ..”
“મને ખબર છે કે ઢોલ વગાડવામાં મારી કંઈ જરૂર નથી. પરંતુ એ કામ રોજ તો ન હોય ને.! જયારે તું ખેતર જાય ત્યારે તો હું તારી સાથે આવી શકું.”
શિલાની સમજદારીથી અચરજ પામી જીતે એની વાત માની લીધી. વાવણી થતા જ જીતે એક ખેતરના માલિકને દાડિયે રાખવાનું પૂછી લીધું. મંજૂરી મળ્યાના બીજા દિવસથી ભાઈબહેનની જોડી સાથે કામ પર વળગી ગઈ. કાયમ સવારથી જ કામવાળું ખેતર શોધી બંને પહોંચી જતાં. એની સાથે બીજા મજૂરોય કામ કરતા પરંતુ આ બંને અને મજૂરો વચ્ચે હંમેશા એક ફરક રહેતો. તેઓ એક પગલું આગળ વધતા ત્યારે આ જોડી ત્રણ કદમ આગળ વધતી, છતાંય બીજાની સરખામણીએ આ બંનેને મહેનતાણું અડધું જ મળતું. દસ રૂપિયા મેળવી કામ કરતા મજૂરો કરતા પાંચ રૂપિયા મેળવતા ભાઈબહેન વધુ કામ કરતાં, હર્ષભેર..!
પછી તો કામની સાથે જીત શિલાનાં અભ્યાસનો પણ ખ્યાલ રાખતો. પોતે ભણી ન શક્યો પરંતુ પોતાની કમાણીમાંથી બહેનને શાળાએ જરૂર મોકલતો. ક્યારેક નવરાશે શિલાની ચોપડી લઈ એ અક્ષરોને સમજવાની કોશિશ કરતો. તો વળી ક્યારેક શિલા પોતે એને શીખવતી. પછી તો નિત્યક્રમ થઈ ગયો, દિવસે શાળામાં શીખેલું શિલા રોજ સાંજે એને સમજાવતી. એથી જીત થોડું ઘણું વાંચતા શીખી ગયો.
ખેતીનું કામ કરતા તો બંને જાણે મોટા ખેડુના દીકરા સમાં થઈ ગયાં. કપાસિયા સોપવા, માંડવી ખેંચવી, કપાસ વીણવો, જાર-બાજરી-મકાઈ કે ઘઉં વાઢવા, ખડ નીંદવું. દરેકે દરેક કામમાં બંને સાથેને સાથે જ હોય. કોઈવાર તો નાજુક હાથોમાં પકડેલા દાતરડાં મોટા લાગતાં. ક્યારેક ભાઈને દાતરડું વાગતું તો એની પીડા બહેનને થતી અને બહેનને વાગતું ત્યારે ભાઈને.! થાય પણ કેમ નહીં? ઓશિયાળી આ જોડીને બીજો સહારો ક્યાં કોઈનો હતો.! બહારના તો શું? હવે ગામના લોકોય નહોતા માનતા કે આ બંને સગા ભાઈ-બહેન નથી. આટલું સગાપણું તો કદાચ સગામાંય ન કળાય, એવો ગાઢ સ્નેહ બંધાઈ ગયો હતો.
વાવણીનાં દિવસોમાં કમાયેલા પાંચ-પાંચ રૂપિયા જીત અલગ રાખતો. આ માટે એણે મંદિરનાં ગોખલામાં એક અલગ ડબ્બાની સગવડ કરી હતી. સાથેસાથે ઢોલીપણાની કમાઈ ભાઈબહેનનાં ખર્ચમાં વાપરતો. જેનો બીજો ડબ્બો ધારેલો. જયારે ખ્યાલ આવે કે એમાં બચત ઓછી છે ત્યારે જીત ફરી ગામનું કોઈ નાનું મોટું કામ કરી આવતો. જેમાંથી એનું ભરણપોષણ ચાલતું. જીતની આ વાત શિલાને ક્યારેય ન સમજાતી. ક્યારેક તો કમાઈનાં અલગપણાને સમજવાની મથામણમાં આખી રાત સૂઈ ન શકતી.
અંતે સ્પષ્ટતા માંગતી દ્રષ્ટીએ એક દિવસ જીતને પૂછવાની હિંમત કરી લીધી. જીત પાસે એનાં પ્રશ્નનો ઉત્તર જરૂર હતો કિંતુ કહીને શિલાને દુઃખી કરવા નહોતો માંગતો. એણે માત્ર એટલું જ કહ્યું કે, “આવું કેમ કરું છું એ મનેય ખબર નથી. પણ જે થાય છે એ બરાબર જ થાય છે.” આટલું કહેતા તો એણે નજર ફેરવી લીધી અને મનોમન માફી માંગવા લાગ્યો. જિંદગીમાં પહેલી વાર ખોટું બોલ્યાનું એને દુઃખ થયું, એય બહેન સામે.! પણ એ મજબૂર હતો.
બીજા દિવસે જન્માષ્ટમીના પર્વે એ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો, કેમ કે જન્માષ્ટમીના દિવસે બંને માટે દર વર્ષની માફક કપડાં ખરીદવાના હતા. એને કોઈ સંકોચ નહોતો પણ ખરીદવા કેમ? કંઈક વિચારી એણે શિલાથી છુપાઈને ઢોલીપણાની આવકનો ડબ્બો ખોલ્યો. એમાંથી પંદર રૂપિયા લઈ શિલા ભાળી ન જાય એમ ઝડપભેર ડબ્બાને બંધ કરી મૂકી દીધો. બજારમાં જઈ બહેનનાં કપડાં ખરીદી લાવ્યો. શિલાએ જોયું કે એના હાથમાં માત્ર પોતાના જ કપડાં હતા, છતાંય એ મલકાતો હતો. એનું સ્મિત આજેય એવું જ તેજ મારતું હતું જેવું ગઈ જન્માષ્ટમીએ પ્રકાશતું હતું.
“ભાઈ.. કેમ મારા જ લૂગડાં દેખાય છે? તારા ક્યાં?”
“અરે ગાંડી, તું ક્યારેય નહીં સમજે. મારી પાસે તો ત્રણ જોડી છે એટલે તારા જ લાવ્યો.” એણે મલકાટને વધારતા કહ્યું.
વ્યર્થ સ્મિતને પારખી શિલાથી બોલાઈ ગયું, “મારી પાસે તો ચાર જોડી છે. તો મારા કેમ? જા.., આ લૂગડાં પાછા આપી તારા લઈ આવ. આપણા બેઉનાં સરખા થઈ જશે.”
પળભર તો જીતનું હૈયું ભારે થઈ ગયું. શું બોલવું એની સૂધબૂધ ન રહી, છતાંય હાલતને સંભાળતા એ આગળ વધ્યો, “નહીં, મારે ક્યાં જરૂર છે? આખો દિવસ કામ કરી કરીને તારા લૂગડાં વધુ ફાટે. એટલે તારે વધારે જોઈએ.”
શિલા ફરી ચુપ ન રહી, “પણ... તુંય આખો દિવસ કામ કરે જ છે ને. પાછો મારાથી તો વધારે.”
છેવટે ક્યારથી રોકી રાખેલા જીતના આંસુ પાંપણો ભીજવતા દડી ગયાં, ને આ અશ્રુમાં શિલાને પ્રશ્નોના જવાબ મળી ગયા. એણે ભાગતા જઈ ઢોલીપણાની કમાણીનો ડબ્બો ખોલ્યો તો ખબર પડી કે એ ડબ્બામાં માત્ર પાંચ રૂપિયા જ બચ્યા હતા, જેમાંથી જીતના કપડાં ખરીદી શકાય એમ નહોતા. એને રજેરજ સમજાઈ ગયું. જીતે પોતાના હાથમાં બચેલા બે રૂપિયા શિલાએ ખોલેલા ડબ્બામાં નાખ્યા અને પાંપણો ઢાળી દીધી.
“આ ડબ્બામાં પૈસા નહોતા એટલે તેં કપડાં ન લીધા. પણ બીજા ડબ્બામાં તો છે ને.!” કહી શિલાએ બીજો ડબ્બો ઉઘાડ્યો. એમાંથી પૈસા કાઢે એ પહેલાં જ જીતે ડબ્બો બંધ કરી દીધો, “ના.. બહેન, આ ડબ્બાની આવક પર માત્ર તારો જ હક છે. જયારે તારા લગ્ન થશે ત્યારે બધો ખર્ચ આ ડબ્બામાંથી થશે. આના પર મારો કોઈ અધિકાર નથી.”
ભારે હૈયે નીકળેલા શબ્દો સાંભળીને શિલા જીતને ભેટી ગઈ. બંનેનાં નયનોનાં નીર વહી રહ્યાં. ફળિયામાં બેસેલો જીવલો એનાં અજોડ સ્નેહને વંદી રહ્યો. બે ઘડી લાગ્યું કે જાણે એ અત્યારે જ બહેનને સાસરે વળાવી રહ્યો છે. આપોઆપ બંને એકબીજાનાં માથા પર હાથ મૂકી છાનાં રાખતા હોય એમ ડૂસકાંને હૃદયમાં સમાવી દઈ શાંત થઈ ગયાં.
અડધો દસકો ક્યાં અને ક્યારે સરકી ગયો એની ખબરેય ન પડી, વખત વીતવાની સાથે એને શિલાની વધુને વધુ ચિંતા થતી રહી. ક્યારેક તો એ વિચાર્યા કરતો કે એને કેવું સાસરું મળશે? જયારે જયારે આ સવાલ એને ઘેરી વળતો ત્યારે એને માબાપ અને શિલાનાં નાનાની યાદ આવી જતી.
તે દિવસેય એ ભવિષ્યની ફિકરમાં ફંગોળાતો હતો, ને એકાએક ગામનો એક છોકરો હાંફતો હાંફતો એની પાસે આવીને બોલી રહ્યો, “બચાવો.. એને બચાવો, નહીંતર એ મરી જશે.”
ક્રમશ:
વધુ આવતા મંગળવારે...
