STORYMIRROR

Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૩)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૩)

9 mins
15.1K


[આ નવલકથાનું કોપીરાઇટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૩)

૩. સંકલ્પ : સ્વપ્નનું સરનામું

 

કરેલા સંકલ્પને સફળતાનો સ્વાદ ચખાડવા એ ગામની ગલીએ ગલીએ ફરતો રહ્યો, ને આવતા જતા સૌને વારંવાર કહેતો રહ્યો, “કાંય મોટું કામ હોય તો કહેજો. મારે કામની જરૂર છે.”

દરેકને એકની એક વિનંતી કરતો હતો, તાકડે જ કોઈ અજાણ્યાએ એને રસ્તો ચીંધ્યો, “હમણાં ચૂંટણીમાં જીતેલા નવા સરપંચને મળી લે.. તારા કામનો બંદોબસ્ત થઈ જશે.”

સાંભળતા વેત હરખાઈને એ ભાગતો નવા સરપંચની ડેલીમાં ઘૂસી ગયો. હિંડોળે બેસીને શેકેલી ભોંયશિંગનાં ફોતરા ઉડાડતા સરપંચને જોઈ એણે હાંફતા હાંફતા વાત આદરી, “સર..પં..ચ.. મારે મોટું કામ જોઈએ છે. ખા..સ જરૂર છે.”

“કામ? કેવું કામ? અને એવી તો શું જરૂર?” થાંભલી પકડીને ઉભેલા જીતને સરપંચે સવાલો કર્યા.

“જુઓ ને.! અત્યારે હું ગમે ત્યાં રહું છું. કાંય ઠેકાણું જ નથી. હવે મારે મારું ઘર બનાવવું છે. એટલે...” થાંભલી પાસે વેરાયેલી ભોંયશિંગનાં બે દાણા એણે મોંમાં મૂકતા ખુલાસો કર્યો.

“મતલબ, તારે ઘર બનાવવા કામ જોઈએ છે?” સરપંચે મનમસ્તિષ્કમાં ઊંડો વિચાર ઘડતા પૂછ્યું.

“હા...” એણે લહેકો કર્યો.

“ઠીક છે. મારા પાંચ વીઘાના ખેતરની ફરતે ચાર વેંતની જે દીવાલ છે, તે તોડવાની છે. તોડીશ?”

“હા. તોડીશ. કેટલા પૈસા આપશો?” એણે છાતીને ટટ્ટાર કરી પ્રતિ પ્રશ્ન કર્યો.

“સો રૂપિયા, અને કામ પૂરું કરીશ ત્યારે એક ઓરડીનું પતરાંવાળું ઘર બનાવી આપીશ. બોલ, છે મંજૂર?”

“હાઆઆ... મંજૂર. પણ એક નહીં બે ઓરડીનું. આ જીવલો પણ મારી સાથે જ રહે છે.” એણે લાંબા સ્વરે છાતીને વધુ ટટ્ટાર કરી જીવલા તરફ આંગળી ચીંધી.

“તો હજુ એક શરત છે. કે તેમાંથી એક પણ ઈંટ ભાંગવી ન જોઈએ અને બધી ઈંટોને આ ફળિયા સુધી પણ પહોંચાડવાની.” જીતની જરૂરિયાતને પારખી જઈ સરપંચે વધારે કામ પડાવી લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો.

“આ પણ મંજૂર.. અને આ કામના બદલામાં મને રોજ ત્રણ ટંક ખાવાનું આપવું પડશે.” ઓસરીમાં બેસેલા સરપંચના છોકરાના હાથમાં ખાવાનું જોઈ એના દિલની વાત હોઠ સુધી આવી ગઈ.

“ખાવાનુંય મળશે. પણ જે દિવસે એક ઈંટ ભાંગશે તે દિવસે બપોરનું ખાણું નહીં મળે અને જે દિવસે બે ઈંટ ભાંગશે તે દિવસે સાંજનુંય. આ વાતનું ધ્યાન રાખજે.”

“વાંધો નહિ.” કહી એણે ફળિયામાં પડેલું તગારું લીધું, કોદાળીને ખભે ચડાવી સરપંચ સાથે ઉત્સાહભેર ખેતર ભણી વાટ પકડી. પરંતુ એ ક્યાં જાણતો હતો કે આ સંકલ્પ સુદામાને કુબેર બનવાના વિચાર સમો છે, કંઈ નાનોસૂનો નથી.!

ઘરને નજરમાં ઉતારીને એણે કામ આદરી દીધું હતું. તાજમહેલ બનાવવા બરાબર કામને ‘માત્ર આટલું જ’ વિચારીને એ રોજ વહેલી સવારે ખેતર પહોંચી જતો. પ્રભાતે આરંભેલ મહેનત કરતા કરતા એ બપોરે લોથપોથ થઈ જતો પરંતુ એ એટલી જલ્દી હાર ન માનતો.

આખરે શરીર પણ કેટલું કહ્યું કરે? એની પણ એક હદ હોય.! થાકી જાય ત્યારે તન અને મન વચ્ચેના ઝઘડામાં ક્યારેક એ ફંગોળાતો રહેતો. તન હાથ જોડીને વિનવણી કરતું કે, “બસ હવે. હું વધુ આગળ નહિ કરી શકું. આજ માટે આટલું બહુ થયું.” પરંતુ જીતનું મન એટલે જીતનું મન. ગમે તેમ કરીને એ તનને મનાવી લેતું. ક્યારેક ઘડીભરના આરામથી તો ક્યારેક બટકું રોટલાથી, ક્યારેક ઘરના મનસૂબાથી તો ક્યારેક મા-બાપના આશિષથી, તો વળી ક્યારેક તો કહેતું, “જો..! હમણાં જ આ સૂરજ માથા પર આવી જશે. પછી તો શિયાળામાં આથમતા એને વાર જ ક્યાં લાગે છે?”

મનની આવી વાતો સાંભળીને તન કામે લાગી જતું. જાણે કે એ પણ જાણતું હતું કે જો વહેલા કામ પૂરું થશે તો ઉનાળાના તડકા અને ચોમાસાના વરસાદથી બચવા ઘર નામનું ઠેકાણું વહેલા મળી જશે. કાતિલ ઠંડીનાં દિવસો અથાગ શ્રમથી પસાર થતા રહ્યા. જીતને તનતોડ મહેનત કરતો જોઈ જીવલો પણ એનો સાથ પુરાવતો. રામસેતુમાં ખિસકોલીના યોગદાન માફક જીવલો એની આવડત મુજબ પોલી પડેલી દીવાલમાં બે ઈંટોની તિરાડ પર આખો દિવસ ચાંચ માર્યા કરતો, ને ઈંટ જૂદી કર્યા કરતો.

ક્યારેક વળી કામ કરીને એના હાથ થાકી જતા ત્યારે પગ સાથે દલીલ કરી લેતા. પૂરો દિવસ દીવાલ તોડી તોડીને હાથ રડવા લાગતા, અને પગને તો આરામ જ.! અંતે એક વખત હાથની ફરિયાદ મન સુધી પહોંચી ગઈ. મન પાસે તો દરેક પ્રશ્નોના ઉત્તર હતા, એ પણ હાજરાહજૂર! એણે હલ કાઢ્યો, “સવારથી બપોર સુધી દીવાલ તોડવાનું કામ હાથનું અને બપોરથી સાંજ સુધી ઈંટો ઘરે લઈ જવાનું કામ પગનું.”

હાથપગ બંને મનના નિર્ણયનો અમલ કરતા રહ્યા. થોડા દિવસો સુધી આવું ચાલ્યું, છતાં બંનેને પૂરેપૂરો ન્યાય ન મળ્યો હોય એમ મનના દરબારમાં ફરી હાજર થઈ ગયા. આ વખતે ફરિયાદ સામાન્ય હતી પરંતુ બંને પક્ષે હતી. પહેલો દાવો પગે કર્યો, “મધ્યાહ્ન પછીની બળબળતી તડકીમાં તેણે વધારે પરિશ્રમ કરવો પડે છે.”

દલીલ સાંભળતા જ હાથ પોતાનો દાવો રજૂ કરે એ પહેલાં મક્કમ મને ફેંસલો ફરમાવ્યો, “સવારનાં છાંયડામાં પગ ચાલશે જેથી હાથને થાક ન લાગે અને બપોર પછીની તડકીમાં હાથ ચાલશે જેથી પગને.!”

આ ન્યાય સાથે બંનેનું કાર્ય પૂરજોશમાં ચાલવા લાગ્યું. દીવાલ તૂટતી ગઈ ને ઈંટો સહીસલામતપણે સરપંચના ફળિયા સુધી પહોંચતી ગઈ. ટાઢનાં ચાર મહિનામાં એનું કામ પોણા ભરેલા દૂધનાં કટોરાથી વિશેષ થઈ ગયું. એના સંકલ્પને હકીકતમાં પરિવર્ત પામવાને બસ થોડાક સમયની જ જરૂર હતી. પરંતુ આ વખત એના માટે વધુને વધુ આકરો થતો ગયો. ઘણીવાર ઈંટોનાં ટુકડા પણ થઈ જતા. સરપંચની શરતને આધીન જે દિવસે એક ઈંટ ભાંગી જતી તે દિવસે બપોરનું ખાવાનું ન મળતું, અને જે દિવસે બે ઈંટ ભાંગતી તે દિવસે સાંજનુંય. જયારે વધુ ઈંટના ટુકડા થતા ત્યારે એણે ભૂખ્યા જ સૂઈ જવું પડતું. એની આવી હાલત જોઈ જીવલો પણ જમીન પરથી સહજ રીતે મળતા અનાજના દાણા ખાધા વગર દિવસો પસાર કરી દેતો.

આખરે ભૂખ્યા તરસ્યા રહીનેય એણે જીવલા સાથે કાજમાં જીવ પરોવી એને પાર પાડ્યું. છેવટે છેલ્લો દિવસ આવી ગયો. એણે વધેલી ઈંટોને તગારામાં ભરી બે ચાર ચક્કર લગાવી ઘર સુધી પહોંચાડી દીધી. અંતે આખરી વેળા ખેતરે આવ્યો અને ખેતર ફરતે દીવાલની કેડી પર એક પ્રદક્ષિણા કરી. બંને હાથ જોડી વારંવાર પ્રભુને મનોમન પ્રણામ કરતો રહ્યો. ખેતર છોડી એણે ગામ તરફ ડગ માંડ્યા ને એના તન-મન વચ્ચે સંવાદ શરૂ થઈ ગયો.

પોતાના શિર પર લટકનારી તલવારથી અજાણ મન બોલતું રહ્યું, “હવે તું ઋતુનું રક્ષાકવચ મેળવી લઈશ, તારી મહેનતનું ફળ મળી જશે.”

“હા, અને તું પણ નચિંત થઈ જા.” એણે મનને આશ્વાસન આપતો પ્રત્યુત્તર આપ્યો. આ સાંભળતા લોચન અચાનક અંતરના ઊંડાણમાંથી છલકાઈ ગયા. મહેનતનાં આ આંસુ મહાસાગરના મોતી જેવા શુદ્ધ હતા. બે ઘડી હર્ષભેર વહી જતા આવા મોતીને આંખ ગુમાવવા ન માંગતી હોય એમ બીજી જ પળે એને છલકાતા બંધ કરી દીધાં.

ચાલાક સરપંચની ચાલથી અજાણ જીત પંખીની માફક હાથ પહોળા કરી પાંખો ફફડાવતો એના જીવલા સાથે સરપંચની ડેલીમાં પ્રવેશ્યો. આજે પણ હિંડોળે બેસીને શેકેલી ભોંયશિંગનાં ફોતરા ઉડાડતા સરપંચ પાસે જઈ એણે પ્રસ્તાવ કર્યો, “આપણી શરત મુજબ મારું કામ થઈ ગયું. હવે મારું ઘર બનાવી આપો.”

એને શરત યાદ કરાવતો જોઈ સરપંચ સિંહની ગર્જના પેઠે ત્રાટકી પડ્યો, “પહેલાં ક્યાં તારી પાસે રાજમહેલ હતો કે આજે ઘરની જરૂર પડી!”

“એટલે...” અસમંજસથી ઘેરાયેલા જીતના ગળામાંથી ભારે સ્વરે માંડ માંડ એક શબ્દ નીકળ્યો. આ સાંભળી જીવલો પણ પથ્થર સમો સ્તબ્ધ થઈ ગયો.

“એટલે પહેલાની જેમ આજે પણ તારી પાસે રહેવા માટે રસ્તાઓ સિવાય કંઈ નથી, અને હશે પણ નહિ. તારું ઘર નહી બને.”

એણે શક્ય એટલી હિંમત એકઠી કરીને સવાલ કર્યો, “તો શરત...?”

“હાહાહા... શરત તો કામ કરાવવા માટે વપરાયેલ શસ્ત્ર હતું. લે.. આ સો રૂપિયા અને ચલ હટ..” રાક્ષસી અટ્ટહાસ્ય કરતા સરપંચે ઓસરીમાંથી થાંભલી પાસે આવીને સો રૂપિયા ફેંકી પાટું મારતા એને જાકારો દીધો.

બે પળ એના રોમેરોમમાં રોષ વ્યાપી ગયો. સરપંચે કરેલ કપટ પર એનુ લોહી ઊકળી ઉઠ્યું. હાથમાં પકડેલી કોદાળી સરપંચના માથામાં મારવાનું મન થઈ ગયું. રાતદિવસની તનતોડ મહેનત પછીનો ગુસ્સો પ્રત્યાઘાતમાં પરિણમે એ પહેલાં જીવલો એની લગોલગ આવીને ઊભો રહી ગયો. એણે જીવલાની આંખોમાં ડોકિયું કર્યું તો એમાં સહનશક્તિનું સરોવર ઊભરાતું હતું. પરિસ્થિતિને વશમાં લેતો જીવલો ધીમે ધીમે ડેલી બહાર નીકળવા ચાલતો થયો. ઘર વાસ્તે જોયેલા સપનાઓને હૈયાનાં ઊંડાણમાં ધરબી દઈ જીત એની પાછળ ભારે ડગલે ડેલીની બહાર નીકળી ગયો.

‘સતત પાંચ મહિના સુધી કરેલી લગાતાર મહેનત વ્યર્થ ગઈ.’ એવું વિચારતા એણે છાલા પડી ગયેલી હથેળીઓમાં ચારેક ટીપાં આંસુ સારી દીધાં. અને કડકડતી ઠંડીમાં તરડાઈ ગયેલી ચામડીને તાકી તાકીને જોઈ રહ્યો. ફાટેલી ત્વચામાંથી લોહીનાં ટશિયા ફૂટી ગયા હતા. એના કપાળે આજ પહેલી વાર પરિશ્રમનો પરસેવો બાઝી રહ્યો. મસ્તક પર ઈંટોનાં તગારા મુકીને એની ડોક સહેજ ઊંડી બેસી ગઈ હતી. એક ડગલું પણ આગળ ન ચાલી શકતા એ ડેલીની બહાર નીકળતા જ ઢગલો થઈ ગયો.

અશક્ત થઈ ગયેલા જીતને જોઈ જીવલાએ હિંમત આપતા કહ્યું, “અરે.. આમ તો કંઈ હરાતા હશે? મહેનતનું ફળ....”

“શું મહેનતનું ફળ? જોયું નહિ તે.! સરપંચિયાએ શું કર્યું આપણી સાથે?” સરપંચે કરેલા કપટે એના શબ્દોમાં ઉગ્રતા ભેળવી દીધી.

“ટાઢો પડ, ટાઢો..! તારે તો હજુ ન્યાય માટે લડવાનું છે.” જીવલાએ એને શાંત પાડવા પ્રયાસ કર્યો.

“આટલું બધું થઈ ગયું ને તું મને શાંત થવાની વાત કરે છે? અને ન્યાય..? એની સામે ન્યાય માંગતાયે ડર લાગે છે.”

“બીકથી તો સિંહ પણ શિયાળ થઈ જાય. પછી તું તો શું? ન્યાય જોઈએ તો લડવાની તાકાત હોવી જોઈએ. ડરને ફેંકીને ઊભો થા.! અને અન્યાય સામે લડી લે.” જીવલાએ એના શબ્દોમાં હામ વરસાવી.

“પણ એનો અર્થ ખરો? જેને આપણે પહોંચી ન વળીએ એની સામે લડવું કેવી રીતે? આખું ગામ એની સાથે હશે અને સામે માત્ર આપણે બે.” જીતે સરપંચની તાકાતનો અંદાજો લગાવ્યો.

“આખા ગામમાં બધાને કહી દે કે સરપંચે આપણી સાથે શું કર્યું. પછી જો....!” જીવલાએ ગ્રામજનો પ્રત્યે ભરોસો મૂકતા કહ્યું.

છેવટે જીત હથેળીમાં ચોંટેલી માટી ખંખેરી સંકલ્પને સાકાર કરવાની આશ સાથે ફરી બેઠો થયો. બે કલાકની અંદર આખા ગામમાં ઘરે ઘરે જઈ પોતાની સાથે થયેલા અન્યાયની કહાની સંભળાવી દીધી. દેવકી અને દેવચંદને પણ રજેરજ વાત કહી દીધી. બધાના હાથ ઝાલીને ગામનાં ચોરે ભેગા કર્યા. સરપંચને જાહેરમાં બોલાવવામાં આવ્યો. દેવકી-દેવચંદે સરપંચ સામે પડકારો કર્યાં, “સરપંચ... તારે આ છોકરાની મહેનતનું ફળ આપવું જ પડશે.”

“હા.. હા.. આપવું જ જોઈએ..” સૌએ એને સહકાર આપતા સરપંચ સામે આંગળી ચીંધી.

ગામવાસીઓની એકતા જોઈ સરપંચે એના ઘમંડને સમેટી લેવાનું ઠીક સમજ્યું. સૌ કોઈની આંગળીઓને નીચી કરવા એ નજર નમાવીને વાત કબૂલતા બોલ્યો, “હા.. હું ઘર બનાવી આપીશ.”

સરપંચના શબ્દો સાંભળતા જ જીવલાએ જીતના ફતેહનો ઝંડો ફરકાવતો હોય એમ અતિ ઉત્સાહથી ટહુકો કર્યો. ટોળામાંના એક વૃદ્ધે આગળ આવી જીત પ્રત્યે દયા દાખવી, “હું તો કહું છું કે આ ઘર શરત કરતા મોટું બનાવી આપવું જોઈએ, સરપંચે કરેલ છેતરપિંડીના ઇરાદાની એ જ સજા છે.”

ફરી સૌએ ‘હા.. હા..’ કહીને મત રજૂ કર્યાં. પરંતુ હક વગરનું હડપ કરી લેવું એ જીતની પ્રકૃતિમાં ક્યાંથી.? એણે તરત સ્પષ્ટતા કરી, “ના.., મારે શરત મુજબના ઘરની જ જરૂર છે. વધારે મોટું મકાન મેળવીને હું શું કરીશ! અને એમ પણ હું એકલો.....” આગળ કંઈ બોલી શકે એ પહેલાં તો જીભ જડબા સાથે જડાઈ ગઈ. એકલતાની વેદના દિલથી ઊભરાઈને પાંપણ તળે આવીને અટકી ગઈ. જીતની એકલતાને ઓગાળી સાથ આપતો હોય એમ જીવલો એના વાંસા પર ડોક ફેરવીને પંપાળી રહ્યો. એની વાતથી લોકોમાં ભાવુકતા ફરી વળી. બીજી ક્ષણે એ જીવલા સાથે ત્યાંથી રવાના થયો.

ટોળું વિખેરાયાંના બે દિવસમાં સરપંચના ફળિયાના પછવાડે પતરાનું નાનકડું ઘર બની ગયું. આખરે એના સંકલ્પને સાકાર કરતું સ્વપ્નનું સરનામું મળી ગયું. સાથેસાથે સસ્તાઈના જમાનામાં મળેલા મોંઘી મૂડી સમાન સો રૂપિયા તો ખરા જ! પરંતુ એને પૈસામાં ક્યાં રસ હતો? એની હયાતી તો સદાય કંઈક કરી જાણવા જન્મી હોય એમ નીચે બેસવાનું નામ ન લેતી. સારો સહારો મેળવવા અને કંઈક કરી બતાવવા એનું મન કાયમ થનગનાટ કર્યાં કરતું.

એક દિવસ અનાયાસે જ ક્યાંક દૂરથી આવતો ઢોલનાદ એના કાને પડ્યો, ને એણે તે દિશામાં દોટ મૂકી. એને ક્યાં ખબર હતી કે ત્યાં ખરેખર કોઈ એનો સહારો થવા તૈયાર હશે.!

(આ નવલકથામાં દર્શાવવામાં આવેલ માનવીની વૃતિ/વિકૃતિ એક કલ્પના માત્ર છે. આવા પાત્ર અને વર્ણનની રજૂઆત કરવા પાછળ લેખકનો કોઈ ખરાબ ઉદ્દેશ નથી. તેમજ બાળમજૂરી કરવી કે કરાવવી એ કાયદાની વિરુદ્ધ છે.)

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

 


Rate this content
Log in