તડકીમાં છાંયડો (પ્રકરણ ૨)
તડકીમાં છાંયડો (પ્રકરણ ૨)
[આ નવલકથાનું કોપીરાઇટ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]
તડકીમાં છાંયડો
(પ્રકરણ ૨)
૨. સંઘર્ષનો સાથી : મોરલો
સમયના સંગાથે નવા મા-બાપુજીની છત્રછાયામાં એનો ઉછેર થવા લાગ્યો. આફડો વહાલો લાગતો એ ક્યારે બંનેનાં દિલનાં એક ખૂણામાં ઘર કરી બેઠો એની એ બંનેને પણ ખબર ન રહી. લાડ પ્યારથી વખત ચાલતો રહ્યો. ‘નજર ન લાગે તો તે સમય નહિ.’ એવું જાણતો હોય તેમ સમય પણ એકાએક અદેખાઈ નામના રાક્ષસને ભરખી ગયો. એનાથી મોટા દેવકીનાં ત્રણેય સંતાનોને એની ઇર્ષા થવા લાગી. ધીરેધીરે એની ઇર્ષા એટલી વધતી ગઈ કે દિવસે ને દિવસે દેવકી અને દેવચંદનો જીત પ્રત્યેનો વધતો જતો ગાઢ પ્રેમ જોઈ ત્રણેયે જીતને પજવવાનું શરૂ કર્યું.
એના હાથમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ઝૂંટવી લેવાથી માંડીને એને ધક્કા મારી પછાડવાની સાથે સાથે ધોલ થપાટ કરવાની પણ પહેલ થઈ ચૂકી હતી. ક્યારેક તો દેવકી અને દેવચંદની ગેરહાજરીમાં એકલા જીવ પર ત્રણેય તૂટી પડતા. એની ઉંમરનાં મોટા તફાવતને લીધે એ ત્રણેયને પહોંચી શકે તેમ પણ નહોતો.
એક વખત તો ત્રણેયે માનવતાની હદ વટાવી દીધી. ઘરે કોઈ ન હોવાનો લાગ જોઈ જીતના હાથમાંથી ખાવાનું છીનવી લીધું. એને એક ઓરડામાં લઈ જઈ બેરહેમીથી ઉપરાછાપરી પાટા મારવામાં આવ્યો. એ રડીને બૂમાબૂમ કરતો રહ્યો. હજુ તો સરખું બોલતા પણ ન શીખ્યો હોય એ રડવા સિવાય કરે પણ શું? માર ખાઈ ખાઈને પરસેવે રેબઝેબ થયેલો જીત મોં ખુલ્લું રાખીને પીડાસહ રડતો રહ્યો.
“બંધ કર, ભેંકડો તારો.” ગાલ પર તમતમતો તમાચો મારી મોટા જુગલે આંખો કાઢતા કહ્યું. છતાં એનુ રડવાનું ચાલુ રહ્યું.
“તું એમ નહીં બંધ થાય. ઊભો રહે... આજ તો...” કહેતા જુગલે એના નાક પર ઢીંકાનો વરસાદ વરસાવ્યો. આંખોમાંથી વહેતા અસ્ખલિત આંસુઓથી બમણા વેગે એના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. થોડી જ વારમાં એના કપડાં લોહીથી લથપથ થઈ ગયા.
“અરે., ભાઈ બાપુ આવશે તો.! હવે રહેવા દે.” બાપુના ખિજાવાના ડરથી દેવચંદના વચેટ દીકરાએ જુગલને રોકવાની કોશિશ કરી.
“હા, મા-બાપુ આવતા હશે હોં...” સૌથી નાનાએ જુગલને સાવચેત કર્યો.
સખત પીડાથી વહેતું લોહી અને આંસુ હજુ અટકવાનું નામ નહોતાં લેતાં. બાર વર્ષના જુગલે બંને ભાઈઓની વાત સાંભળતા ફળિયામાં આવી આમ તેમ નજર કરી. દિવસ આથમવાની તૈયારી હોય એવો ઉજાશ ધીરે ધીરે ઓસરી રહ્યો હતો. ફટાફટ જુગલ એની પાસે ઓરડામાં ગયો. લોહીનાં ખાબોચિયાં વચ્ચે જીતને અર્ધ બેભાનાવસ્થામાં પડેલો જોઈ જુગલે એને ઠેકાણે પાડવાની યુક્તિ વિચારવાનો પ્રયત્ન કર્યો. હાંફળો ફાંફળો થતો ફરી બહાર નીકળ્યો અને અચાનક એના દિમાગમાં કશુંક સૂજ્યું હોય એમ અર્ધ બેભાન જીતને નિર્દયતાથી ઢસડતો ઢસડતો ફળિયામાં લાવ્યો.
“એય.., મારી સામે શું જૂઓ છો? આને ઊંચકો અને જલ્દી વડલા નીચેની પાણીની કુંડીમાં ફેંકી દો.” નાના ભાઈઓને આદેશ આપતો હોય એમ વટથી બરાડતા જુગલે એનો ઘા કર્યો. ડંકી પાસેથી ગાભો લઈ ઓરડામાં પડેલું લોહીનું ખાબોચિયું કોઈને ખબર ન પડે એ માટે ઘસી ઘસીને સાફ કર્યું. ત્યાં સુધીમાં નાના બંનેએ લોહીલુહાણ જીતના હાથ પગ પકડીને ટિંગાટોળી કરી એને પાંચ વેંતની કુંડીમાં પધરાવી દીધો.
પાણીમાં પડ્યા પછી થોડી વારે એના શરીરમાં સહેજ સળવળાટ થયો. નાકમાંથી ટપકતું લોહી બંધ થઈ ગયું હતું. પૂરેપુરો ભાનમાં આવ્યા બાદ પાણીથી પોણી ભરેલ કુંડીમાં એણે ઊભાં થવાની કોશિશ કરી. પરંતુ પાણીના કારણે કુંડીના તળિયે શેવાળ વળેલ હોવાથી એ વારંવાર ઊભો થતો રહ્યો, ને લપસીને પડતો રહ્યો. કુંડીમાંથી બહાર નીકળવાના એના દરેક પ્રયત્નો નિષ્ફળ સાબિત થતા રહ્યા.
તાકડે જ એના ઘરના છાપરાં પર આવેલ મોરલો આ બધું જોતો હતો. દેવકીનાં ત્રણેય અદેખિયાં સંતાન મૂંઝાયેલ મીંદડીની માફક પરસાળ પર ગોઠવાઈ ગયાં હતાં. માર ખાઈ ખાઈને અશક્ત થયેલા શરીરે બહાર નીકળવાની આખરી નકામી કોશિશ કરી જોઈ. પછી તો એ પાણીમાં મોં ઊંચું રાખીને કોઈના આવવાની રાહ જોતો બેસી રહ્યો. તરત મોરલો ‘ફડ...ફડ...’ પાંખો ફફડાવી છાપરાં પરથી કુંડીની કિનારી પર આવી બેઠો. એણે કુંડીમાં ડોક ડૂબાડી, જીતના લોહિયાળ કપડાંમાં ચાંચ ફસાવીને ઊંચો કરી બહાર કાઢવા પ્રયાસ કર્યો. મોરલાની ચાંચમાં એટલી તાકાત નહોતી કે એનુ વજન સહન કરી શકે. મોરલો એને ઊંચો કરતો રહ્યો અને વારંવાર ચાંચમાં થતા દર્દને કારણે ન ઇચ્છવા છતાંય એને પાછો કુંડીમાં મૂકતો રહ્યો.
મોરલો એને બહાર કાઢવામાં સફળ થાય તે પહેલા જ પરસાળ પર બેઠેલો અદેખિયો જુગલ આ બધું જોઈને દોડતો કુંડી પાસે આવ્યો. ક્રૂરતાથી એ મોરલાના પીંછાં ખેંચવા લાગ્યો. પૂરું જોર લગાવી એણે મોટા ભાગના પીંછાં ઉતરડી નાંખ્યા. મોરલો એનાથી છૂટવા માટે તડફડિયાં મારતો રહ્યો. જુગલના પ્રહારો ચાલુ હોવા છતાં પણ એ જીતને એકલો છોડી ત્યાંથી ન હટ્યો. ફરી ફરીને એ જીતને બચાવવા મથતો રહ્યો. આ જોતા જ જુગલે પાણીની બહાર મોં રાખીને બેસેલા જીતને પંજો મારી અંદર ઉતારી દીધો અને કુંડી પાસે પડેલ તગારું ઊંચકી મોરલાની ડોક પર માર્યું. તગારાંની અણિયાળી ધાર વાગતા એની જાંબલી ડોક રક્તવર્ણી થઈ ગઈ. ફરી ફરીને જુગલે ચાર પાંચ ઘા ઝીંકી દીધા.
અચાનક ડેલી ખખડવાનો અવાજ સાંભળી જુગલ તે દિશામાં દોડી ગયો. મોરલાએ પોતાની પાતળી રક્તરંજિત આખી ડોક ડૂબેલ જીતના કપડાંમાં ફસાવી. દર્દથી ઊંહકારો કરતા બમણી તાકાત લગાવી મોરલાએ એને ઊંચકીને બહાર કાઢ્યો. બહાર નીકળતા જ એ પ્રિયજનને ભેટી પડે એમ મોરલાની ડોક પર વીંટળાઈ વળ્યો. પોતાના પ્રત્યેનો સ્નેહ અનુભવતા મોરલાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં. ને બે વર્ષનો જીત એની આંખોમાંથી ટપકતાં મોતી સમા અશ્રુઓને તાકી તાકીને જોઈ રહ્યો. બંનેએ મોત સામે જંગ જીતી લીધી હોય એમ બે ઘડી એકબીજાને વહાલથી વળગી રહ્યા.
ડેલી ઉઘડી, અને આખો દિવસ ખેતરે કામ કરવા ગયેલ દેવકી-દેવચંદે ફળિયામાં પગ મૂક્યો. જીત અને મોરલાની આવી દશા જોતા જ બંનેનાં જીવ અધ્ધર થઈ ગયાં. દેવકીએ દોડીને જીતને તેડી લીધો. માંડ માંડ નવજીવન મળ્યું હોય તેવું અનુમાન લગાવી જીતને ભેટીને એ ચુંબન કરતી રહી. મોરલો એનાં માતૃત્વને પ્રણામ કરતો હોય એમ એની સામે ડોક નમાવતો રહ્યો. દેવચંદે પરસાળ પર બેસેલા ત્રણેય દીકરાઓની પૂછપરછ આદરી.
“આવું કેમ થયું? એના નાકમાંથી લોહી કેમ નીકળ્યું? કોણે માર્યું એને..?” દેવચંદે સવાલોનો મારો કર્યો.
“મને નથી ખબર.” મોટા જુગલે નજર નમાવી જૂઠાણું ઓક્યું.
“મનેય નથી ખબર” વચેટ છોકરાએ પણ એની ખોટી વાતમાં સાથ પૂરાવ્યો.
“સાચું બોલો. નહીંતર...” દેવચંદે ત્રણેય સામે બરાડતા હાથ ઉગામ્યો.
“બાપુ, મેં કંઈ નથી કર્યું. એ તો આ ભાઈએ..” માર પડવાના ડરે સૌથી નાનાએ જુગલ સામે આંગળી ચીંધી દીધી. છતાં જુગલે ચોખવટ ન કરી. દેવચંદે ત્રણેયને બે-બે લાફા ઝીંકી દીધા. નાનાએ હીબકાં ભરતા બધી વાત માંડીને કરી.
“હરામખોર.. સાલ્લા... એ માસૂમને મારતા તારો જીવ કેમ ચાલ્યો?” આખી ઘટના સમજીને લોહી ઊકળી જતાં એણે જુગલને ફરી બે થપ્પડ ચોડી દીધી.
હાલ પૂરતા ત્રણેયને પડતા મૂકી એણે દેવકી પાસે હળદરનો લેપ બનાવડાવી જીતના જખમ પર લગાવ્યો. પરંતુ જીતનો જીવ તો કુંડી પાસે પડેલા ઘવાયેલ મોરલામાં હતો, જે બેહદ દર્દથી ઊંહકારા કરતો હતો. એ ફરી ફરીને ત્યાં જોયા કર્યો. એની નજરમાં છલકાતા મોરલા પ્રત્યેના પ્રેમને પારખી જઈ દેવકી મોરલાને તેડીને ઓસરીમાં લઈ આવી. એની ડોકનાં પ્રહાર પર પણ હળદરનો લેપ લગાવી પાતળું કપડું બાંધ્યું. આખી રાત જીત ઓસરીના એક ખૂણામાં અને મોરલો ફળિયાના એક ખૂણામાં એકબીજાને તાકતા પડી રહ્યા.
બીજા દિનની સવારથી જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ ધીરેધીરે મોરલો એના ઘરની આજુબાજુમાં જ ઉડ્યા કર્યો. જાણે જીતની રખેવાળી ન કરતો હોય.! ક્યારેક છાપરાં પર તો ક્યારેક વડલા પર. કયારેક પાણીની કુંડી પર તો વળી ક્યારેક તો ‘જુગલ ઘરે નથી ને?’ એની ખાતરી કરીને ફળિયાથી ઓસરી સુધી આવી જતો. હવે તો દરરોજ જ એણે અહીં હાજરી પૂરાવવી પડતી.
ભરાવદાર પેટ, લાંબા રંગબેરંગી પીંછાં, મનોહર ડોક અને એની ઉપર ચાર ચાંદ લગાવતી હોય તેવી ઘેરી જાંબુડિયા રંગની કલગી. એને આવતો જોઈ જીત તો હરખ ઘેલો થઈ જતો. ખૂબ જ ઓછા વખતમાં એ બંને સારા સ્નેહીજનો બની ગયા. મોરલો હવે જીતનો ‘જીવલો’ બની ગયો હતો. જે દિવસે જીવલો ન આવે એ દિવસે જીતને ચેન ન પડતું, અને જે દિવસે જીત ન દેખાય એ દિવસે જીવલાને. જીતને જૂએ નહિ ત્યાં સુધી એ એના ફળિયાની પાળી પર આવીને આમતેમ ડોકાયા કરતો. હવે તો એ બંને વચ્ચે ટહુકા અને આંખો થકી એકબીજાના મનમાં રહેલી લાગણીઓની આપલે થવાની શરૂઆત થઈ ગઈ હતી.
સૂરજ નીકળતો રહ્યો અને ઢળતો રહ્યો. ઝડપભેર ઘડિયાળના કાંટાઓ ઉત્તરમાં એક થતા ગયા, ને વર્ષો પસાર થતા રહ્યા. જીત દસ વર્ષનો થઈ ગયો પણ ફળિયામાં આવવાની જીવલાની નિત્ય આદત તો એની એ જ રહી. પરંતુ સમયની સાથે સાથે લાકડામાં ઊધઈ ઊંડી ઊતરતી જાય એમ જુગલ અને એના ભાઈઓના દિમાગમાં જીત પ્રત્યેની નફરત અને ઇર્ષા ઊંડા ઊતરતા ગયા. હવે આ નફરત માત્ર એના પૂરતી સીમિત નહોતી રહી. એ ત્રણેયને જીતનો સારો દોસ્ત બની ગયેલ જીવલો પણ ખટકવા લાગ્યો હતો.
દેવચંદ અને દેવકીની ધાકધમકી હોવા છતાં ત્રણેયે જીત અને જીવલાને હેરાન કરવાથી માંડીને મારી નાખવા સુધીના કેટકેટલાય કાવતરાઓ કરી જોયા. જીવલાના પગને સૂતળીથી બાંધી દેવા, એની ડોક મરડવી. તો વળી ક્યારેક એના પેટ પર વસ્તુઓનાં ઘા કરીને અસહ્ય પીડા આપવામાં આવતી. પરંતુ દર વખતે જીત એને બચાવવામાં સફળ રહ્યો. જીત પર પણ આવા આકરા અખતરાઓ કરવામાં આવતા. પરંતુ એ બંનેએ પોતાના જીવને બચાવવાના સંઘર્ષમાં એ ત્રણેયને ક્યારેય જીતવા ન દીધા.
“મને ખબર છે કે તારે મારા બાપનું સર્વસ્વ છીનવી લેવું છે, પણ હું આવું ક્યારેય નહિ થવા દઉં. અને તને મારા ઘરમાંથી હટાવીને જ રહીશ.” એક દિવસ જુગલે કડવા શબ્દોનો વરસાદ વરસાવ્યો, છતાં જીત ગમ ખાઈ ફળિયાના ખૂણામાં બેસી રહ્યો. શબ્દોના ઘા હૈયામાં અથડાતા હોય એમ વંટોળની માફક ઘૂમરાતા રહ્યા. એની આવી હાલત જોઈ જીવલાથી ન જીરવાયું.
“તને લાગતું નથી કે તારે હવે આ ઘર છોડી દેવું જોઈએ?” મૌન બેસેલા જીતને જોઈ જીવલાએ સવાલ કર્યો.
“પણ આ ઘર મૂકીને હું ક્યાં જઈશ? ને મારી પાસે રહેવા માટે બીજું છે પણ શું?” એણે પ્રતિ પ્રશ્ન કર્યો.
“એક વખત મને જો.! મારી પાસે ક્યાં કંઈ છે? છતાંય હું રહું છું, અને જીવું પણ છું.” જીવલાએ કાયમના જોખમમાંથી છૂટી જવા આશ્વાસન આપતા કહ્યું.
છેવટે જીવલાની સાંત્વના પર ભરોસો કરી દસ વર્ષના જીતે એના બાપુજીનું ઘર છોડવાનું નક્કી કર્યું. ઘર ન છોડવા બાબતે દેવચંદ અને દેવકીએ લાખ મનાવવા છતાં એ એકનો બે ન થયો. પછી તો જીતના જવાનું કારણ સમજતા હોવાથી એના બાપુજી મૌન રહ્યા પણ એને રોકી ન શક્યા. પોતાનાથી દૂર થવાની વાત સંભાળતાની સાથે દેવકી રડી રડીને અડધી થઈ ગઈ. જીત જાણતો હતો કે એના આ પગલાથી બંનેને દુઃખ થશે પરંતુ એણે કાયમના કષ્ટ કરતા ઘડીભરનું દુઃખ પસંદ કર્યું. અને એક ઢળતી સાંજે એના મા-બાપુજીને ચોધાર આંસુએ રડતા મૂકી જીવલા સાથે ભારે હૈયે ફળિયું છોડ્યું.
એની જિંદગીની ખરી કસોટીનો આરંભ તો હવે થયો હતો. પરંતુ એમ જ હાર સ્વીકારી લે તો એનુ નામ જીત નહિ.! જીવનના સંઘર્ષ સામે લડી લેવું એ એના લોહીમાં વણાઈ ગયું હતું, અને સંઘર્ષને પાર પાડવાનું જીવલાએ શીખવી દીધું હતું. શરૂઆતના થોડા દિવસો એણે ગામમાં ગમે ત્યાં રહીને ગુજાર્યા. ક્યારેક કોઈના વાડામાં, ક્યારેક કોઈની ખડકી પાસે તો વળી ક્યારેક પાદરના પથ્થર પર.
આ દિવસો એના માટે કપરા જરૂર હતા પણ બેકાર નહિ. આ સમય દરમિયાન એ રોજબરોજ ગામના લોકોનું એનાથી થાય તેવું નાનું મોટું કામ કરી લેતો. એના બદલામાં લોકો એને રોટલો કે રોટલીના વધ્યા ઘટ્યા બટકાં આપતા. આવા બટકાંનેય એ ખુશીથી અમૃત ગણીને ગળી જતો. સૂકો રોટલો ખાવાથી ક્યારેક હેડકી પણ આવતી. પરંતુ તે સમયે એના મા-બાપ કે બાપુજી યાદ કરતા હશે એવું માનીને પોતાના નસીબ સામે ફરિયાદ માંડવાના બદલે સ્વયં ખુદના દિલને દિલાસો આપી દેતો.
“આવું ક્યાં સુધી ચાલે? ઠંડી, ગરમી અને વરસાદમાં આમતેમ ગમે ત્યાં કેટલુંક જીવાય?” એવું વિચારીને આખરે એણે એક દ્રઢ નિશ્ચય કર્યો. એક એવો નિશ્ચય જેનાથી એની જિંદગીને નવી દિશા મળી શકે. એક એવો નિશ્ચય જ્યાંથી એ સ્વયંના અસ્તિત્વને નવો આકાર આપી શકે. ને પછી તો ઉગતા સૂર્યોદયે એ ખોબલામાં ખંત ભરી પોતાના સંકલ્પને સાકાર કરવા નીકળી પડ્યો.
(આ નવલકથામાં દર્શાવવામાં આવેલ માનવીની (જુગલના પાત્રની) વૃતિ/વિકૃતિ એક કલ્પના માત્ર છે. આવા પાત્ર અને વર્ણનની રજૂઆત કરવા પાછળ લેખકનો કોઈ ખરાબ ઉદ્દેશ નથી. મોરલા પર કરેલા પ્રહારો વર્ણવતા લેખક ખુદ ભાવુક થઈ ગયા હતા અને એ પોતે જીવદયા પ્રેમી છે.)
ક્રમશ:
વધુ આવતા મંગળવારે...
