Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧)

5 mins
7.1K


[આ નવલકથાનું કોપીરાઇટ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

(પ્રકરણ ૧)

 ૧. મંડાણ

શીતળ છાંયડાની રાહ જોતો એ ભૂખરી ભૂમિના વેરાન તટ પર બેઠો બેઠો પોતાના વીતી ગયેલા સંસ્મરણોને વાગોળી રહ્યો હતો. એનુ શરીર તો ચાલીસ વર્ષનું હતું પરંતુ તન અને મન વૃદ્ધત્વને આંબી ગયા હતા. ચાલીસ વર્ષમાં જાણે સાતેય જનમ એણે જીવી લીધા હતા. સિત્તેર વર્ષના વૃદ્ધની માફક જોયેલી દુનિયાદારીને એણે જીતી લીધી હતી. એનુ વ્યક્તિત્વ જાણે એની જિંદગીનું પ્રતિબિંબ પાથરી રહ્યું હતું.

“શું વિચારે ચડ્યો છે? જીતુ..!” ક્યાંક દૂરથી મોરલો એને પૂછી રહ્યો.

“હંમમમ્.. આજે તારો આખરી સહારો મેળવવાની આશાએ અહીં આવ્યો હતો, અને એ પણ...” ઉત્તર આપતા-આપતા એણે આગળના શબ્દો હૈયામાં ધરબી દીધા.

“અરે... પાગલ જેવી વાત ન કર. ખુદને જો..! કેટકેટલુંયે સમાવીને બેઠો છે. તેને બહાર કાઢ.”

“હવે મારી પાસે વધ્યું જ છે શું? કે તેને દુનિયા સામે લાવું. છેવટે તું પણ મને એકલો કરીને...” ફરી એના શબ્દો નિઃશબ્દ થઈ ગયા.

“તારી આ અપલક આંખોમાં આજે પણ સારા-નરસા વખતને જોવાની શક્તિ છે. તારા હાથપગ ભલે ખૂબ ચાલ્યા હોય પરંતુ હજુયે ચાલવા તત્પર હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. ખભા હજુ સુધી ડગ્યા નથી. કમર મકાનોની દીવાલ અને અઢાર વર્ષના યુવાનની માફક આજેય અડીખમ છે. શરીરના દરેક હાડકાં સશક્ત છે. બરડ બનેલી ત્વચામાં પણ આજે વેગીલું લોહી વહી રહ્યું છે. આંગળીઓના વેઢા પોતાના સ્થાનેથી થોડા હલબલી ગયા છે, પરંતુ તે કરેલો શ્રમ હજુ વિશ્રામ નથી પામ્યો. અને તારા હૈયાએ તો પરિસ્થિતિ સામે લડીને ભલભલાંના દિલ જીતી લીધા છે.”

“પરંતુ લોકોના દિલ જીતીને હું ખુદ હારી ગયો છું. તેનું શું?” ક્ષિતિજ તરફ જોતા એણે હળવો નિસાસો નાખ્યો.

“યાદ કર એ શબ્દો, જે તેં જ મને કહ્યા હતા કે, ‘મારી જિંદગીનો એક દિવસ તો જીવી જો.., ખબર પડશે કેવી મજા પડે છે..!’, યાદ કર એ દિવસો, જેને તું હરાવીને આવ્યો છે. યાદ કર તે ક્ષણો, જે આપણે સાથે વિતાવી હતી. યાદ કર એ સમય, જેને તે સહર્ષ સ્વીકાર્યો હતો. યાદ કર એ બધું, જેને તું હોંશે હોંશે જીવી ગયો છે.” એના હૃદયના અંશ સમા મોરલાએ ક્ષિતિજની પેલેપારથી એને ફરી જીવવાનું શીખવતો હોય તેમ આજે એનો ભૂતકાળ યાદ કરાવતા કહ્યું.

વહી જતા આંસુ તરસ્યા કપોલને ભીંજવીને માટીમાં ભળી રહ્યાં હતાં. મંદ ગતિથી વાતા વાયરાને વીંધીને બેઠેલા ઈશ્વરને જાણે નમન કરતો હોય તેમ એણે આંખો મીંચી દીધી. ભીંજાયેલી પાંપણો પરથી ટપકતાં અશ્રુબુંદો એની જિંદગીની દરેક પળોને યાદ કરાવતા હતા. જીતુના જીવનને સમજાવતું હોય તેમ પહેલું ટીપું અશ્રુધારાથી વિખૂટું પડી બીજા એક આંસુને લઈને માટીમાં ભળી ગયું.

***

ગુજરાતનાં અંતરિયાળ ગામડાના તદ્દન સામાન્ય પરિવારમાં થયેલો જન્મ. એના જન્મના માત્ર એકાદ વર્ષના ટૂંકા ગાળામાં માંદગીથી કણસતી મા, અને ગંભીર બીમારીને હરાવવા માટે ઇલાજની રકમ એકઠી કરવા રાતદિવસ દોડતા એના પિતા. હમણાં તો એની જિંદગીનો સૂર્યોદય ઝાંખો પ્રકાશતો હતો. પરંતુ તેમાં પણ આશાસભર ઉજાશ તો હતો જ ને..! એના પિતાએ કામ માટે તપાસ આદરી ત્યારે ખબર પડી કે ગામમાં કૂવાના ખોદકામ માટે એક માણસની જરૂર છે. અને કૂવાના માલિક તરફથી જે મજૂરી મળશે તેનાથી ગંગાની સારવાર થઈ શકશે. આ જાણી એણે બીજી સવારે જ ત્રિકમ હાથમાં લીધું.

જેમ જેમ ખોદકામ થતું ગયું તેમ કૂવાનો માલિક સરપંચ એને પૈસા આપતો ગયો. ઘણી વાર જીતુના પિતા સ્વગત બોલી ઊઠતા, “જે દિવસે કૂવામાં જળ આવશે તે દિવસે ગંગાના જીવનમાંથી રોગીપણું હટશે.”

કૂવાની ઊંડાઈ વધતી ગઈ તેમ ગંગાની બીમારીનો ઘા પૂરાતો ગયો. એ હવે લગભગ સાજી થઈ ગઈ હતી. તેથી એનાં પતિ દ્વારા એકલા-એકલા ખોદકામ થતું એને પસંદ ન પડ્યું. એક દિવસ એ સવા વર્ષના જીતુને લઈને કૂવા સુધી પહોંચી ગઈ. ઝાડની ઝૂકેલી ડાળીઓ પર કાપડનું ખોયું બનાવી જીતુને સુવડાવ્યો. કામમાં મદદ કરાવવાના આશયથી ગંગા કૂવા પાસે જઈ તેના ઊંડાણને જોઈ રહી.

“તું અહીં? ત્યાંથી દૂર જા, મંડાણ કાચું છે.” એણે કૂવામાંથી ઉપર જોઈ બૂમ પાડી.

“કંઈ નહીં થાય.....” આગળ બોલે તે પહેલા તો ગંગાનાં પગ તળેથી કૂવાનું મંડાણ ભાંગી ગયું. ચીકણી માટીનાં પોપડાઓ સાથે એનાં પગ પણ લપસી પડ્યા. મથુરા જવા નીકળેલા શ્રીકૃષ્ણને મળવા જતી રાધાની માફક એ એનાં પતિને જાણે મળવા જતી હોય તેમ કૂવાની હવાને વીંધીને ‘ધડામ...’ કરતા જીવલેણ ધબાકા સાથે પછડાઈ ગઈ.

એક કારમી ચીસ સાથે પળભરમાં સઘળું વિખેરાઈ ગયું. એક સાથે બે પ્રાણ તેના નશ્વર દેહને તળિયે છોડીને બહાર નીકળ્યા. અનાયાસે સર્વસ્વ છીનવાઈ જવાના ભાસ સાથે જીતુની આંખો ખૂલી ગઈ. ચારેય હાથે આશિષ વરસાવીને ઊડી જતા બંને પ્રાણને તે આખરી વેળા પ્રણામ કરી રહ્યો. જોતજોતામાં તો હતું નહોતું થઈ ગયું. વિખૂટાં પડેલા માળાના બે મોતી જીતુ નામના મોતીને એકલું છોડીને ચાલ્યા ગયા.

ડૂબતા સૂરજે કૂવા પાસે ચક્કર મારવા આવેલા સરપંચે ઘટનાનો તાગ મેળવ્યા બાદ જીતુને પણ કૂવામાં પધરાવીને મારી નાખવાનો નિષ્ઠુર નિર્ણય કર્યો. જીતુને ઊંચકીને મનઘડંત કાવતરામાં સફળ થાય તે પહેલા જ એના કાને કોઈના શબ્દો અફળાયા, “ઓયે... સરપંચ... આ શું કરે છે?”

“આ છોકરાને...!” એના મોટાભાઈ સામે વધુ બોલવાની સરપંચની હિંમત ન હતી. આખી વાતને કળી જતા, સરપંચના હાથમાંથી જીતુને લઈ ત્રણ સંતાનના પિતા ત્યાંથી ઘર ભણી ચાલતા થયા. એકાદ કલાકમાં બંનેના મોતની વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ.

“આજથી હું તારો બાપુજી અને તું મારો દીકરો.” કહેતા સરપંચના મોટાભાઈ દેવચંદે ફળિયામાં જીતુના ડગ મંડાવ્યા.

“કોને ઊંચકી લાવ્યા છો? કોઈ જરૂર નથી આવા અપશુકનિયાળને સહારો આપવાની.” હજુ તો ઘરમાં પ્રવેશે તે પહેલા જ ગામની વાતો સાંભળીને એની પત્નીએ રોષ ઠાલવ્યો.

“અરે.. આવું કેમ બોલે છે? બિચારાનું કોણ છે આ ગામમાં? માબાપ હતા એય...” દેવચંદે વાતને હળવાશ આપવાનો પ્રયાસ કર્યો.

“એનુ કોઈ ન હોય એટલે આપણે સ્વીકારવાનો? નાત-જાત જેવુંય કંઈ હોય કે નહિ..! ફેંકી આવો.. જ્યાંથી લાવ્યા હોય ત્યાં.” નિર્દોષ જીતુ સામે લાલચોળ ડોળા કાઢી, એને લાત મારીને એ તિરસ્કૃત કરતી રહી. પરંતુ નાનકડા બાળકમાં આ બધું સમજી શકે તેવી સમજણ કયાંથી હોય? એ તો ટગરટગર વારાફરતી બંનેને તાકી રહ્યો.

“આકરી ન થા, દેવકી.! નાત-જાતને નેવે મૂકી, આ છોકરાને તારો દીકરો ગણીને તેડી લે.” ધીરેધીરે દેવચંદના અવાજમાં પહેલી વાર પારકાં માટે લાચારી ઉમેરાતી હતી.

“આપણા ત્રણ ઓછા છે? કે હું આને તેડું.!” એણે છણકો કર્યો.

“આપણો ચોથો દીકરો મરી ગયો તે આ જ છે, એવું સમજીને તેડી લે..  અને આ માસૂમની સામે એકવાર જો’તો ખરી. જો.., કેટલો પ્રેમથી જૂએ છે તને.!” પત્નીની દુઃખતી નસ પકડતા એણે જીતુને પોતાનો બનાવવાની આખરી કોશિશ કરી જોઈ.

ફળિયામાં થોડીવાર મૌન પથરાઈ ગયું. ઘણા વખત સુધી દેવકી જીતુની પારદર્શક કીકીઓમાં ડોકાતી રહી. જીતુની નજર માતૃપ્રેમને ઝંખતી હોય તેમ તરસી હોવા છતાં સહજ સ્નેહ વરસાવતી હતી. અનાયાસે એણે ભોળપણથી મરક મરક મલકાતા જીતુને વધુ એક પળનો વિલંબ કર્યા વગર છાતી સરસો રાખી લીધો. માતૃત્વ છતું કરતી દેવકી એને વારંવાર ચુંબન કરતી રહી. મા-દીકરાનું આવું નિર્વ્યાજ મિલન થતું જોઈ દેવચંદની આંખો સહર્ષ છલકાઈ ગઈ.

“વાહ.. જીત. વાહ.., છેવટે તારી જીત થઈ.” દેવકીનાં હાથમાંથી જીતુને ઊંચકી ‘જીત’ નામ આપતા એના બાપુજીએ ઘરમાં એની નાની નાની પગલીઓનું મંડાણ માંડ્યું. પરંતુ જીતને ક્યાં ખબર હતી કે આ મંડાણ કેટલું ટકશે? અને આ જ મંડાણ બાદ એની જિંદગીમાં કેટકેટલાય સંઘર્ષો એની સામે આવીને ઊભા થઈ જશે.!

ક્રમશ:

વધુ આવતા મંગળવારે...

 

 

 

 

 


Rate this content
Log in