સ્વભાવ (ઝેન કથા)
સ્વભાવ (ઝેન કથા)
એકવાર એક સાધુ નદીમાં સ્નાન કરવા ગયા. તેઓ સૂર્યને આર્ધ્ય અર્પણ કરી રહ્યા હતા ત્યાં તેઓની નજર નદીમાં ડૂબી રહેલા એક વીંછી પર ગઈ. વીંછીને ડૂબતા જોઈ સાધુનું હૃદય દ્રવી ઉઠ્યું. વીંછીને બચાવવાના ઇરાદે જેવો સાધુએ હાથ લંબાવ્યો એવો વીંછીએ તેમને ડંખ માર્યો. વીંછીના ડંખથી સાધુ પીડાથી છટપટાઈ ઉઠ્યા પરંતુ બીજી જ ક્ષણે તેમનું દર્દ ઓછું થતા તેમણે ફરીથી વીંછીને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ વખતે ફરીથી વીંછીએ ડંખ માર્યો. આમ વારંવાર થતું રહ્યું.
આ જોઈ કિનારે ઉભેલા માણસે કહ્યું, "મહારાજ, તમે જ્યારે પણ વીંછીને બચાવવાનો પ્રયત્ન કરો છો એટલીવાર એ તમને ડંખ મારી રહ્યો છે. તો પછી તમે તમારો પ્રયત્ન છોડતા કેમ નથી? વીંછીનો તો સ્વભાવ છે ડંખ મારવાનો."
આ સાંભળી સાધુ મુસ્કરાઈને બોલ્યા, "બેટા, જો વીંછી જેવો જીવ તેનો સ્વભાવ છોડવા તૈયાર નથી ત્યારે સાધુ થઈને હું મારો સારો સ્વભાવ કેમ છોડું?"
આમ બોલી સાધુ ફરી વીંછીને બચાવવા મશગુલ થઈ ગયા.
(સમાપ્ત)