Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dina Vachharajani

Others

3  

Dina Vachharajani

Others

સ્વૈરવિહારી આશા

સ્વૈરવિહારી આશા

5 mins
96


"શિકાર કરવા નીકળેલ દુષ્યંત રાજા હરણની પાછળ દોડતાં દોડતાં દૂર ગાઢ વનમાં પહોંચી ગયા. હરણને મારવા જેવું તીર બાણ પર ચઢાવ્યું ત્યાં એમની નજર પડી એક અતિસુંદર છોકરી પર,એ એની બે બહેનપણીઓ સાથે વનરાજીમાં વિહાર કરતી હતી. .."

"મા ,વિહાર એટલે ?" રાત્રે સૂતી વખતે વાર્તા કહેતી માને અવનિએ પૂછ્યું.

"બેટા ! વિહાર એટલે ,મસ્ત થઈ ફરવું -રમવું. આપણે પિકનિકમાં કરીએ ને એમ. . . "

"પણ મા! ત્રણ નાની છોકરીઓ એકલી એકલી રમે ? આવડાં મોટા વનમાં ? તું તો મને ક્યાંય નથી જવા દેતી.".

મા હસી પડી બોલી, "બેટા, એ સતયુગ હતો. ત્યારે એ છોકરીઓ માટે ભય જેવું જ કંઇ નહોતું. પણ ચાલ,હવે તું સૂઇ જા. . . " માનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો અવનિ વાર્તામાંની શકુંતલાને સ્થાને ગોઠવાઇ ચૂકી હતી.

બીજે દિવસે સાંજે. . . .

"અવનિ ઓ અવનિ !"

માની બૂમો સાંભળી અવનિ એક મોટા પીપળાની ઓથે સંતાઇ ગઇ. મા પકડશે તો અહીં રમવા નહીં મળે. હજી તો પેલા વડલાની વડવાઇએ ઝૂલવાનું, આંબાની ઊંચી ડાળે ચઢવાનું અને ઘાસમાં આળોટવાનું... બધું જ બાકી છે. પણ મા જેનું નામ, અવનિને શોધી કાઢી, કાન ઝાલી ઘરમાં લઇ જતાં ધમકાવી.

"ખબરદાર! ફરી ક્યારેય આ સૂમસામ જ્ગ્યાએ આવી છે તો, ટાંટિયા જ તોડી નાંખીશ."

અવનિને ખૂબ ખરાબ લાગ્યું. ઘરથી થોડેક જ દૂર આવેલી. આ ઝાડી, ઝાડી શું ? નાનું શું જંગલજ ! એની પ્રિય જગ્યા હતી. મા તો જાણે એની દુશ્મનજ. . અહીં આવવા જ ન દે. એનાથી બે વરસ મોટા ભાઇને તો બધીજ છૂટ હતી. એ તો સાઇકલ લઇ ભાઇબંધો સાથે ધણી એ વાર અહીં આવતો. અવનિએ ધણી એ વાર અહીં રમવા આવવા પ્રયત્ન કર્યા, પણ વ્યર્થ. પછી તો અહીં આવવાનો વિચારજ એણે છોડી દીધો. અલબત્ત એ વનરાજી ઘટા, કૂણું કૂણું ઘાંસ,તડકાનો કૂમળો સ્પર્શ તો એને બોલાવતાં જ રહેતાં.

હવે તો અવનિ મોટી થઇ ગઇ હતી. નાનાં શહેરથી એનું કુટુંબ મહાનગરમાં રહેતું થયું હતું. આ વરસથી તો એ કોલેજમાં આવી, પતંગિયાને જાણે પાંખ આવી. એણે નક્કી કર્યું, હવે તો પોતે મુક્ત, કોઇની નજરબંઘી સિવાય પણ બહાર જવા મળશે. ખૂબજ મજા કરવી છે,પોતાને ગમે એવા સ્થાનો એ જઇને. એને એના જેવીજ એક સખી પણ મળી ગઇ. આજે કોલેજમાં વહેલી રજા પડી ગઇ. માગશર મહિનાની ઉતરતી બપોરે એ અને સખી સાઇકલ સવાર થઇ, શહેરને છેડે આવેલ સુંદર, મોટા પાર્ક માં પહોંચી ગયાં. પહેલાં તો બધે ફરી ત્યાં વહેતી નદી. સુંદર મંદિર બધું જોયું ત્યાં સાંજ પડવા આવી. હવે તો શાંતિથી લીલાછમ્મ ઘાસમાં બેસી, ઊંચા વૃક્ષ-ઠંડી હવા-ચહકતાં પંખીઓ જોડે ગોઠડી કરશું, એવું નક્કી કરી બંને સખીઓ બેઠી. ત્યાં તો બંદૂકધારી પોલીસ આવી ચડ્યો.

"ચલો . ઉઠો ઉઠો -હમણાં થોડી વારમાં અંધારું થશે--બંને છોકરીઓ, એ પણ એકલી અહીં શું કરો છો ? ભાગો. . . . "

આથમતા સૂરજના કિરણોથી આસપાસની સૃષ્ટી સોનેરી રંગે ચમકતી હતી,પણ એ બંનેના મનમાં તો રાતની કાલિમાજ છવાઈ ગઈ. એમ તો કુટુંબ કે મિત્રોનાં ટોળાં સાથે કુદરતની વચમાં આવવા મળતું, પણ. . . સતત ટોકતી ને આલોચતી નજરોની વચમાં એ મજા ક્યાં ? જે સ્વૈરવિહારમાં મળે. એનું મન તલસતું જ રહેતું.

કોલેજથી આવતાં -જતાં શહેરની વચમાં રહેલાં નાના-નાના બગીચા પર એની નજર પડતી--જ્યાં પુરુષો એકલાં એકલાં ટહેલતાં રહેતા, વાંચતાં કે પછી ઘાંસમાં આળોટતા રહેતાં. એને પણ એમ ટહેલવાનું મન થતું. મન ઉદાસ હોય ત્યારે તો આવીજ કોઇ જગ્યા એને શાંતિદાતા લાગતી, પણ છોકરી એમ થોડી ભટકે ? લોકોની નજરનું શું? અને. . . . . એ અટકી જતી.

આજે અવનિને ઇન્ટરવ્યુ માટે એક ઓફિસમાં જવાનું હતું. પહોંચ્યા પછી ખબર પડી કે ઇન્ટરવ્યુ લેનારા બે કલાક મોડા થયાં છે. હવે સમય કેમ પસાર કરવો ? એ તો પહોંચી નજીક આવેલા એક સુંદર બગીચામાં. મન તો થતું હતું ઘાંસમાં આળોટવાનું. . . પર્સમાંથી એક ચોપડી કાઢી ઘટાટોપ વૃક્ષ ને ટેકે બેસી એ વાંચવા માંડી. અહા ! મનમાં ખુશીની એક લહર ઊઠી, થોડી વાર થઈ ત્યાં ત્રણ -ચાર જુવાનિયાઓનું ટોળું સિસોટી વગાડતું નજીકમાં જ બેઠું. પછી શરૂ થઇ એ લોકોની ઠઠ્ઠા મશ્કરી. ક્રોધ અને વધારે તો અસહ્ય લાચારીના ભાવ સાથે એ ત્યાંથી ઉઠી -દો. . . ડી. . ને વાહનોને માણસોથી ઉભરાતાં રસ્તા પર આવી ગઇ. એણે પાછું ફરીને પણ ન જોયું. એના મનને એક ખૂણે વસતી શકુંતલા જાણે ઊંડે- ઊંડે ધરબાઇ ગઇ.

હવે તો કોયલનો ટહૂકો કે વાસંતી વાયરો પણ એના રૂંવાડાને ન સ્પર્શતો. હા ! હજી એ શહેરના પાર્કમાં જતી તો જરૂર, પોતાના નાના બાળકને ત્યાંની રાઇડ્સમાં બેસાડવા !

અવનિ વેબ ડિઝાઇનીંગના ક્ષેત્રે કાબેલ ગણાતી એટલે જ એની પસંદગી થઈ કેનેડામાં આવેલ એનીજ ઓફિસની શાખામાં ત્રણ મહિનાનો અનુભવ લેવા માટે. પોતાના સિમિત વિશ્વથી બહાર નીકળવાનો એનો પ્રથમ અનુભવ.

થોડી ઉત્કંઠા, થોડા ભયને પણ સામાનમાં પેક કરી એ તો પહોંચી ગઇ કેનેડા. અહો ! અતિસુંદર! જ્યાં નજર નાંખો ત્યાં લીલીછમ ધરતી. ઠેરઠેર સુંદર મેદાનો ને બગીચા. એપાર્ટમેન્ટમાં સેટલ થઈ એ તો પહોંચી ગઇ નજીકના વિશાળ બગીચામાં. સરસ તડકો નીકળ્યો હતો અને લોકો એની મજા લઇ રહ્યા હતાં. એ પણ સુંદર ફૂલોની ક્યારી પાસેના બાંકડા પર બેસી ગઇ. ખૂબ શાંત ,સુંદર વાતાવરણ. . . . થોડી ક્ષણો વીતી ને જાણે પેલી સ્વૈરવિહાર કરતી શકુંતલા એના મનની સપાટી પર ઊભરાઈ આવી. બાંકડા પરથી નીચે લોનમાં બેઠી અને તંદ્રામય સ્થિતિમાં ક્યારે એ ઉપર ખુલ્લા ગગન તળે, લોનમાં આડી પડી એને ખબર જ ન પડી ! સમય વીત્યો. અહો પરમશાંતિ-પરમતૃપ્તિની ક્ષણો. આને જ સમાધિની સ્થિતિ કહેતાં હશે ? જાણે સમાધિમાં ભંગ કરતા હોય એમ બે યુવાન એની પાસે આવ્યા,અવનિ વિચલિત થઈ -થોડી ગભરાઈ પણ ગઇ. એ બંને નજીક આવી ખુલ્લા દિલે હસી બોલ્યા

"અરે ! તમે પણ અમારી જેમ આ સુંદર દિવસે પ્રકૃતિને માણો છો? ગુડ. . . વેરી ગુડ. . . કહી સહજતાથી આગળ વધી ગયા. અને અવનિની સામે અનુભૂતિનું એક નવું જ વિશ્વ ખૂલી ગયું. એ વિશ્વમાં ટમટમતી હતી આશાની એક જ્યોત. જ્યાં સ્ત્રીની સ્વૈરવિહારની આશાને સલામતીની સુંદર પાંખો મળે.


Rate this content
Log in