સૂર સમ્રાટની સૂતરફેણી
સૂર સમ્રાટની સૂતરફેણી
ભાગ્યે જ કોઈને ન ગમે એવા કર્ણ પ્રિય સંગીતના સૂર રાજમહેલના બગીચામાં રેલાતા હતાં. બે ઘડી ઊભા રહીએ અને બસ સાંભળ્યા જ કરીએ એવો સુમધુર અવાજ હતો. રાજકુમારી પોતાના રૂમમાંથી જલ્દી ઝરૂખા પાસે આવી અને આમતેમ નજર કરી કોઈ હતું નહિ. અસમંજસ ભરી નજરે આમતેમ જોઈ તેણીએ તેની દાસીને મોકલી કે,'આ શેનો અવાજ છે ?
તપાસ કરતાં જાણવા મળ્યું કે,નગરમાં કોઈ જાદુગર આવ્યો છે. જે પોતાના સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરે છે. રાજકુમારીએ તેને સાંભળવાની પોતાની ઈચ્છા રાજા સામે વ્યક્ત કરી. લાડકવાયી દીકરી માટે રાજા એ એક સાંજે એ જાદુગર માટે સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું. મંત્રીમંડળ, કુટુંબીજનો તેમજ સબંધીઓ ખંડમાં પ્રવેશ્યાં. મનોરંજન માટે એકત્રિત થનારા લોકોમાં રાજકુમારી કંઈક અલગ આકર્ષણ સાથે આવી હતી.
જાદુગર સભાખંડમાં પ્રવેશ્યો,તેનું વ્યકિતવત કોઈ ખાસ આકર્ષણ જન્માવે તેવું નહતું. પરંતુ, ચેહરા ઉપર આંખોનો ભાવ બહુ ઊંડો હતો. એ આંખો જાણે કંઈક છુપાવતી હોય ઘણાં રાજ ! તેણે પોતાનું વાદ્ય કાઢ્યું અને આંખો બંધ કરી મનમાં મંત્રોચ્ચાર સાથે એને વગાડવાનું શરુ કર્યું. દરેક લોકો એકબીજા સામે અચરજ ભરી નજરે જોઈ રહ્યા. ભૂતકાળમાં આવું સંગીત ક્યારેય સાંભળ્યું નહતું. મંત્ર મુગ્ધ થયેલ દરેક સભાગણ માટે રાત્રી ક્યાં પસાર થતી હતી એ ખબર જ નહતી.
અચાનક, એ જાદુગરે સંગીત બંધ કરી દીધું અને દોડીને બહાર જતો રહ્યો. સૌ ચૌકી ગયા કે અને આટલું સરસ સંગીત સંભળાવી અધૂરું શું કામ છોડ્યું ? હજુ વધુ સાંભળવાની તાલાવેલી સૌને થવા લાગી. રાજાએ પોતાના નોકરોને એની પાછળ મોકલ્યાં. થોડીવાર બાદ એ આવી સભા ખંડમાં મધ્યમાં ઊભો રહ્યો,અને કહ્યું,"નામદાર, ક્ષમા ચાહું છું. સંગીત મારે અધવચ્ચે છોડવું પડ્યું. કારણ કે, મારો સાથી આવ્યો હતો,જેને મળવા જવું પડ્યું. "
"પરંતું, તમને કેમ ખબર પડી કે તમારો સાથી આવ્યો છે ? "રાજકુમારીએ અચરજથી પૂછ્યું.
"સુગંધથી"એ જાદુગરે કહ્યું.
"હે. . "સભાખંડમાં ઘણાં લોકોનો ઉચ્ચારણ એકસાથે સંભળાયો.
"વિગતે જણાવો. સમય બરબાદ ન કરો"રાજાએ કઠોર અવાજે કહ્યું.
"મહારાજ,મારા સાથીને અંદર લઈ આવું ? પછી વિગતે સમજાવું"
"જી"પછીએ જાદુગર થોડી વારમાં આવ્યો અને તેના ખંભા ઉપર એક વિશાળ ગરુડ બેઠું હતું. તેણે કહ્યું,"હજૂર,આ જ મારો સાથી છે. અમે બંને એકસાથે જાદુ કરીએ છીએ. જો આપની ઈચ્છા હોય તો દર્શાવું"
"જી"રાજાએ કહ્યું.
બધાં લોકો એને અચરજ ભરી નજરે જોઈ રહ્યાં હતાં. એ જાદુગરે પોતાના ઠેલામાંથી એક મધ્યમાં ધારદાર ચક્ર જેવું વાસણ કાઢ્યું અને તેમાં થોડી ખાંડ નાખી. ત્યાર બાદ પોતાના વાદ્યથી સૂર રેલાવવાનું શરૂ કર્યું. તરત જ એ ગરુડે ઉડીને પોતાની ચાંચથી એ વાસણના ચક્રને ફેરવીને સુંદર મજાની સૂતરફેણી બનાવવાનું શરૂ કર્યું. આકર્ષક નિરૂપણ કરેલી એ સૂતર ફેણીથી સૌના મોંમાં પાણી આવવા લાગ્યું. બધાને જલ્દી એને ખાવાની ઈચ્છા થઈ. જેવા એ જાદુગરે સંગીત બંધ કર્યું ગરુડ ફરી ઉડીને તેના ખભા ઉપર બેસી ગયું. સૌને નવાઈ લાગી કે,કોઈ પક્ષી પણ આવું સરસ કાર્ય કરી શકે ! એ જાદુગરે સૌ પ્રથમ મહારાજની પાસે જઈને કહ્યું,"મહારાજ હું સુરોનો સમ્રાટ અને આ મારી સૂતરફેણી,જી આરોગો"
રાજા તો એ ખાઈને ખુબ ખુશ થઈ ગયા. રાજકુમારી સિવાયના બધાં લોકોએ એ સૂતરફેણી ખાધી. સૌ એની કલાના વખાણ કરવા લાગ્યા. કાર્યક્રમ ને અંતે રાજાએ એ ઈનામ માટે પૂછ્યું,"બોલ આ અદ્ભુત સુતરફેણીના બદલામાં શું જોઈએ ? "
જદુગરે વિનમ્રતાથી કહ્યું,"રાજાજી હું આ આપનું રાજ સિંહાસન જોઈએ. "
સૌ ચોંકી ગયા. કે,આ શું ? બીજી જ ક્ષણે એ રાજાએ હસીને કહ્યું,"જી આપ્યું"
હવે તો સૌ અંદરો અંદર ચર્ચા કરતાં ઊભા થઈ ગયા. સાથે રાજાની વાત સાથે સહમત પણ થયાં. રાજકુમારી સમજી ગઈ કે, આ જાદુગર કોઈ સામાન્ય જાદુગર નથી નક્કી કોઈ માયાવી છે. પોતાના સુર રેલાવી જાળ બાંધી અને એ વશીકરણ કરેલી સૂતરફેણી ખવડાવી બધાંને પોતાના વશમાં કરી લીધાં. ખૂબ ચતુર રાજકુમારીએ હાલ પૂરતું શાંત રહેવામાં ડહાપણ લાગ્યું. કેમ કે, એ જાણતી હતી કે સભાખંડના દરેક સભ્યએ એ જાદુઈ સૂતર ફેણી ખાધી છે સિવાય કે પોતે,પોતાના ભાગની સૂતરફેણી દાસીને આપી દીધી જે જાદુગર જાણતો નહતો. દરેક લોકો જાદુગરની વાત માનવા લાગ્યા.
થોડા દિવસ પછી રાજકુમારીએ ખૂબ ચપળતાથી એક રાતે એ જાદૂગરનું વાસણ તોડી નાખ્યું. એટલે હવે જાદુગરની સૂતર ફેણી બનતી નહતી. ધીમે ધીમે રાજા તેમજ સાથે મંત્રીમંડળ દરેકનું વશીકરણ ઉતરવા લાગ્યું. રાજકુમારીએ મોકાનો લાભ લઈને બધાંને વાસ્તવીકતાનું ભાન કરાવ્યું. એ સૂર સમ્રાટની સૂતરફેણી ફેંકીને જાદુગરને પકડીને ફાંસીની સજા ફરમાવી. બધાં એ રાજકુમારીનો આભાર માન્યો. ખાધું પીધું ને મોજ કરી !
