સુધારો
સુધારો
ડાઇનિંગ ટેબલ ઉપર મારુ જમણ પીરસાયું. જોકે મારા નામની સાદ આ ઘરમાં આજે ન ગૂંજશે એની મને ખાતરી હતી. ઓફિસેથી ઘરે પહોંચી દરરોજની જેમ હું સીધો બાથરૂમમાં જતો રહ્યો હતો. એક હૂંફાળા સ્નાન જોડે આખા દિવસનો શરીરનો થાક ઉતરી ગયો હતો. કડકડતી ભૂખ લાગી હતી. બહુ ઊંડું ઊંડું વિચારવું અત્યારે પોષાય એમ ન હતું. એણે મને ન બોલાવ્યો ? મારી જોડે વાત ન કરી ? મને એક વાર સોરી પણ ન કહ્યું ? એના હાથનું ભોજન કઈ રીતે જમી લઉં ? આ બધા વિચારોમાં પડું તો ભૂખ્યા પેટે ઊંઘવા જવું પડે અને મને એ જોખમ જરાયે ખેડવું ન હતું. ચુપચાપ કોળિયા મોઢામાં ઉતરવા લાગ્યા.
વાહ, આજે જમણ કંઈક વધુજ સ્વાદિષ્ટ લાગી રહ્યું હતો. પણ પ્રસંશા માટે મોઢું ખોલું તો મારુ સ્વમાન સીધું હણાય. એ મને જરાયે મંજુર ન હતું. મારી આગળ ગ્લાસ મૂકી એણે ઠંડુ પાણી રેડ્યું. મને જમવાની વચ્ચે વચ્ચે એકાદ ઘૂંટ પાણી પીવાની ખરાબ ટેવ હતી. એ જાણતી હતી. મારી બધીજ ટેવો અને કુટેવો. મારા વ્યક્તિત્વના સારા-નરસા બન્ને પાસાઓ. મારી શક્તિ અને મારી નબળાઈઓ પણ. ક્યારેક ઓરડાની બારીમાંથી એ ફરી નીચે શેરી તરફ ડોકાઈ રહી તો ક્યારેક ઘડિયાળના કાંટા જોડે એની નજરો મળી રહી હતી. અહીંથી ત્યાં લગાતાર ચક્કરો કપાઈ રહ્યા હતા. મારી સામે તરફ ગોઠવાયેલી એની ભોજનની થાળી ઠંડી થઇ રહી હતી. એ ભૂલી ગઈ હતી કે પછી મારી જોડે જમવું ન હતું ? અન્ન સાથે કેવો વેર ? પૂછવાનું મન થયું ખરું પણ પૂછે એ બીજા. હું શા માટે આગળથી વાત શરૂ કરું ?
જમતા જમતા મારી નજર ચોરીછૂપે એના વર્તનનું મૂલ્યાંકન કરી રહી હતી. જે રીતે રસ્તા ઉપર એની દ્રષ્ટિ જડાઈ રહી હતી, ચોક્કસ અમોલની ચિંતા કરી રહી હતી. એના ટ્યુશનથી પરત થવાનો સમય થઇ ચુક્યો હતો. દરરોજ આ સમયે અમે બન્ને સાથે જમતા હોઈએ ત્યારેજ એનું આગમન થાય. પરંતુ આજે ડાઇનિંગ ટેબલ ઉપર હું એકલોજ જમી રહ્યો હતો. ભલે ને એકલો તો એકલો. મારી જોડે વાત ન કરવી હોય તો ભલે. એમ પણ આખો દિવસ પસાર થઈ ગયો હતો. જેને માફીજ માંગવી હોય એને આટલો બધો સમય ન લાગે. સવારે ગુસ્સામાં હું નાસ્તો કર્યા વિનાજ જતો રહ્યો હતો.એક ફોન પણ કરી શકાય ને ? આખો દિવસ ઓફિસમાં એના કોલની રાહ જોઈ. વારંવાર કામની વચ્ચેથી ફોનને આશા જોડે તાકતો થયો. પણ એણે ફોન ન કર્યો તે નજ કર્યો. છતાં બાઈક ઉપર એની ઓફિસ સામેથી દરરોજની જેમ એને તેડવા ગયો. આખા રસ્તે મોઢામાં મગ ભર્યા હોય એમ છાનીમાની પાછળની સીટ ઉપર બેઠી રહી. ન એ કઈ બોલી, ન મને બોલવાની કોઈ જરૂર દેખાય. બન્નેને ઘરે પહોંચવાને એક કલાક પસાર થઇ ચુક્યો હતો પણ હજી પણ ઘરમાં પરમ શાંતીજ વ્યાપી હતી. આવું અભિમાન ? ગઈ કાલે રાત્રે જે થયું એ ન થવું જોઈતું હતું. વાંક કોનો હતો ?
મારી મમ્મી બે દિવસ માટે રહીને ગઈ હતી. મમ્મીને રેવતીના જીવન અંગેના વિચારો એકબીજાથી જુદા છે એ હું જાણતો હતો. બન્ને પેઢી વચ્ચે ઘણો તફાવત છે. મમ્મીને રેવતીનું નોકરી કરવું જરાયે ગમતું નથી. મમ્મીને પણ કેટલી વાર સમજાવ્યું કે રેવતી તારા જેવું આબેહૂબ જીવન ન જીવી શકે. આ સમય જુદો છે. સમયની માંગ જુદી છે. અમોલ અને નોકરી બન્નેનું સંતોલન એ સારી રીતે જાળવી રહી છે અને હું પણ એને મદદ કરી રહ્યો છું. બન્ને સાથે મળીને કામ વહેંચી લઈએ એટલે આર્થિક મોકળાશ પણ રહે છે. એમાં ખોટું શું ? પણ મમ્મીને તો મારા વિચારો કરતા સગાસંબંધીની વધુ ચિંતા. પેલો આમ કહે છે ને પેલી આમ કહે છે. આ વખતે પણ જતા જતા રેવતીને કંઈક સંભળાવી ગયા. અને બસ એમના જતાજ ઘરમાં જ્વાળામુખી ફાટ્યો. હવે એમાં મારો શું વાંક ? હવે આ ઉંમરે એમને કઈ રીતે બદલી શકું ? જે પણ હોય મારી માજ છે. એમને સમજાવ્યા સિવાય હું બીજું શું કરું ? એ પણ તો સમજ્તાજ નથી. રેવતીનો માનસિક તાણ પણ સમજાઈ એવો હતો. ઘર માટે, અમોલ માટે, મારા માટે આટલી બધી મહેનત કરે ને પછી ઉપરથી કોઈ બે શબ્દો સંભળાવી જાય તો જ્વાળામુખી તો ફાટેજ ને. ગુસ્સો આવી જાય. ચીઢ ઉપજી આવે. એટલું મનોવિજ્ઞાન તો હું પણ સમજી શકું. પણ અમોલ સામે એના મોઢામાંથી નીકળેલા કેટલાક શબ્દો મને સહેજે ન ગમ્યા. જે રીતે એની ભાષા બેકાબુ બની એ મેં ન ચલાવ્યું. મારો અવાજ પણ ઊંચો થયો અને વાતનું વતેસર થઇ ગયું.
સવારે રેવતી અને અમોલનાં ઉઠવા પહેલાજ હું ઘરમાંથી નીકળી ગયો. માતાપિતાના ઝગડાઓમાં બાળકોજ પીસાતા હોય છે. ખબર નહીં અમોલનાં ૧૨ વર્ષના મનોજગત પર ગઈકાલના ઝગડાની શી છાપ પડી હશે ? ડોરબેલ વાગી. રેવતી તરતજ બારણે ધસી ગઈ. મને પણ અમોલનો ચહેરો નિહાળી થોડી રાહત થઇ. "આટલું મોડું ?" રેવતી એ એની બેગ ઝડપથી હાથમાં લીધી. "ક્યારની તારી રાહ જોઉં છું. જા હાથમો ધોઈ આવ. જમી લઈએ " "તું હજુ ન જમી ?" રેવતીએ ફક્ત ડોકું ધુણાવ્યું. મારા તરફ અમોલે એક નજર નાખી. નજર નીચે તરફ ઢાળી મેં એના આંખોનો સંપર્ક ટાળ્યો. મોઢામાં શાંતિથી કોળિયો મુક્યો. અમોલની થાળી પીરસી આખરે રેવતી ડાઇનિંગ ટેબલ ઉપર મારી સામે આવી ગોઠવાય. એની નજર એની થાળી ઉપર હતી. હાથની આંગળીઓ થાળીની કિનારી જોડે રમત રમી રહી હતી. મારી જોડે જમવું ન હતું એમજ ને ? મારુ નાક થોડું ફુલ્યું. છતાં શાંત હાવભાવો યથાવત રાખવામાં હું સફળ રહ્યો.
અમોલ ટેબલ ઉપર આવી ગોઠવાયો. અમને બન્નેને વારાફરતી નિહાળી એણે પોતાની થાળી નજીક સરકાવી. દરરોજ એકમેક જોડે લાંબી લાંબી વાતો અને મશ્કરી કરવા ટેવાયેલા મમ્મી પપ્પા વચ્ચે આજે એક પણ શબ્દની આપ લે થઇ રહી ન હતી. ઓકવર્ડ વાતાવરણમાં ચુપકીદી જાળવવુંજ એને યોગ્ય લાગ્યું હોય એમ કાંઈ પણ કહ્યા વિનાજ એણે પહેલો કોળિયો ઉઠાવ્યો.
"આમ સોરી ધવલ. કાલે જે કઈ પણ થયું...એવા શબ્દો મારા મોઢે નજ નીકળવા જોઈએ. મારે મર્યાદા જાળવવી જોઈએ. મારા મંતવ્યોને યોગ્ય શબ્દો થકી અભિવ્યક્ત કરવા જોઈએ. સોરી. બીજી વાર એવું ન થાય...." હું અને અમોલ એકીસાથે રેવતીને તાકી રહ્યા. અમોલની નજર રેવતી ઉપરથી હટી મારી ઉપર આવી પડી. હું શું કહીશ ? કદાચ એ વાતનીજ જીજ્ઞાશાને કારણે.
"કોઈ વાંધો નહીં. માનવી માત્ર ભૂલને પાત્ર. હું પણ તો બરાડ્યો હતો તારી ઉપર. મને માફ કરી દે. અને આ જો. તારું જમવાનું ક્યારનું ટાઢું પડી ગયું. લાવ હું ગરમ કરી લાઉં." અમોલનાં ચહેરા ઉપર હાસ્ય અને હળવાશ છવાતો જોઈ મારુ પિતૃ હૃદય અતિસંતુષ્ટ થઇ ઉઠ્યું. "પપ્પા કાલે રવિવાર છે. એક ફિલ્મ સાથે જોઈએ ?" માઇક્રોવેવ ઓન કરતાં હું જવાબ આપી રહ્યો. "નાઇસ આઈડિયા. તું ફિલ્મ પસંદ કરતો થા. મમ્મી જમી લે એટલે અમે જોડાઈએ." જમવાની થાળી ખાલી થતાંજ અમોલ પોતાની ફિલ્મની પસંદગી કરવા જતો રહ્યો. રેવતી આગળ જમવાની થાળી ગોઠવતા મારા મનની મૂંઝવણ પણ બહાર નીકળી આવી. "એક કોલ કરી દીધો હોત ? આખી સાંજ સાથે પસાર કરી ને એક શબ્દ પણ ન કહ્યો ને આમ અચાનક....?" મારી આંખોમાં આંખો પરોવતાં રેવતીએ એક અન્ય પ્રશ્ન પૂછ્યો. "તુજ કહે છે ને કે જે આપણે કહીએ એ બાળકો ન શીખે, જે આપણે કરીએ એજ શીખે ? મારાથી જે ભૂલ થઇ એ અમોલે જોઈ. તો એ ભૂલ કઈ રીતે સુધારી એ પણ જોવું પડે ને ? " સામે બેઠી પત્ની ઉપર મારા પ્રેમ અને ગર્વ છલકાઈ ઉઠ્યા. જમવાનો પહેલો કોળિયો મારા હાથ વડે જ એને જમાડ્યો. " મમ્મી પપ્પા જલ્દી આવો. ફિલ્મ શરૂ થાય છે. " બેઠક ખંડમાંથી ગુંજેલા દીકરાના પ્રસન્ન અવાજ જોડે રેવતીને જમાડવાની મારી ઝડપ પણ વધી ગઈ.