સત્યનો પૂજારી (આફ્રિકન લોકકથા)
સત્યનો પૂજારી (આફ્રિકન લોકકથા)


એક રાજ્યમાં મેમદ કરીને એક વ્યકિત રહેતો હતો. મેમદ સત્યનો પુજારી હતો. તે કાયમ સત્ય જ બોલતો. જેના કારણે તેની નામ અને કીર્તિ સર્વત્ર ફેલાઈ હતી. અબાલવૃદ્ધ હર કોઈ એને ચાહતા હતાં. એ રાજ્યની રાણી પણ મેમદના સત્ય પાલનની તારીફ કરતી. હવે, આ વાત રાજાને પસંદ નહોતી. તે ગમે તે રીતે મેમદને જુઠ્ઠો સાબિત કરવા માંગતો હતો.
એકવાર રાજા શિકારે જવા નીકળ્યા. મોટો રાસ રસાલો ત્યાં ઊભો હતો. રાજાએ સૈનિકોને મેમદને બોલાવી લાવવા કહ્યું, જયારે મેમદ આવ્યો ત્યારે રાજાએ ઘોડાની લગામ પકડી હતી અને ડાબો પગ પેગડા પર મૂક્યો હતો. મેમદને જોતાં તેઓ બોલ્યા, “મહેલમાં જઈને રાણીને કહો કે આજે મહારાજ ઘરે નહિ આવે, પણ કાલે હું એમની સાથે જ ભોજન લઈશ તેથી એમણે મોટી મિજબાનીની તૈયારીઓ કરવા માટે કહો અને હા તારે પણ અમારી સાથે એ મિજબાનીમાં જોડવવાનું છે.”
મેમદે સલામ કરી અને તે ત્યાંથી સીધો મહેલમાં ગયો. એના ગયા પછી રાજા ખૂબ હસ્યા અને મંત્રીને કહ્યું “હવે આપણે શિકારે નહિ જઈએ. હું અચાનક આજે મહેલમાં જઈશ ત્યારે રાણી મને જોઈને ચોંકી ઉઠશે. મેમદના સંદેશ મુજબ એ કાલે મારા માટે મિજબાનીની તૈયારી કરતી હશે એટલે અચાનક મારા આવવાથી તે મારી સામે ભોંઠી પડશે અને જેનો બધો રોષ તે મેમદ પર ઉતારશે. આ રીતે મેમદ રાણીની સામે જૂઠ્ઠો પડશે. વળી આ જ વિષયને લઈને કાલે ભર્યા દરબારમાં આપણે એની મજાક ઉડાવીશું.
પણ ત્યાં મેમદે મહેલમાં જઈને રાણીને સંદેશ આપ્યો કે. “કાલે કદાચ તમને મોટી મિજબાનીની તૈયારીઓ કરવી પડશે કદાચ નહિ પણ કરવી પડે! મહારાજ કદાચ આજે બપોરે જ જમવા ઘરે આવશે અને કદાચ નહિ પણ આવે.”
રાણી અચરજમાં બોલ્યા,”એટલે તેઓ આજે જમવા મહેલમાં આવવાના છે કે નથી આવવાના?”
મેમદે કહ્યું, “મહારાણી, હું ચોક્કસ કંઈ કહી શકતો નથી. કારણ મારા ગયા પછી રાજાજીએ એમનો જમણો પગ જમીન પરથી ઘોડાના પેગડા પર મૂક્યો કે પછી ડાબો પગ પેગડા પરથી જમીન પર મૂક્યો એ મેં નજરોનજર જોયું નથી. તેથી તેઓ શિકારે ગયા છે કે નથી ગયા તેની ચોક્કસ માહિતી મને નથી.”
હવે રાજા જયારે મહેલમાં પાછા આવ્યા ત્યારે રાણીને કોઈ નવાઈ ન લાગી. આ જોઈ રાજાએ આશ્ચર્યથી આનું કારણ પૂછ્યું ત્યારે રાણીએ મેમદે જે સંદેશ આપ્યો હતો તે કહી સંભળાવ્યો. મેમદનો સંદેશ સાંભળી રાજા સમજી ગયા કે “હોંશિયાર માણસો કાયમ આંખે જોયેલી વાતો પર જ ભરસો કરતા હોય છે અને તે માટે તેઓ કયારે જૂઠ્ઠા સાબિત થતાં નથી.”
નોધ : આ વાર્તા આજના કેટલાક ઉત્સાહી વોટ્સએપ ઉપભોક્તાઓને સારી પેઠે લાગુ પડે છે કે જે વગર વિચાર્યે અને તપાસ્યે સંદેશને આગળ ફોરવર્ડ કરતાં રહેતા હોય છે.