સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ને જોવાની અદમ્ય ઈચ્છા ઘણા સમયથી હતી પરંતુ અવસર આ ૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ આવ્યો. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા અમે સવારેથીજ સહ પરિવાર ઉપડી ગયા હતા. આ પ્રતિમા સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલી છે. તેનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલી છે. પ્રતિમાથી લગભગ અમે ૧૫ કિ.મિ. દુર હોઈશું ત્યારે અમને તે દેખાવા લાગી હતી. સ્વાભાવિકપણે દુરથી અમને તે ખૂબ જ નાની અમથી દેખાતી હતી પરંતુ અમે જેવા તેની નજીક ગયા ત્યારે તેની અધધધ કહેવાય એવી ઊંચાઈ જોઇને દંગ રહી ગયા હતા.
તે પ્રતિમાના અંગુઠા પાસે અમે જયારે પહોંચ્યા ત્યારે અમને તેની વાસ્તવિક ઊંચાઈનું ભાન થયું કારણ અમે તેમના અંગુઠા સામે જાણે તેમના પ્રસ્વેદના બિંદુ સમાન દેખાઈ રહ્યા હતા. પ્રતિમાની ૧૮૨ મીટરની ઊંચાઇ છે. જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે. દુનિયાની દ્વિતીય પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ કરતા તે ૨૯ મીટર ઉંચી છે ! આ સિવાય બીજી ઉંચી પ્રતિમાઓમા
ં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ૯૩ મીટર, ધ મધરલેન્ડ કોલ્સ ૮૭ મીટર, ક્રાઇસ્ટ ધ રિડીમર ૩૮ મીટર વગેરે આવે છે જોકે ભારતની શાન સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મને એ વિષેશતા લાગી કે તે દબાણના નિયમને અવગણીને ઉન્નત મસ્તકે ઉભી છે. વિજ્ઞાનનો નિયમ છે કે જેટલું ક્ષેત્રફળ વધારે એટલું દબાણ ઓછું અને જેટલું ક્ષેત્રફળ ઓછું એટલું દબાણ વધુ. એટલે જ દુનિયાની બીજી પ્રતિમાઓનો પાયાનો ઘેરાવો જાણીજોઈને મોટો બનાવવામાં આવે છે. જયારે આ પ્રતિમા બે પગ પર ખડી છે.
મૂર્તિકાર રામ વી. સુથારને આવી રચના માટે લાખ લાખ વંદન છે. બીજી એક બાબત એ કે આ પ્રતિમા જીવંત છે ! એટલે કે તેની અંદર સંગ્રહાલય, પુસ્તકાલય વગેરેની વ્યવસ્થા છે. જયારે અમે 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરીમાં પહોંચ્યા ત્યારે નીચેનો નજારો જોઇને દંગ રહી ગયા હતા. દુર દુર સુધીના સુંદર દ્રશ્યોને હું નિહાળી રહ્યો હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા બે વિદેશીઓ અનાયાસે બોલી ઉઠ્યા, “વાવ, વોટ અ સીન.”
ખરેખર, એ વિદેશીઓના મુખમાંથી સરી પડેલા એ શબ્દોને સાંભળીને મને એક ભારતીય હોવાનો ગર્વ થયો.