સરોગસી - ૯
સરોગસી - ૯
સવારનો સમય હતો સૂરજદાદાનું આગમન થયું હતું. પાર્થ રોજની જેમ ગાર્ડનમાં જાય છે. તે ચારેબાજુ જુવે છે કે કાલવાળા બેન દેખાયા નહીં. તેને ખબર હતી કે તે સામેનાં બ્લોકમાં જ રહે છે. અજાણતા જ તેના પગ ત્યાં ઉપડે છે. ડોરબેલ વગાડે છે ત્યાં દરવાજો ખોલતા જ સામે અંજલી હોય છે બંને એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે છે. બંને પોતાનું નામ એકબીજાને કહે છે. અંજલી બોલી "આજ તબિયત સારી ન હતી તો ગાર્ડનમાં ન આવી" પાર્થ કહે મને ચિંતા થવા લાગી એટલે આપને મળવા આવ્યો. પાર્થ કહે, "કોઈ કામ હોય તો કહેજો મારે ઓફિસ જવું છે." એમ કહી નીકળી ગયો. અંજલી ભૂતકાળમાં સરી પડી કે મારો પાર્થ પણ આવડો જ હશે કેવો દેખાતો હશે ? શું કરતો હશે ? જેવા કેટલાયે સવાલો તેને ઘેરી લીધા. પણ રીયાને છોડીને આવી પછી એકપણ વાર તેની સાથે વાત કરી ન હતી પોતાની ફ્રેન્ડ અહી બેંગ્લોર હતી તો અહીં આવી ગઈ. હવે તો જોબ પણ છોડી દીધી હતી. પાર્થને જોઈ આટલા વરસે રીયા અને પોતાના દીકરાની યાદ આવી.
પાર્થ ઓફિસ માટે નીકળે છે. ઓફિસમાં જતાં જ પાર્થની નજર ચારેબાજુ માયરાને શોધતી હતી. લંચબ્રેકમાં માયરા દેખાણી, પાર્થ તેની પાસે ગયો અને કીધું, "આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો લંચ સાથે કરીએ ?" માયરાએ હા કીધું ને બંનેએ સાથે લંચ કર્યુ. એકબીજા સાથે થોડી વાતો કરી આવી રીતે બંને મળવા લાગ્યા. એકવાર પાર્થ બે દિવસ ઓફિસ આવ્યો નહીં. તો માયરાને ક્યાંય ચેન પડતુંં ન હતું. તે ઓફિસમાંથી તેનું એડ્રેસ લઈ પાર્થનાં ઘરે જાય છે. પાર્થને શરદી અને તાવ હોય છે. માયરા ડોરબેલ વગાડે છે, તો અંજલી દરવાજો ખોલે છે. માયરા અંજલીને નમસ્તે કરે છે, કહે છે આપ પાર્થનાં મા છો. ત્યારે અંજલી કહે ના હું પડોશમાં રહું છું. અંજલી માયરા માટે કોફી બનાવવા જાય છે અને પાર્થ અને માયરા બંને વાતો કરે છે. માયરાને પણ એક અજાણી ચાહત હોય છે તેથી જ તે લાગણીથી ખેંચાઈને ઘર સુધી પહોંચી ગઈ. હવે પાર્થ અને માયરા બંને મોબાઈલથી એકબીજા સાથે ચેટીંગ કરવા લાગ્યા. શરૂઆતમાં "હાઈ" ને "ગુડ મોર્નિંગ" પછી કયારે બંને એકબીજાને ચાહવા લાગ્યા એ ખબર ન પડી.
માયરા તેના પિતા સાથે રહેતી હતી. તે નાની હતી ત્યારે જ તેની મા મૃત્યુ પામી હતી. પિતાએ એકલા હાથે મોટી કરી, ભણાવી અને હવે માયરાને અહીં જોબ મળતા તે એકલી ન રહે. તેથી તેના પિતા જયેશભાઈ પણ સાથે રહેતા. એકવાર પાર્થ માયરાને તેડવા આવે છે ત્યારે માયરા પિતા સાથે પાર્થની ઓળખાણ કરાવે છે. જયેશભાઈ પણ પાર્થ જેવો છોકરો માયરાને મળે તો રાજી હતા. હવે દર રવિવારે પાર્થ અને માયરા ફરવા જતા અને સાથે સમય વિતાવતા. અંજલીને પણ માયરા ખુબજ ગમતી.
