Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સ્પર્ધા

સ્પર્ધા

2 mins
7.0K


"હમ્મ...રબડી સરસ બની છે, પણ મમ્મી જેવી નહીંજ!"

હર્ષના શબ્દોથી સામે બેઠી ધ્વનિનો ચ્હેરો ઉતરી ગયો. એ ઉતરી ગયેલા ચ્હેરામાં એમને વર્ષો પહેલાનો પોતાનો ચ્હેરો દેખાયો. એ દિવસે એમણે પણ આ ઘરમાં પહેલીવાર રસોઈ બનાવી હતી. અને હર્ષની જેમજ એના પિતાએ પણ એવોજ નકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

"શિરો સરસ બન્યો છે પણ બા જેવો નહિ જ !" સામે બેઠા બા એ મલકાઈને એમની આંખોમાં જોતા ન કહેતા પણ ઘણું બધું કહી દીધું હતું. એ દિવસથી આજ દિવસ સુધી એમના દરેક ભોજનને જાણે એ અનુભવી હાથો ન જમણ સાથે સરખાવતી એવી સ્પર્ધા ચાલી આવી હતી જેમાં એમની હાર પણ જાણે આગળથીજ નિશ્ચિત!

કેટલી પણ નિષ્ઠા કે પ્રેમથી બનાવેલી રસોઈ બા જેવી તો નથીજ સત્કારાતી અને સ્વર્ગસ્થ બાનાં અભિમાનને પોષતીએ સ્પર્ધા આજીવન એમની લાગણીઓ કેવી દુભાવતી રહી હતી.

આજે હર્ષ પણ એમની વહુની લાગણી દુભાવી એક નવી સ્પર્ધા આરંભે એ પહેલાંજ એ સ્પર્ધાને નવો વળાંક આપતા એમના ઉદગાર બધા એ સાંભળ્યા: "વાહ આવી રબડી તો ક્યાંય ન ખાધી. આને કહેવાય રબડી. આ હર્ષને તો મારી ચમચાગીરી કરવાની ખોટી ટેવ. તું મને રેસિપી શીખવાડીશને બેટા?" અને સામે ખૂણેથી વાટકીમાં રબડી ભરી ધ્વનિ એમની નજીક દોડી આવી.

"સ્યોર મમ્મી, હજી લો ને! આ જુઓ યુ ટ્યુબ પર કેટલી વેરાઈટી રબડી રેસિપી છે. એમાં જ જોઈને બનાવી. પણ આપ મને ટ્રેડિશનલ રેસિપી શીખવશોને?"

'ચોક્કસ બેટા' અને હોંશે હોંશે રબડી ખાતાં એમણે વર્ષો જૂની નકારાત્મક સ્પર્ધાની પરંપરા તોડી પ્રેમ અને સમજણની નવી લાગણીભરી સ્પર્ધા શરૂ કરી.


Rate this content
Log in