સોનેરી સુજાવ
સોનેરી સુજાવ
ટ્રીન..ટ્રીન.. વિભાનાં મોબાઈલની રિંગ વાગી.
એણે લેપટોપ પર કામ પડતું મૂકી મોબાઈલમાં જોયું ..
અરે ઓઝાસાહેબ? ફરી શુ કામ પડ્યું ? એને ફટાફટ ફોન રીસીવ કર્યો...
"હેલો સર, મારુ કામ પૂરું થવાજ આવ્યું છે...આપે જણાવેલી બાબતને ધ્યાનમાં લઈને જાહેર ખબર માટે સ્લોગન્સ, સોંગ વગેરે...." વિભાને અધવચ્ચે રોકતા...ઓઝાસાહેબ બોલ્યા....
" વિભાજી, કોરોનાની સાથે સાથે દેશમાં અફવાઓએ ઘેરો ઘાલ્યો છે...તો કોર્પોરેશનમાંથી ચોટદાર અને લોકોને ગળે ઉતરે એવા સંદેશ ત્વરિત તૈયાર કરી આપવાનો આગ્રહ કર્યો છે તો બને એટલું જલ્દી તૈયાર કરીને મોકલો..."
ફોન મૂકાઈ ગયો.
કોરોનાને લીધે વિભા ઘરે રહીને યશ પબ્લિકેશનનું કામ સંભાળતી હતી. કામ તૈયારીમાં હતું ત્યાં નવો ઓર્ડર..."નવું ક્યાંથી લાવું?" એ વિચારી રહી...
બાજુનાં રૂમમાં એની 8 વર્ષની દીકરી આરોહી તેની પ્રિય રમત, ટીચર બની એકલી એકલી બોલતી, ને રમતી હતી.
વિભા થાકી હતી. પહેલાં જમવાનું પતાવીને પછી ફટાફટ કામ લઈને બેસી જાવ. આમ વિચારતી વિભા આરોહીને રૂમમાં એને બોલાવવા ગઈ.
એણે આરોહીને ટીચરનો રોલ કરતી જોઈને, ચૂપચાપ આરોહી શું બોલે છે. એ સાંભળવા કાન સરવા કર્યા. આરોહી વિભા જેવી હોંશિયાર હતી.
આરોહી એના સ્ટુડન્ટને સમજાવતાં બોલી....
આ ગાંધીજીનાં ત્રણ બંદર છે. બોલો..આ શું કહે છે?
વળી એજ જવાબ આપતી. અને ફરી મમ્મીનો દુપટ્ટો સરખો કર્યો ને ટીચર બની બોલી..."આ બંદર બુરા મત સુનો...બુરા મત બોલો...બુરા મત દેખો કહે છે.
પણ આજના સમયમાં આ બંદર બીજું શું કહે છે?"
સ્ટુડન્ટને ફરી ડીપમાં સમજાવતાં બોલી..." મારા ભારતવાસી, અફવા મત ફેલાવો... અફવા મત સુનો...
ઓર અફવાસે જુડી વિડીયો મત દેખો..."
વિભાએ એની લાડકીના શબ્દો સાંભળીને.. આંખો પહોળી થઇ ગઇ !! આરોહી એ તો વિભાને રમત રમતમાં નવી જાહેરાતના આઇડિયા આપી દીધા.એ ખુશીથી ઝૂમી ઉઠી આરોહીને વળગી ચૂમી લીધી.અને બોલી..."આઇડિયા કવીન હવે ગલીએ..ગલીએ..મારી દીકરીનાં આઇડિયા સંભળાશે, અને એ પણ આ માસૂમ આરોહીના અવાજમાં વિભાએ ઓઝા સાહેબને ફોન જોડ્યો.