Dineshbhai Chauhan

Children Stories Inspirational

4.7  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સંઘર્ષ એ જ જીવન

સંઘર્ષ એ જ જીવન

3 mins
258


         એક જંગલમાં ગીધનું એક ટોળું રહેતું હતું. કોઈ એકવાર તે ગીધનું ટોળું જંગલ છોડી એક વિરાન જગ્યા ઉપર જઈ ચડ્યું. આ જગ્યા સમુદ્રની વચ્ચોવચ હતી. ત્યાં ઘણીબધી નાની મોટી માછલીઓ, દેડકા અને બીજા પણ અનેક સમુદ્રી જીવો હતા. 

           અહીં ગીધો માટે ખાવા-પીવાનું પર્યાપ્ત માત્રામાં મળી જતું હતું. વળી અહીં તેમનો શિકાર કરે તેવા કોઈ જંગલી પશુઓ પણ નહોતા. બધા ગીધ બહુ ખુશ થઈ ગયા. કારણ કે આવું આરામનું જીવન તેમણે ક્યારેય નહોતું જોયું. 

         ગીધના આ ટોળાના મોટાભાગના ગીધ યુવાન હતા. તેમણે વિચાર્યું કે 'આવું આરામદાયક જીવન છોડી હવે ક્યાંય નથી જવું. બસ, હવે જિંદગીભર અહીં જ રહેવું છે.'

         પરંતુ એ ગીધના ટોળામાં એક વૃદ્ધ ગીધ પણ હતું. જે યુવાન ગીધોને જોઈ વિચારમાં પડી જતું. થોડા સમય પછી તે વિચારવા લાગ્યું કે અહીંના આરામદાયક જીવનની આ ગીધો પર શું અસર પડશે..? અહીં તેમની સામે કોઈ મુશ્કેલીઓ નથી. પણ પછી ઓચિંતા જ તેમની સામે કોઈ મુશ્કેલી આવશે તો તેનો સામનો આ બધા કેવી રીતે કરી શકશે..? 

         ખૂબ વિચારીને એ વૃદ્ધ ગીધે બધા જ ગીધોની સભા બોલાવી. પોતાની ચિંતા પ્રગટ કરતા વૃદ્ધ ગીધે કહ્યું કે "આપણે અહીં આવ્યા એને ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે ફરી જંગલમાં ચાલ્યું જવું જોઈએ. અહીં આપણે મુશ્કેલીઓ વગરનું જીવન જીવી રહ્યા છીએ. પણ જો આપણે અહીં રહીને આળસુ થઈ ગયા તો પછી મુશ્કેલીઓનો સામનો નહીં કરી શકીએ."

        યુવાન ગીધોએ પેલા વૃદ્ધ ગીધની વાત ન સાંભળી અને જાણે કે કાન સોંસરવી કાઢી નાખી. તેઓને થયું કે આ વૃદ્ધ ગીધની બુદ્ધિ બહેર મારી ગઈ છે. તેઓએ આ આરામની જિંદગી છોડને જવાની સાફ મનાઈ કરી દીધી.

         વૃદ્ધ ગીધે બધાને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, 'તમે લોકો આરામદાયક જીવન જીવવા માટે ટેવાઈ ગયા છો. તેથી ઊડવાનું પણ ભૂલી ગયા છો. કોઈ મુસીબત આવશે તો તેનો સામનો કેવી રીતે કરશો..?

      એટલે જ કહું છું કે આ આરામની જિંદગી છોડો, મારી વાત માનો અને મારી સાથે પાછા ચાલો.'

       પરંતુ કોઈએ વૃદ્ધ ગીધની વાત ન માની. તેથી તે એકલું જ ત્યાંથી ચાલ્યુ ગયું. કેટલાક મહિના વીત્યા. વૃદ્ધ ગીધે પેલા ટાપુ ઉપરના ગીધોના ખબર અંતર પૂછવાનું વિચાર્યું. તે ઊડતું ઊડતું પેલા ટાપુ ઉપર પહોંચ્યું. 

       ટાપુ ઉપર જઈ તેણે જોયું તો ત્યાંનો નજારો સાવ બદલાઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં ગીધોની લાશો રઝળતી હતી. અનેક ગીધ લોહીલુહાણ અને ઘાયલ થયેલા પડ્યા હતા. પેલા વૃદ્ધ ગીધે એક ઘાયલ ગીધને આ બધું થવાનું કારણ જાણવા પૂછ્યું. 'તમારી આવી હાલત કેવી રીતે થઈ, આ બધું શું થયું..?'

         ઘાયલ ગીધે કહ્યું કે તમારા ગયા પછી ખૂબ મોજથી અમે જિંદગી જીવી રહ્યા હતા. ત્યાં એક દિવસ એક જહાજ આ ટાપુ ઉપર આવ્યું. 

         એ જહાજમાંથી આ ટાપુ ઉપર જંગલી કૂતરાંઓ છોડવામાં આવ્યા. શરૂઆતમાં તો એ કૂતરાઓએ અમને કશું ન કર્યું. પરંતુ જેવો તેમને ખ્યાલ આવ્યો કે અમે તો ઊડવાનું પણ ભૂલી ગયા છીએ. અમારા પંજા અને નખ પણ કમજોર થઈ ગયા છે કે અમે કોઈના ઉપર હુમલો પણ નથી કરી શકતા અને અમે અમારો બચાવ પણ કરી શકતા નથી. તો તે કૂતરાંઓ એ એકએક કરીને અમને મારીને ખાવાનું શરૂ કર્યું. અને એટલે જ અમારી આવી હાલત થઈ છે. જાણે કે તમારી વાત ન માનવાનું જ આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ છે.

         મિત્રો, જે લોકો આરામદાયક જીવન જીવવામાં ચાલ્યા જાય છે. તેઓ માટે પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. પછી જીવનમાં મુશ્કેલીઓ આવે તો તેનો સામનો કરવો પણ મુશ્કેલ બની જાય છે. તેથી આરામદાયક જીવન જોઈને ક્યારેય બહુ ખુશ ન થઈ જવું. જિંદગી ક્યારે કેવો વળાંક લે તે કહેવું મુશ્કેલ છે.

       તેથી મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. તો જ પ્રગતિ કરી શકાય. આરામદાયક જીવન જીવવામાં જે લોકો ટેવાઈ જાય છે. તેમનું જીવન સ્થિર થઈ જાય છે. તમારે તમારા જીવનને આરામદાયક પસાર કરવું છે કે મહાન સમુદ્ર જેવું બનાવવું છે તે તમારે નક્કી કરવાનું છે.


Rate this content
Log in