kiranben sharma

Others

4.5  

kiranben sharma

Others

સંબંધોનાં સરવાળા

સંબંધોનાં સરવાળા

3 mins
181


 રીના તેના માતા-પિતાનું સહુથી મોટું સંતાન, તેના પછી તેને બે ભાઈઓ. રીના નાનપણથી જ સંબંધોમાં બહુ માને, તેને માણસો ખૂબ ગમતાં, તેના સ્વભાવથી તે હસમુખ, બોલકણી, મસ્તીખોર એટલે બધાને ગમતી.

 રીનાની માતાને કોઈ ભાઈ-બહેન હતાં નહીં, આથી મામા માસીનાં પ્રેમથી અને સંબંધથી અજાણ રહી. હા ! પાસ પડોશમાં બધાને મામા, માસી કહી મન વાળી લેતી હતી. રીમાનાં પિતાને એક ભાઈ અને ચાર બહેન હતાં, આથી રીમાને કાકા અને ફોઈ શબ્દ સાથેનો સંબંધ મળ્યો, પણ તેઓ ખૂબ દૂર રહેતાં એટલે બે-ચાર વર્ષે માંડ બે-ત્રણ દિવસ માટે મળવા જવાનું થાય. આમ રીમાને કાયમ એકલું લાગતું, સંબંધો પરનો હક્ક જતાવવાનું તેના નસીબમાં ન હતું. 

રીમા જોત જોતામાં દસ વર્ષની થઈ ત્યાં તેના પિતાનો ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસ થયો. રીમાની માતા ત્રણે બાળકોને લઈ પોતાની માતા પાસે પિયરમાં આવી રહેવા લાગી. રીમા માટે બધા સંબંધોમાં એક નાનીનો સંબંધ હતો, જે અતિ પ્રિય હતો. પિતાના અવસાન બાદ નાનીએ ત્રણેયને પોતાની પાંખમાં હૂંફ આપી પ્રેમથી સાચવી લીધાં. નાની અને મમ્મી બન્ને શિક્ષિકા એટલે રીમાને પણ ઘરમાં સારા સંસ્કાર મળ્યાં. મોટી થઈને રીમા પણ શિક્ષિકા બની. પિતા હોય તો ઘરમાં એક ધાક, ડર, એક આમાન્ય રહે, પિતાને પૂછીને તેમની મંજૂરી લઈને જ કામ થાય, પરંતુ રીમા ના પિતા ન હોવાથી બન્ને ભાઈઓ થોડા સ્વછંદી બની ગયાં. નાનીના લાડકોડમાં બગાડવા લાગ્યાં, નાનીને થાય છે છોકરા બાપ વગરના છે, માટે મારતાં, લડતાં, નહીં, પ્રેમથી સમજાવતાં. રીમા તો સમજુ અને ઠરેલ હતી, તો નાનીની વાત માની જતી, પણ બન્ને ભાઈઓ ભણવામાં કાચા રહ્યા, આથી મોટા થતાં તેમને ખાસ કોઈ સારી નોકરી મળી નહીં. 

રીમા ઉંમરલાયક થતાં માતાએ સુંદર અને સંસ્કારી તપન સાથે તેનું લગ્ન કરાવ્યું, આથી હવે રીમા તેની મમ્મી, નાની અને બે ભાઈઓને મૂકી સાસરીમાં નવા સંબંધોના સરવાળા કરવા જતી રહી. અને સાચે જ મનની ઈચ્છા પૂરી થતી હોય તેમ ત્યાં સાસરીમાં, તેના પતિ પક્ષમાં, માસી માસા, મામા મામી, ફોઈ ફુવા, કાકા કાકી, ભત્રીજા ભત્રીજી, દાદા, નણંદ, દિયર એમ તમામ સંબંધ મળ્યા. રીમા સંબંધોના સરવાળા કરતી જ ગઈ, અને જોતજોતામાં તેને બે બાળકો થતાં તેનું સંબંધોનું વટવૃક્ષ તો વધુ જોરથી ખીલવા લાગ્યું. રીમાનો સ્વભાવ મળતાવડો અને બધાની સાથે સહૃદયતાથી રહેતી, હોવાથી રીમા માટે કોઈ ક્યારેય આડું બોલતા નહીં. બધાં તેને માન આપતા, રીમા તેના સંસારથી ખૂબ ખુશ હતી. હવે તો તેના સંસારને ત્રીસ વરસ થવા આવ્યાં. વચ્ચે વચ્ચે તેની ઘણી કસોટી પણ થઈ અને સંબંધો તો હંમેશા પરીક્ષા લેતા હોય છે. આથી સંબંધોની પરીક્ષા પણ તેને આપવી પડી, તેના બાળકો મોટા થયા એટલે ' નવા પર્ણ આવે તો જૂના પર્ણ પીળા પડી વૃક્ષ પરથી ખરી જાય" તેમ નાની, મમ્મી, સસરા એ બધાની સંબંધોની બાદબાકી થતી ગઈ. રીમાને નોકરી માટે અને બાળકોના ભવિષ્ય માટે અલગ અલગ જગ્યાએ જવું પડ્યું, એટલે ઘણાં જૂનાં મિત્રો છૂટી ગયાં અને નવા બનતાં ગયાં. ભાઈ ભાભીઓ સાથેનો તેનો સંબંધ ખાસ રહ્યાં, એ જ ખાલી માવતર પક્ષનાં સંબંધ ગણાતાં હતાં. 

રીમાનાં દીકરા દીકરી મોટાં થતાં તેમનાં લગ્ન કરાવ્યાં, અને તેને કારણે પણ સંબંધમાં પાછો સરવાળો થયો. આજે રીમા નોકરીમાંથી નિવૃત્ત થઈ ત્યારે બધા સંબંધો છે પણ હવે તેને સંબંધોનો ભાર લાગી રહ્યો છે. બધા પોતપોતાના કામકાજમા પોતાના અલગ પરિવારમાં છે. સંબંધોનો હંમેશા સરવાળો કરનાર હવે સંબંધોની બાકી ઈચ્છી રહી છે. શરીરમાં જોમ જુસ્સો હતો ત્યારે બધાનું કામ દોડીને થતું, ત્યારે બધાને ગમતું, પણ હવે રીમા જાણે પોતે જ સંબંધમાં બાધારૂપ બની ગઈ હોય તેમ લાગે છે. રીના સમજી ગઈ કે અતિશય સંબંધનો સરવાળો છેવટે મનને દુઃખી કરે છે. કેમ કે એમાંથી બાદ થવું ઘણું અઘરું છે, તંદુરસ્ત તન કદાચ સંબંધનો ભાર વહી શકે, પણ જીવનભર મળેલા અગણિત જખ્મોનાં ભારથી ઝખ્મી મન હવે સંબંધોનાં સરવાળાને સાચવી શકતું નથી.


Rate this content
Log in