Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational

4.3  

Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational

સમયની ઓળખ

સમયની ઓળખ

3 mins
359


એક વખતની વાત છે. રાજા પોતાના રાજ્યની મુલાકાત લેવા માટે રાજ્યમાં ફરવા જવાના હતા ત્યારે તેમને વિચાર્યું કે આજે મને જે પણ હસતો માણસ પહેલા મળે. તેને મારે પોતાનો સાગ અને ચંદનનો મૂલ્યવાન બગીચો ભેટ આપવો.

               રાજા જેવા રાજ્યમાં નીકળ્યા કે તેમને હસતા મુખે એક માણસ મળ્યો અને ખુશ થઈને સાગ અને ચંદનનો વૈભવી બગીચોએ માણસને ભેટમાં આપી દીધો. પરંતુ સંજોગોવશાત તે માણસને આ બગીચાના કિંમતી વૃક્ષો વિશે એકદમ અજાણ હતો. તેને જાણ ન હતી કે આ વૃક્ષની કિંમત કેટલી છે ? પરંતુ રાજાએ આપેલ બગીચો જોઈને પેલો માણસ ખુશ થઈ ગયો હતો. તેની ખુશીનો પાર ન હતો. હવે તે ધીરે-ધીરે સાગ અને ચંદનના વૃક્ષો કાપીને તેના ઇંધણ માટે તેના ટુકડા કરતો હતો. તેમજ તેમાંથી કોલસા બનાવીને પણ તેનું વેચાણ કરતો હતો. આમ દરરોજ વૃક્ષો કાપીને પોતાનો ધંધો કરતો હતો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને તે બગીચાના વૃક્ષો પણ હવે ઓછા થવા લાગ્યા. અંતે વૃક્ષોથી બગીચો એકદમ ખાલીખમ થઈ ગયો. 

             એકવાર રાજા બહુ સમય પછી પોતાના રાજ્યના લોકોને મળવા માટે નીકળ્યા. તે ગામમાં ફરતા હતાં. ત્યારે અચાનક તેમને પેલા માણસની યાદ આવી ગઈ કે જેને બગીચો ભેટ આપ્યો હતો. વિચાર્યું કે તે માણસ હવે તો પૈસાદાર બની ગયો હશે. તેના ઘરે ખુબ જ જાહોજલાલી હશે. તેના ઘરના માણસો ખુબ જ ખુશીથી આનંદમાં રહેતા હશે. તેના ઘરે કોઈ દુઃખી નહીં હોય એટલે રાજાએ સૈનિકોને આદેશ કર્યો કે "મારે પેલા માણસને ઘરે જવું છે એ બાજુ રથ લઈ લો."

              રાજા તો પેલા માણસના ઘરની પાસે જાય છે. તો આશ્ચર્યચકિત થઈ જાય છે. એના ઘરમાં કોઈ ફેરફાર થયો ન હતો. રાજાને થયું કે ઘરમાં જતો આવું. તેવું માનીને ઘરમાં ગયા. તો ઘરની પરિસ્થિતિ પહેલા જેવી જ હતી. તેમાં કંઈ પણ ફરક પડ્યો ન હતો. રાજાને નવાઈ લાગી કે આ માણસને આટલો વૈભવી અને કિંમતી વૃક્ષોનો બગીચો ભેટમાં આપ્યો. તેમ છતાં તેની પરિસ્થિતિમાં કેમ ફરક ન પડ્યો ? અને પાછો બગીચાના બધા જ વૃક્ષો કપાઈ ગયા હતાં. રાજાએ તે માણસને બોલાવીને માહિતી લેવાની સૂચના આપી. તો રાજાને તેના સાથી મંત્રીઓએ બધી જ ઘટના રાજાને કહી. આ ઘટના સાંભળીને રાજાએ પેલા માણસ પર ગુસ્સો આવ્યો સાથે સાથે તેની સમજણ પર હસી પણ આવવા લાગી.

                રાજાએ પેલા માણસને બોલાવીને પૂછ્યું કે "શું હવે તારી પાસે આ વૃક્ષોના લાકડાનો સામાન્ય ટુકડો પણ બચ્યો છે ?" પેલા માણસે ના પાડી પણ અચાનક યાદ આવ્યું. તો કહે કે હા મેં તેને કાપીને મારા ઘરના ખાટલાના પાયામાં સીપ તરીકે અને કુહાડીના હાથામાં આ વૃક્ષનું લાકડું નાખ્યું છે.

                આ સાંભળીને રાજાએ તેને આ વૃક્ષના જાણકાર વેપારી પાસે મોકલો. જ્યારે વેપારીએ તે કુહાડીના હાથામાં લાકડાને જોઈને કહ્યું કે "આ તો ચંદનનું લાકડું છે. તને ક્યાંથી મળ્યું ?" વેપારી તે લાકડાનો ટુકડો લઈને તેને ખૂબ જ રૂપિયા આપ્યા અને કહ્યું કે "આવું લાકડું હોય તો મને મોકલજે. હું તને મોં માગી કિંમત આપીશ." ત્યારે માણસને ખૂબ જ દુઃખ થયું. કારણ કે તે કિંમતી વૃક્ષ જાણી ન શક્યો. એને પોતાના પર ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.

            તે રાજા પાસે ગયો. તે કરગરવા લાગ્યો કે મને આ બગીચો ફરીથી આપો. હું તેને ખૂબ જ પ્રેમથી સાચવીશ. તેનું જતન કરીશ. તેનું પાલન-પોષણ કરીશ. એની કાળજી રાખીશ. રાજાએ કહ્યું આવો બગીચો જીવનમાં એક જ વાર ભેટમાં મળે. વારંવાર આવી તકો મળતી નથી.

          આમ, આપણે પણ આપણા જીવનમાં આવેલ ખૂબ કિંમતી સમય ઓળખ્યા વગર જ પસાર કરી દઈએ છીએ અને ત્યારબાદ સમય પસાર થઈ ગયા બાદ તેના પર દુઃખી થઈએ છીએ. તો જે સમયને સાચવે તેને સમય સાચવી લેશે.


Rate this content
Log in