Dr Nilesh Thakor

Others Inspirational Romance

3  

Dr Nilesh Thakor

Others Inspirational Romance

સમયની કરામત

સમયની કરામત

3 mins
7.3K


અમદાવાદની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજના કેમ્પસની બહાર આવેલી આર્ચિસ ગિફ્ટ શોપમાં  સવાર સવારમાં કોઈ પ્રવેશ્યું. પ્રવેશતા જ એને દુકાનદારને કહ્યું, “ભાઈ જરા સારી પેન હોય તો બતાવો ને?” દુકાનદારે પણ દિવસનું પ્રથમ જ ગ્રાહક હોવાથી એની સમક્ષ પેનનો ખજાનો રજૂ કરી દીધો. એમાંથી એને લાલ કલરની પિયરી કાર્ડિનની પેન પસંદ કરી કિંમત ચૂકવી ગિફ્ટ પૅક કરવાનું કહ્યું. દુકાનદારે સરસ ગિફ્ટ પૅક કરી સ્ટિકર લગાવી આપ્યું, જેના પર એને લખ્યું; “હેપી બર્થ ડે ટુ નિશા મૅમ.”

ડૉ. નિશા પટેલ, આ એ નામ કે જેને હમણાં જ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ફાર્માકોલોજી ડિપાર્ટમેંટમાં રેસિડેન્ટ કમ ટ્યુટર તરીકે એડ્મિશન લીધું હતું. જેમનું આકર્ષક વ્યક્તિવ્ય, મોહક હાસ્ય અને બોલવાની એક અનેરી છટા એ સૌ વિદ્યાર્થીઓનાં મન મોહી લીધાં. એમાં ય જો કોઈ સૌથી વધારે મોહિત થયું હોય તો એનું નામ હતુઃ ‘નિસિથ’

નિસિથે પણ નક્કી કરી લીધું હતું કે મૅડમના પ્રિય સ્ટુડન્ટ બનવું. જેથી એ મૅડમના દરેક લેક્ચર અને પ્રેક્ટિકલ્સમાં પહેલાથી ટોપિક તૈયાર કરીને જતો અને ફાર્માકોલોજીના દરેક પ્રશ્નના ઉત્તરો આપવામાં હમેશાં અવ્વલ રહેતો. જોત જોતાંમાં તો નિસિથ નિશા મૅડમનો સૌથી પ્રિય સ્ટુડન્ટ બની ગયો.

નિશા મૅડમે પણ એક વખત ક્લાસમાં બધાની વચ્ચે કહી દીધું કે ‘નિસિથ’ મારો સૌથી પ્રિય વિદ્યાર્થી છે એનું કારણ એ તેજસ્વી છે એ તો છે જ પણ બીજું પણ કંઈક કારણ છે. “બીજું પણ કંઈક કારણ” આ શબ્દથી એને બીજા વિદ્યાર્થી ઓ ચીડવતા. નિસિથ પણ મન માં ને મન માં મલકતો અને જાણે એને પણ ગમતું હોય એમ એ લોકોને કંઈજ ના કહેતો. શું હતું આ? મુગ્ધાવસ્થાનું પ્રથમ આકર્ષણ કે બીજું કંઈક? નિસિથને સમજાતું નહોતું અને એને સમજવું પણ નહોતું. ફાર્માકોલોજી વિષયમાં એને બધું જ આવડતું એનું કારણ કે એને ફાર્માકોલોજી વિષયની બૂકના દરેક પાને મૅમનો ચહેરો દેખાતો.

આજે સવારે જ નિસિથના મોબાઇલ પર નિશા મૅડમનો કોલ આવ્યો, “નિસિથ જરા ફાર્માકોલોજી વિભાગમાં આવીશ? મારે જરા તારું થોડું કામ છે.”

આજે મૅડમનો જન્મ દિવસ હતો એને મૅડમ માટે લીધેલી પેન લઈ મૅડમ પાસે ઝડપથી પહોંચી ગયો. “અંદર આવું મૅમ?” એમ કહી એ રૂમમાં આવ્યો. પ્રવેશતાં જ એને મૅડમને ‘હેપી બર્થ ડે’ કહી પેન આપી. મૅડમે આભાર માનીને નિસિથને પોતાની સામે બેસાડયો અને કહ્યું “ગઈ કાલે રાત્રે જ મેં મારી ફેસબૂકની ટાઇમલાઇન પર જોઈ લીધું હતું, જેમાં સૌથી પહેલી બર્થડે વિશ તારી હતી. વન્સ અગેન થેન્ક યૂ ફોર ધેટ.”

“મૅમ શું કામ હતું?” અચરજ ભરી નજરે નિસિથ બોલ્યો. “આ જરા થોડા કાર્ડ્સ છે એ લઈને તારે બાજુની મારુતિ કૂરિયરની ઓફિસમાં જઈ કાર્ડ પોસ્ટ કરવાના છે અને એમાં એક કાર્ડ તારા માટે પણ છે અને તારે સ્યોર આવવાનું છે.” કાર્ડ નિસિથના હાથમાં હતું જેની પર લખ્યું હતું, “ડૉ. નિશા વેડ્સ ડૉ. નિસિથ.” નિસિથને સમજાઈ ગયું કે પોતે મૅમનો પ્રિય સ્ટુડન્ટ હોવાનું બીજું કારણ એ કે મૅમના ભાવિ પતિનું નામ પણ નિસિથ હતું.

શૂન્ય મનસ્ક મન, શમી ગયેલી લાગણીઓ, ભગ્ન હ્રદય, સહેજ ભીના થયેલા આંખ ના ખૂણાઓ અને મંદ ગતિ એ ચાલતા પગલા  સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ના પડી. નિશા મૅડમ ના લગ્ન થી પોતે કેમ ઉદાસ હતો એનું કારણ એને ના સમજાયું.

બે વર્ષના સમયના વહેણ પછી આજે નિસિથ એમ.બી.બી.એસ.નો અભ્યાસ ક્રમ પૂર્ણ કરી ઇન્ટર્નશીપમાં હતો. સવારે એ વોર્ડમાં જતો અને બપોર પછી મેડિકલ કોલેજની લાઇબ્રેરીમાં અનુસ્નાતકના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરિક્ષાની તૈયારીઓ કરતો.

અચાનક એક દિવસ નિસિથની બાજુમાં એક સુંદર મજાની છોકરી આવી અને કહ્યું, “મને ફાર્માકોલોજીના ટૂંકા પ્રશ્નોમાં જરા હેલ્પ કરી દેશો? મારી સહેલી એ કહ્યું કે તમારું ફાર્માકોલોજી બહુ જ સારું છે.”

“પણ તમે?” આશ્ચર્ય સાથે નિસિથ બોલ્યો.

“હું બરોડા મેડિકલ કોલેજથી છું, અહી ઇન્ટર્નશીપ કરવા આવી છું.” એ છોકરી એ સહજ ભાવે ઉત્તર આપ્યો.

“પણ તમારું નામ?”

“નિશા, નિશા પટેલ.”

બસ નિસિથ માટે નામ જ પૂરતું હતું. એ ના ન કહી શક્યો. મનમાં જરા ખુશ થતાં જ અચરજ સાથે વિચારવા લાગ્યો “નિશા અને ફાર્માકોલોજીમાં હેલ્પ?”

આજે નિસિથ ઉત્સાહથી મારુતિ કૂરિયર ઓફિસે જઈ રહ્યો હતો એ જ ઓફિસ કે જ્યાં એ બે વર્ષ પહેલા ગયો હતો.

ખુશ મિજાજ મન, લાગણીઓનો આવેગ, આંખોમાં એક અનેરી ચમક અને ઝડપથી ચાલતા પગલાં સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ન પડી.

નિસિથના હાથમાં કેટલાક કાર્ડ્સ હતા જેની પર લખ્યું હતું, “ડૉ.નિસિથ વેડ્સ ડૉ.નિશા”


Rate this content
Log in