સલામ છે દીકરીની હિંમત ને !
સલામ છે દીકરીની હિંમત ને !




આ વાત છે લાખણી તાલુકાના ચાળવા ગામના વતની સુથાર સવજીભાઈ ઠાકરશીભાઈની. ચાળવા ગામના વતની સુથાર સવજીભાઈ, તેમની પત્ની અને પરિવારમાં ચાર દીકરીઓ. આમ છ વ્યક્તિઓનો હર્યોભર્યો સુખી પરિવાર. આ પરિવારના મોભી સવજીભાઈ સુથારી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ થોડા સમય અગાઉ સવજીભાઈના પત્નીનું આકસ્મિક નિધન થયું અને જાણે કે આ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પત્નીના આકસ્મિક નિધનથી સવજીભાઈ અને તેમનો પરિવાર આજે પણ આ આઘાતમાંથી બહાર નીકળી શક્યો નથી. ગઝલકાર અશોક ચાવડાના શબ્દોમાં 'જે શિરે હું હાથ ફેરવતો,હવે એ જ હાથ દે.' સાચા અર્થમાં આવું જ કંઈક બન્યું.
આવા સમયે તેમની સૌથી મોટી દીકરી એ પિતાનો સહારો બને છે. સુથાર સવજીભાઈને સંતાનમાં ચાર દીકરીઓજ છે . જે પૈકી સૌથી મોટી દીકરી સુથાર વીણાબેન સવજીભાઈ જે હાલમાં લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-૧૧માં અભ્યાસ કરી રહી છે .બીજી દીકરી આરતીબેન ધોરણ:-૧૦ માં અભ્યાસ કરી રહી છે. ત્રીજી દીકરી ચાળવા પે.કેન્દ્ર શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને ચોથી દીકરી એ હજુ નાની છે. માતાના આકસ્મિક નિધનથી આ દીકરીઓ પોતાની માતાની મમતા ગુમાવી છે. પિતા સવજીભાઈ પત્નીના અચાનક ચાલ્યા જવાના દુઃખમાંથી બહાર નીકળી શક્યા નથી. આવી વિકટ સ્થિતિમાં સૌથી મોટી દીકરી વીણાએ પોતે પોતાના પરિવારને આ દુઃખના સમયમાં પિતાને હિંમત આપવાની સાથે સાથે કુટુંબને આર્થિક બાબતમાં મદદરૂપ બનવા શિક્ષણની સાથે સીવણ કામ કરીને પિતાને સહકાર આપી રહી છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે આ દીકરી ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ધોરણ:-૧૧નો અભ્યાસ પણ કરી રહી છે. સાથે સાથે પોતાનાથી નાની બહેનોને ભણાવવામાં, પોતાના ઘરનું ઘર કામ કરવામાં અને પોતાના પિતાની આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સીવણ કામ કરીને જે કઈ અર્થોપાર્જન કરે છે તેનાથી પોતાના કુટુંબનું ગુજરાત ચલાવવા અને પોતાના પિતાને આર્થિક મદદ કરવામાં આ દીકરીએ જે હિંમત દાખવી છે તે વંદનીય છે.
વળી વીણા અને આરતી આ બંને દીકરીઓ શારીરિક રીતે પણ અશક્ત છે. આ મોટી દીકરી વીણા દુઃખની સ્થિતિમાંથી ઝડપભેર સ્વસ્થ બનીને પોતાના પિતાને અત્યારે સહારો આપી રહી છે અને આર્થિક રીતે મદદ પણ કરી રહી છે .સાથે સાથે વિદ્યાભ્યાસમાં એકાગ્ર બની પોતાનો અભ્યાસ પોતાની બહેનોનું શિક્ષણનું કાર્ય, ઘરકામ, સીવણ કામ કરી કુટુંબનું ગુજરાન કરી રહી છે. આજે શાળા પરિવારે આ દીકરીના ઘરે જઈને તેને પુસ્તક, પેન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. સલામ છે આવી દીકરીઓને. અને વંદન છે આવી દીકરીને જન્મ આપનાર માતા પિતાને.