સિલેબસ
સિલેબસ
શ્રેષ્ઠ શિક્ષકનો બિરુદ મેળવી ચૂકેલી મિસ રોનિકાને કેટલાયે દિવસથી ભણાવવામાં મૂડ કેમ નથી આવતો એ વિચારતાં તેણે બારમાના ક્લાસ તરફ પગ ઉપાડ્યા. "ગુડ મોર્નીગ"નો સામુહિક અવાજ સાંભળ્યો ત્યારે સમજાયું કે તે ક્લાસમાં આવી ચૂકી છે.
પહેલી બેન્ચની ખાલી જગ્યા પર તેની નજર અટકી.
"આજે મોહિત નથી આવ્યો? ઈમ્પોર્ટન્ટ ચૅપ્ટર નીકળી જશે પછી રડતો આવશે. હું બીજીવાર નથી ભણાવવાની." કહેતાં તેણે ચોપડી ટેબલ પર ઠોકી. મોહિત પર ધ્યાન રાખવા તેના માતા-પિતાનો ખાસ આગ્રહ હતો.
ક્લાસ પૂરો થતાં ચુલબુલી ટીના દોડતી આવી,"મેમ સિલેબસ ક્યારે પૂરો થશે? હજી કેટલું બધું બાકી છે."
"હમ્મ, આમેય કોઈને ક્યાં ભણવું છે?” ગુસ્સો મનમાં દબાવી ટીચર્સરૂમ તરફ આગળ વઘી.
રોનિકા ટીચર્સરૂમમાં આવી, ખુરશી પર બેસતાં બબડી," આજે ટ્યુશનમાં 'હ્યૂમન બોડી'નું ચૅપ્ટર પૂરું કરવું જ પડશે.".
હજી તે ચૅપ્ટરમાં મન પરોવે ત્યાં મોહિતે ટીચર્સ રૂમના બારણે ટકોરા કર્યા, "મેડમ, આજે મૂડ ન હતો એટલે ક્લાસમાં ન આવ્યો. સાંજે ટ્યુશનમાં આવીશ." સામે ઉભેલા મોહિત તરફ નજર કર્યા વગર તેણે હાથથી જવા ઈશારો કરી દીધો.
ટયુશનમાં સૌથી પહેલા મોહિતને આવેલો જોઈ ખુશ થઈ,"ધ્યાનથી ભણજે, જોજે તું પહેલો જ આવીશ".
"માણસના આંખ જુદા જુદા રંગોને કેવી રીતે ઓળખે છે તે તમે જાણ્યું. કોઈને ન સમજ પડી હોય તે પૂછી શકે છે." કહી રોનિકાએ બુક બંધ કરી.
"મેમ હોળીના બીજે દિવસથી એક્ઝામ છે. આજે અમે તિલક હોળી રમી શકીએ?" ચુલબુલી ટીનાએ કંઈક તો કહેવું પડે ને?
"હમ્મ" આદેશની રાહ જોતા જ ટેબલ પર બધાએ લાવેલા રંગોની પોટલી ખૂલી ગઈ.
"મેમ તમે પહેલા શરૂઆત કરો." મોહિત ઉત્સાહિત થઈ આગળ આવ્યો.
"હેપ્પી હોળી" કહીને રોનિકાએ રંગો ભેગા કરી મોહિતના ગોરા ગાલે મોટો ઘસરકો કર્યો. મોહિતે પણ તેનું અનુકરણ કર્યું.
"આજે સિલેબસ આજે પૂરો થઈ ગયો છે. કોઈને જરૂર હોય તો ઘરે આવીને મને પૂછી શકે છે." રોનિકા રૂમાલથી રંગોને લૂછતાં મલકાઈ રહી.