શ્રેષ્ઠ વિચાર
શ્રેષ્ઠ વિચાર


કોઈ એક ગામમાં નાનો પરિવાર રહેતો હતો. આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે નાનું સરખું લોખંડનું કારખાનું ચલાવતો હતો. આ પરિવારમાં એક બાળક પણ હતું. જે પોતાના પિતા સાથે કારખાનામાં જતો હતો. એક દિવસ તેને પોતાના પિતાને એક પ્રશ્ન કર્યો. પિતાજી માણસના જીવનની સાચી કિંમત શું હોય ? ત્યારે તેના પિતા વિચારવા લાગ્યા કે કેવો અજીબ પ્રશ્ન પૂછ્યો છે ? પરંતુ પોતાના દિકરા એ પ્રશ્ન પૂછો હોવાથી તેનો જવાબ પણ આપવો ખૂબ જરૂરી હતો. તેમણે કહ્યું કે દિકરા બધા જ મનુષ્યનું જીવન અણમોલ હોય છે. મહાન હોય છે. બધાનું જીવન ખૂબ જ કિંમતી છે. ત્યારે બાળકે પિતાને કહ્યું કે પિતાજી બધાના જીવનમાં બધુ અલગ અલગ કેમ હોય છે ? કોઈક પૈસાદાર ? કોઈક ગરીબ ? કોઈકને વધુ માન મળે ? તો કોઈકને અપમાન મળતું હોય છે ? કોઈનું જીવન સુખથી પસાર થઈ જાય. તો કોઈના જીવનમાં પુષ્કળ પ્રમાણમાં દુઃખ જોવા મળે છે.
પિતા પોતાના દિકરાનો પ્રશ્ન સાંભળીને થોડીવાર નવાઈ પામીને તેને જોઈ રહે છે. તેનો પ્રશ્ન પણ યોગ્ય જ હતો. માટે પોતાના દિકરા જવાબ આપવો પડે તેમ હતો. ત્યારે પિતાએ તેને સમજાવવા માટે કહ્યું કે બેટા જા અંદર ગોડાઉનમાં લોખંડનો મોટો ટૂકડો પડ્યો છે. તે લઈને આવ. દિકરો ગોડાઉનમાં જઈને લોખંડનો મોટો ટૂકડો લઈને આવ્યો. ત્યારે તેના પિતાએ દિકરાને પ્રશ્ન કર્યો કે બેટા, આ લોખંડના ટૂકડાની કિંમત કેટલી હશે ? ત્યારે છોકરો વિચારીને કહ્યું કે પિતાજી આની કિંમત લગભગ ત્રણસો કે ચારસો રૂપિયા હશે. પિતાએ કહ્યું કે ઠીક છે બેટા. તો આ ટુકડામાંથી નાની-નાની ખીલીઓ બનાવીએ તો તેની કિંમત કેટલી હશે. તો છોકરા વિચારીને કહ્યું કે કદાચ આની કિંમત હજાર રૂપિયા કરતાં પણ વધુ હશે. ત્યારે પિતાજીએ કહ્યું કે બેટા આ લોખંડના ટુકડામાંથી ઘડિયાળ સ્પ્રિંગ બનાવવામાં આવે તો તેની કિંમત કેટલી હશે ? તો બાળક શાંત મને વિચાર્યું અને કહે કે પિતાજી તેની કિંમત તો બહુ વધી જશે.
આમ, મનુષ્યની કિંમત પણ આવી જ છે. તે કેવું વિચારે છે ? તે કેવું કામ કરે છે ? તેના પર આધાર રાખે છે. તમારા વિચારો જ તમારી કિંમત નક્કી કરતા હોય છે. જેવા વિચારો તેવાં કાર્યો થતા હોય છે. પોતાની જાતને બીજાથી ઉતરતી ન ગણો. પોતાની જાતને શ્રેષ્ઠ ગણો.