STORYMIRROR

Drankit Patel

Others

2  

Drankit Patel

Others

શમણું

શમણું

1 min
15.2K


શિયાળાની આહલાદક સવાર. ફુલગુલાબી ઠંડીમાં ઝંખના મોર્નીગ વોક કરીને પાછાં આવતાં અચાનક એની નજર હ્રદય આકારની એક તકતી પર પડી અને ઝંખનાના સ્મૃતિપટ પર જુની યાદો તાજી થઈ. એક ઠંડા પવનની લહેરની સાથે ઝંખના ભૂતકાળમાં સરી પડી.

૧૦ વર્ષ પહેલાની આવી જ સવાર... ઠંડું આહલાદક વાતાવરણ... ઝાકળની ભીનાશ. ઉચ્છવાસ વાટે નીકળતી વરાળ...!

આ ઠંડા વાતાવરણમાં પણ મનને ઉકળાટથી ભરી દેતી હોય એવી ઈન્તેઝારીની પળો. કપાળમાં ઉદભવેલા પ્રસ્વેદબિદુઓ એના મનની ગભરામણની ચાડી ખાતા હતા. આ કામણગારી યુવતીનાં હાવભાવ દર્શાવતા હતા કે તે બેબાકળાં મને કોઈની રાહ જોતી હશે.

આ વ્યગ્ર ચહેરાના હાવભાવ ત્યારે બદલાયા જ્યારે ધુમ્મસના ઓછાયા પાછળ એક સહજ આકૃતિ દેખાઈ. સાવ સરળ પહેરવેશ... સામાન્ય કદકાઠી ધરાવતી આકૃતિ એટલે નિર્ધાર... એકમેકની આંખ મળતાં બંનેનાં મનને જે હાશકારો થયો અને ઈન્તજારની ક્ષણોનો અંત આવ્યો.

એકપણ શબ્દની આપ-લે વગર જાણે બંનેએ કંઈક નક્કી કરી લીધું હતું. પોતાના ભવિષ્ય માટે. પોતે જોયેલા ‘શમણાં’ઓને સાકાર કરવા માટે. બંડખોર સ્વભાવના બંને પ્રેમીપંખીડા એ દિવસે જ્યારે દુનિયાના રિતરિવાજોના બંધનો ઓળંગીને પોતાની અલાયદી દુનિયા વસાવવાનાં, પોતાના ‘શમણાં’ સાકાર કરવાની દિશામાં પગલાં માંડી રહ્યાં હતાં.

ત્યાં જ અચાનક ગાડીનો હોર્ન વાગ્યું... પાછળ વળીને જોયું તો નિર્ધાર જ હતો. પોતાના ઘરનો ઝાંપો ખોલ્યો અને ગાડી બંગલાના પાર્કિગમાં ગોઠવાઈ ગઈ.

બંગલામા પ્રવેશ કરતાં ઝંખનાએ હ્રદયાકારની તકતીને ફરી નિહાળી. એની પર અંકિત થયેલ શબ્દો કે જેની પર પ્રેમથી ઝંખનાએ હાથ ફેરવ્યો હતો... 'શમણું'.


Rate this content
Log in