શિયાળ અને બકરો.
શિયાળ અને બકરો.
એક બકરો ઉંચી ટેકરી પર આવેલા ઘાસને આનંદથી ચરી રહ્યો હતો. એવામાં ટેકરીની નીચેથી એક લુચ્ચું શિયાળ પસાર થયું. ટેકરી પર તાજામાજા બકરાને ઘાસ ચરતાં જોઈ શિયાળના મોંમાં પાણી આવ્યું. શિયાળને બકરાનો શિકાર કરવાની ઈચ્છા થઈ પરંતુ આટલી ઉંચી અને સીધીસટ્ટ ટેકરી પર પહોંચવું કેવી રીતે ? તેથી તેણે મનોમન એક યોજના ઘડી કાઢતાં બકરાને કહ્યું
“અરે બકરા મહારાજ, તમે નીચે આવો ઉપરથી ક્યાંક લપસીને પડશો તો તમારા રામ રમી જશે... તમે જરા અહીં નીચે નજર કરો. જુઓ તો ખરા, અહિયાં પણ કેટલું સરસ મજાનું લીલુંછમ ઘાસ ઉગી નીકળ્યું છે. આવું તાજુંતાજું ઘાસ છોડી તમે ક્યાં આટલી ઉપર ટેકરી પર ચઢી ઓલા ફિક્કા ઘાસને ચરી રહ્યા છો ! આવો નીચે આવો.
બકરાએ જવાબ આપ્યો “શિયાળભાઈ ટેકરી ઉપરથી નીચે પડીને મરવાની મને શક્યતા ઘણી ઓછી દેખાય છે. પરંતુ હા, જો હું નીચે આવ્યો તો તમારા હાથે મરવાની મને સો ટકા ખાતરી છે. તેથી ભાઈ અહિયાંનું આ ફિક્કું ઘાસ જ મારા મન વધારે મીઠું છે.”
બોધ : ધુતારાઓ મીઠું મીઠું બોલી સામેવાળાને ઠગવાનો પ્રયત્ન કરે છે. આવા ધુતારાઓની વાતોમાં કયારેય આવું ન જોઇએ.