STORYMIRROR

Priyakant Bakshi

Others

2  

Priyakant Bakshi

Others

શાણપણ તો શિશુનું જ

શાણપણ તો શિશુનું જ

3 mins
13.7K


હમણાં થોડા સમય પહેલા મકરસંક્રાંતિના અવસરે ભારત જવાનું થયું. પતંગ ચગાવવાનુ પર્વ જ કહી શકાય. મારે એ વિષે વિશેષ નથી કહેવું. મારા કરતા તમને વધારે માહિતી અને મનોરંજન હસ્તગત છે. એ સંબંધી એક આડ વાતનો પ્રસંગ થયો તેની વાત કરવી છે. સૌ સંક્રાંતિના દિવસે વહેલી સવારથી અગાસી પર આવવા લાગ્યા હતા. પડોશની અગાસીમાં એક પિતા અને પુત્ર પતંગની દોર અને પતંગની થપ્પી સાથે આવ્યા. પિતાએ દોરી એકાદ ફીરકીમાં થોડી વીંટાળી. એના પુત્રને કહ્યું કે પેલા દોરાનું પીંડું છે, તેમાથી દોરી ઢીલી કરતો જા એટલે હું ફીરકીમાં વીંટતો જઉં. થોડી વારે પીંડામાંની દોરી ગૂંચવાઈ ગઈ. પુત્ર બોલ્યો,'પપ્પા, જોરથી ના ખેંચતા, દોરી ફાટી જશે.' પિતા કહે,'અવિ, દોરી ફાટી જશે ન કહેવાય, દોરી તૂટી જશે કહેવાય. પતંગને ફાટી જશે કહેવાય.' પછી પિતા-પુત્ર વચ્ચે કંઈક વાતચીત થઈ તે સ્પષ્ટ ન સંભળાઈ.

આ વાર્તાલાપે મને મારા ભૂતકાળના પ્રસંગમાં સેરવી દીધો. વર્ષો પહેલાની વાત છે. ત્યારે અમારી ભાણીની ઉંમર લગભગ ૪ કે ૫ વર્ષની હશે. એક સમી સાંજે અમે ભાઈ-બેનો ઘરની નજીકના પાર્કમાં ભાણીને લઈને ગયાં. બગીચાની એક ખૂણા બાજુએ સરસ જગા જોઈ અમે ત્યાં બેઠાં. વાતચીતમાં સાહિત્ય વિષે વાત નીકળી. મને સાહિત્યનો શોખ વિશેષ. મારી બેન કહે,'ભાઈ, કંઈક સાહિત્યકાર વિષે જણાવો.' મેં કહ્યું, 'આપણા જાણીતા કવિ અને વિદ્વાન સાહિત્યકાર શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયા વિષે એક વાત કોઈક મિત્રના મુખેથી સાંભળી હતી તે યાદ આવે છે. તેઓ મુંબઈ વિધ્યાપીઠમાં સંલગ્ન હતા. તે સમયે એમ. એ. માં ગુજરાતીની લેખન પરીક્ષાની સાથોસાથ મૌખિક પરીક્ષા પણ લેવાતી હતી. એની પૅનલમાં શ્રી નરસિંહરાવ હતા. આપણા પ્રસિધ્ધ હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવે એક સમયે એ મૌખિક પરીક્ષામાં પરીક્ષાર્થી હતા. તે સમયનો પ્રસંગ છે. કોઈ પરીક્ષાર્થીએ સંસ્કૃત શબ્દનો ઉપયોગ ગુજરાતી વાક્યમાં ગલત કર્યો. શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયાએ તેને સુધારતા જણાવ્યું કે તત્સમ શબ્દનો ઉપયોગ તેની મૂળ ભાષા મુજબ વ્યાકરણની દૃષ્ટિએ કરી શકાય. એટલામાં પરીક્ષા હોલની ખુલ્લી બારીમાં પવનનો ઝપાટો આવતાં શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયાના ટેબલ પરથી કેટલાક કાગળો ઊડ્યાં. તે વખતે શ્રી જ્યોતીન્દ્ર દવે, મૌખિક પરીક્ષામાં પરીક્ષાર્થી હતા તેઓ બોલ્યા,' સર, પત્રમ્ ઊડ્યું, પત્રમ્ ઊડ્યું.'

શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયા બોલ્યા,' એ કોણ બોલ્યું?'

શ્રી જ્યોતીન્દ્ર દવે,' જી. હું બોલ્યો હતો કેમકે હમણા જ તમે તત્સમ શબ્દના ઉપયોગ વિષે જણાવેલ તે મુજબ 'પત્રમ્' તેની મૂળ ભાષા સંસ્કૃતના વ્યાકરણની દૃષ્ટિએ એ મુજબ વાક્ય બોલ્યો હતો.'

શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયા બોલ્યા,' છોકરા, તું ભવિષ્યમાં સાહિત્યમાં નામ કાઢીશ.' એમની પારખું નજરે જે નોંધ્યું તેના ફળ સ્વરૂપ આપણને ગુજરાતી સાહિત્યના પ્રખર હાસ્ય-કટાક્ષ લેખક સાંપડ્યા.

ભાષાની શુધ્ધિ અંગે શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયા ઘણા આગ્રહી હતા. એકવાર તેમના ઘરે તેમના બાળ દોહિત્ર (કે પૌત્ર, બરાબર ખ્યાલ નથી) ચણા-મમરાનું પાત્ર લઈને દોડવા જતાં પાત્ર જમીન પર પડી ગયું તેથી બાળક બોલ્યો,' મમરા ઢોળાઈ ગયા, મમરા ઢોળાઈ ગયા.' શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયા બોલ્યા,‘મમરા ઢોળાય નહીં, વેરાય એમ બોલવું જોઈએ.'

આ દરમ્યાન અમારી ભાણી અમારી પાસેથી ઊઠીને ગુલાબના ક્યારા પાસે ગઈ. મારી નજર ત્યાં ક્યારા પાસે રહેલ કીડીના દર પર ગઈ એટલે મેં બૂમ મારી,‘પ્રીતિ, કીડી કરડશે અહીં આવતી રહે.'

તે અમારી પાસે આવી અને બોલી, 'ભાઈ મામા, કીડી કરડે નહીં એ ચટકે.'
(અમે ભાઈ-બહેનોમાં મને સૌ ભાઈ કરીને બોલાવે તેથી અમારી ભાણી કહે,' ભાઈ કહું છું તો મમ્મી કહે છે કે મામા કહેવાય. તમે બધા ભાઈ કહો છો એટલે ભાઈ મામા.’)

શું વાતાવરણ નાના બાળકને આવું શાણપણ આપતું હશે કે બાળકમાં રહેલી આગવી પ્રતિભા સ્વરૂપ આમ પ્રૌઢને છાજે તેમ વાત કરતું હશે?


Rate this content
Log in