શાકમાં મીઠું
શાકમાં મીઠું




ઉનાળાના સુસ્ત અને કૃત્રિમ ઠંડા વાતાવરણને બાય-બાય કરી શહેરે વરસાદની આહલાદક પ્રથમ બુંદાબારી હજી સ્વીકારી જ હતી તરત જ બીજે દિવસે શહેરભરમાં આશરે 5000 થી વધુ શાળાઓ પોતાનું નવું સત્ર શરુ કરવાની હતી. આ વર્ષે વરસાદી રમઝટ જરા વહેલી જામી તેથી સ્કૂલ યુનિફોર્મ લઇ નવરા પડેલા વાલીઓ અને ભૂલકાઓએ રેઇનવેર લેવા માટે દોડ લગાવી અને તાજા તાજા ફૂલ જેવા ભુલકાંઓનું નવું સત્ર એક અનેરા ઉમંગ સાથે શરુ થયું. શહેરની ખુબ જ પ્રતિષ્ઠિત અને એટલી જ સખત ગણાતી વાડીલાલ શાળા પણ શરુ થઇ.ચિન્ટુ વિધિવત રીતે શાળાએ આવી ગયો પણ તેનો રસ આજે સમગ્ર શાળાના અભ્યાસમાં હતો જ નહિ. આવું સતત અઠવાડિયું ચાલ્યું ચિન્ટુને ભણવામાં રસ રહ્યો જ ન હતો.
વાડીલાલ શાળામાં દર મહિને પેરેન્ટ્સ મિટિંગ આવતી . પહેલી વાર વર્ગના સૌથી હોંશિયાર ગણાતા છોકરા ચિન્ટુની જ ફરિયાદો સૌથી વધુ હતી. ચિન્ટુને ભણવામાં રસ જ ન હતો. જે તેના મંથલી ટેસ્ટના પરિણામમાં સાફ દેખાતું હતું.
"ચિન્ટુ કેમ આજે તારી આટલી ફરિયાદો આવી અને તું ભણતો કેમ નથી ?" ચિન્ટુના પપ્પાએ ચિન્ટુને પૂછ્યું .
"ભણીને શું કરું? મારે તો ક્રિકેટર બનવું છે. આખું વેકેશન હું ક્રિકેટમાં ખુબ જ આગળ રહ્યો પણ આ સ્કૂલ શરુ થતા મારુ ક્રિકેટ અટવાઈ ગયું. મારે કઈ ભણવું નથી મને સ્કૂલમાંથી ઉઠાડી દો."
"ગાંડા જેવી શું વાત કરે છે? ભણવું તો પડે જ. તને યાદ છે હમણાં જ તારા ક્રિકેટ કલબમાં ખુબ જ માહેર ક્રિકેટર રોહનસર આવ્યા હતા."
"હા એ તો મારા ફેવરિટ છે."
"હા, પણ એ ક્રિકેટમાં આવતા પહેલા શું કરતા હતા એ તને ખબર છે ?"
"ના"
"બેટા, એમને કોલેજ પણ પાસ કરી હતી અને સરકારી પરીક્ષા પણ. ક્રિકેટ પર ધ્યાન આપ પણ સાથે ભણવું પણ એટલું જ જરુરી છે. "
ચિન્ટુ પોતાના પપ્પાની દરેક વાત માનતો તેથી તેને આ વાત પણ માની સાથે જ ચિન્ટુના પપ્પાએ તેની મમ્મીને સમજાવતા કહ્યું ,
"છોકરાઓને બીજી પ્રવૃત્તિમાં રસ હોવો જરુરી છે પણ એટલો નહિ કે તે ભણવામાં ધ્યાન જ ન આપે. શાકમાં જેમ મીઠું જરુરી છે તેમ ભણવાનું જરુરી છે હવે. "