'સેવા' સદન
'સેવા' સદન
આકાશ પોતે જે ઘરમાં રહે છે તે ઘરની બાજુમાં બે પ્લોટ ખાલી પડેલ હોઇ તેમાં બોરડી સમેત અન્ય કેટલાક ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. સવાર પડે કે તરત જ પેલી બોરડી પર બેઠેલા કેટલાક પક્ષીઓ કલરવ કરવા માંડે. આકાશે અ કલરવ સાંભળ્યો અને તેની આંખો ખુલી જવા પામી.
તેને અચાનક યાદ આવ્યું કે ટુથપેસ્ટ તો ખલાસ થઇ ગઇ હતી. તેને સવાર સવારમાં ટુથપેસ્ટ લેવા જવાનું યોગ્ય ન લાગ્યું. અને એટલે તેણે કેવળ પાણીથી પોતાનું મો ધોઇ નાખ્યું. માએ ચા બનાવી દીધી હોઇ તેણે ચા પી લીધી. તેણે ચા સાથે એક રોટલી પણ આરોગી. પેટલાદ સેવાસદનમા સવાર- સવારમાં પહોંચી જવાની તેને જરૂર ન લાગી.
ઘેર રહીને થોડું કાર્ય થઇ શકશે એમ વિચારી તે તેનું કાર્ય કરવા બેસી ગયો. અમુક અમુક સમયે તે દીવાલ પરની ઘડિયાળમાં નજર નાંખી દેતો હતો. દસેક વાગ્યા એટલે તેણે બધું ગોઠવી દીધું. તે જાણતો હતો કે પોતે જો ગોઠવશે નહીં તો ઉદય ક્યારે પણ આવી ચઢે અને બધું અસ્તવ્યસ્ત કરી નાખે એવી શક્યતા રહેલી હતી.
તેના મમ્મીએ, રાત્રે પાણીમાં પલાળેલ મગ જોવા માંડ્યા કે એને ખ્યાલ આવી ગયો. તેણે પૂછ્યું, "મમ્મી, મારે જવાનું છે એટલે વહેલી તૈયારી કરવા માંડી ?"
"ઓવ્વ" મમ્મી બોલ્યા
ગણતરીની મિનિટોમાં મમ્મીએ મગનું શાક અને રોટલી બનાવી દીધા. મગનું શાક બનાવતા પૂર્વે મમ્મીએ આકાશને પૂછ્યું, "ડુગળી નાંખવી છે કે ચાલશે ? "
આકાશે ડુગળી નાખવા માટે લીલી ઝંડી આપી. એ પછી આકાશે ખાદીની એક બેગ કાઢી. ડ્રેસનુ કાપડ અને ઓઢણી તેણે કાઢીને બીજા એક કોથળામાં મૂકી દીધા. તેણે જોયું કે બેગમાં નાની એક ચોકલેટ પણ હતી. તે ચોકલેટ ખાઇ ગયો. એ પછી ત્રણ આધારકાર્ડ તેણે બેગમાં મૂક્યા. રેશનકાર્ડ પણ મૂક્યું. અને પાણીની એક બોટલ પણ તેણે મૂકી. એક ડાયરી અને બે બોલપેન પણ તેણે મૂક્યા. એ પછી તેણે એલ્યુમીનીયમની એક તપેલીમાં પાણી ભર્યું. અને તપેલીને ગેસની સગડી પર મૂકી. પાણી ગરમ થઈ જતાં તે બાથરૂમમાં ગયો. સ્નાન કરી લીધા બાદ તેણે કપડાં પહેરી લીધાં. એ પછી એણે માથું ઓળી લીધું. એ પછી એના મમ્મીએ એને જમી લેવા કહ્યું. જમતી વેળા એણે બંડી અને પેન્ટ પહેરેલા હતા . એણે રોટલીને તોડી અને મગના શાકને ; રોટલીમા લીધું અને મોમાં મૂક્યું.
"વાહ ! શું શાક બન્યું છે" તે મનોમન કહેવા લાગ્યો. જમી લીધા બાદ તેણે શર્ટ પહેર્યું. અને એ પછી જરૂરી નાણાં લઇ પેટલાદ જવા રવાના થયો. જતાં જતા તે બોલ્યો, " મમ્મી, મરિયમપુરા નથી જવાનો….મોડું થઇ જાય ને એટલે.. "
"સારું " મમ્મીએ જવાબ આપ્યો
ગામના જ કોઇ એક ભાઇએ એને પૂછ્યું, "કેમ આજે ચાલતા ?"
"બસ, એમ જ " તેણે જવાબ આપ્યો.
એ પછી તે આગળ વધ્યો. ચાલતાં ચાલતાં તેણે વિચાર કર્યો કે ક્યારેક ક્યારેક પગને પણ કસરત કરાવવી જોઈએ
મુખ્ય રોડ પર આવીને તે રોડની એક બાજુએ વાહનની રાહ જોતો ઊભો રહી ગયો. એ પછી તેણે પોતાનો સ્માર્ટફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યો. તેણે જોયું કે સમય 10:59 થયો હતો. એ પછી એક મિનિટ બાદ તેણે વોટ્સ એપના આઇકોન ઉપર ક્લીક કરી. કોઇ બાળકને જન્મ દિનની શુભેચ્છા પાઠવતુ સ્ટેટસ તેના ધ્યાનમાં આવ્યું. હશે કોઈક એમ વિચારી એણે કોઈ પ્રતિભાવ ન આપ્યો. એ પછી તે એ એપ્લીકેશનમાથી જલદી બહાર નીકળી ગયો. થોડી વારમાં એક રિક્ષાવાળો આવી ચઢ્યો. પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તે પેટલાદ જનાર હતો. રિક્ષામા પોતાનું સ્થાન ગ્રહણ કરતા પૂર્વે તેણે ભાડા અંગે પૂછી લીધું. એ પછી પાછળની બાજુ જગ્યા ન હોઇ ડ્રાઈવરની પાસે બેસી ગયો.
એ પછી તે રોડની બંને બાજુ ઊભા રહેલા લીલાછમ ખેતરોને નીહાળતો રહ્યો. ચાલીસેક મિનિટ બાદ તે પેટલાદ શહેરમાં આવી ગયો. સેવાસદન ક્યાં આવેલ છે એ અંગે તેને જાણ નહોતી. એટલે એને બે- ત્રણ જણને પૂછવું પડ્યું. જ્યારે તે સેવાસદને આવી પહોંચ્યો ત્યારે તેની નજર સૌપ્રથમ એવા માણસો પર પડી કે જેઓ ટેબલ -ખુરશી લઇને હાર કે પંક્તિમાં બેસી ગયા હતા. તેને થોડા દિવસ પહેલા ; પોતે લખેલી એક હિન્દી કવિતા યાદ આવી ગઇ. એ મૂછમાં જ મુસ્કુરાયો. જો મોટેથી હસે તો કહેવાતો ભદ્ર સમાજ તેને પાગલમા ખપાવી દે! તેણે જુદી જુદી વયજૂથના સ્ત્રી-પુરુષ જોયાં. દરેક વ્યક્તિ કોઇને કોઇ કામ લઇને આવી હતી.
ખેર, એ પછી એની નજર એક પરિચિત વ્યક્તિ પર પડી કે જે બાંધણીની હતી. તે એ વ્યક્તિની પાસે ગયો અને ધીરેથી માસ્ક કાઢ્યો.
"અલ્યા તુ….સરદારજી બની ગયો." પેલી વ્યક્તિ કહેવા લાગી.
"ના" તેણે જવાબ આપ્યો.
ઔપચારિક વાતો થઇ એ પછી પેલી વ્યક્તિએ તેને જણાવી દીધું કે રેશનકાર્ડ સંબધિત કેવાયસી કરાવડાવવા માટે ક્યાં ઊભું રહેવું. એ પછી તે સાત નંબરની બારીએ જઇને ઊભો રહ્યો. એ વિભાગનું નામ હતું: પુરવઠા વિભાગ. લગભગ પોણા કલાક સુધી તેને ત્યાં ઊભું રહેવું પડયું. ચારેક જણ તો એવા આવી ગયા કે તેની પહેલા કામ કરાવડાવીને ચાલ્યા ગયા. એ બધા મેનર્સ વિનાના અને ઓછું ભણેલા હતા એટલે એણે એ અનુભવને સહન કરી લીધો. અહીં તેને સરકારી કરમચારીઓનો મિજાજ પારખવાનો ને જોવાનો મોકો મળ્યો.
જ્યારે તેનું કાર્ય પૂરું થયું ત્યારે તેણે પોતાની બેગમાંથી પીવાના પાણીની બોટલ કાઢી. અને પાણી પીવા લાગ્યો. એવામાં એની નજર એક યુવાન ઉપર પડી. પેલા યુવાને એક સરકારી કર્મચારીને છાજે એવાં કપડાં પહેર્યા હતા. તેણે તેને તૈયારીમાં ઓળખી કાઢ્યો. જોકે તેને તે યુવાનનું નામ યાદ ન આવ્યું. પણ એને ઓળખી કાઢ્યો ખરો. એ યુવાને મો પર માસ્ક પહેર્યો હતો તોયે એણે તેને ઓળખી કાઢ્યો. તેણે પેલા યુવાનને તેની કાઠી અને ચહેરાના આકારને આધારે ઓળખી કાઢ્યો. વર્ષ 2000માં જ્યારે તે સેન્ટ ઝેવિયર્સ આણંદમાં ભણતો હતો ત્યારે આ યુવાન પણ એ જ શાળામાં ભણતો હતો. એ આર્ટસમાં હતો અને પોતે કોમર્સમાં. તેણે કબૂલી લીધું કે પોતે તેનું નામ જાણતો નથી. એ પછી પેલા યુવાને કહ્યું, "જસ્ટિન"
આકાશે જ્યારે એની સાથે ભણનારાઓની વાત કાઢી ત્યારે તેણે એવા મતલબની વાત કરી કે અમુક વિદ્યાર્થીઓ વિદેશ ચાલ્યા ગયેલ છે અને અમુક અહીં રહે છે. એણે પોતાના દેશમાં રહીને જોબ કરવાની બાબતને યોગ્ય લેખી.
એ પછી તે ત્યાંથી રવાના થયો. રિક્ષા સ્ટેન્ડ પર જતા પૂર્વે તે ફ્રૂટની એક લારીએ પહોંચ્યો. એને માએ સમજાવેલી વાત યાદ આવી કે કશું પણ ખરીદતા પૂર્વે ભાવ પૂછવો. ઘણી વખત એવું બનેલું કે તે ભાવ પૂછ્યા વિના, પેલો દુકાનદાર જે ભાવ કહે એ ભાવે વસ્તુ ખરીદી લાવેલો. એના માએ એને આ મામલે ટકોર કરેલી. એ પછી તે ભાવ જાણીને વસ્તુ ખરીદતો થઇ ગયો. ખેર, તેણે દસ રુપિયાના કેળાં ખરીધ્યા અને સોળ રુપિયાનું પપૈયું. આમ ફળ ખરીદીમા તેણે છવ્વીસ રુપિયા ખર્ચ્યા. આવવા જવાનું ભાડું ચાલીસ રુપિયા એટલે કુલ ખર્ચ છાસઠ રુપિયા થયો. તેણે લારી આગળ ઊભા રહીને જ એક કેળુ પોતાના પેટમાં પધરાવી દીધું.
એ પછી તે રિક્ષા સ્ટેન્ડ આગળ આવ્યો. એને આણંદ તરફ જતી રિક્ષાની તલાશ હતી. એક રિક્ષાવાળો મળ્યો ખરો પણ એ લોભી નીકળ્યો. ચાર મુસાફર તો તેને ઓલરેડી મળી જ ગયા હતા. આકાશને અહીં પણ અહીં પુન:, પોતે લખેલી કવિતા યાદ આવી ગઇ.
તેણે રિક્ષા ડ્રાઇવરના પગરખાં જોયા અને કઇ જબાનમાં વાત કરે છે તે નોંધી લીધું. તેને અંદાજ આવી ગયો. એ પછી રિક્ષા ઉપડી. રવિપુરા ચોકડી પસાર થતા પેલા રિક્ષા ડ્રાઈવરે પોતાના ખિસ્સામાંથી મસાલો કાઢ્યો ને એક હાથે સ્ટિયરીંગ પકડીને બીજા હાથે મસાલો ચોળવા લાગ્યો. આકાશે આ જોયું. તે મનોમન વિચારવા લાગ્યો કે પેલાએ થોડી ધીરજ રાખીને જ્યારે રિક્ષા ઊભી રહી હોય ત્યારે જ મસાલો પેટમાં પધરાવ્યો હોત તો કેવું સારુ રહેત ! આકાશને પેલા ગીતની પંક્તિ યાદ આવી ગઇ. "યે ઉનકા સ્ટાઇલ હોગા….." "આવી સ્ટાઇલ ઘણી વખત જોખમકારક સાબિત થાય છે", તેણે વિચાર કર્યો.
ખેર, એ પછી ગામ આવી જતાં તે ઊતરી ગયો. ઘેર આવ્યો એ વેળા બપોરના અઢી વાગ્યા હતા. સમયસર આવી ગયો એટલે સારુ એવું એ મનોમન વિચારવા લાગ્યો. તેણે હાથ-પગ ધોઇ નાખ્યા. અને શાંતિથી બેઠો. તેણે આંખો બંધ કરી તો તેના મનમાં સરકારી સંકુલની ઉપર લખેલા શબ્દો 'સેવાસદન' ઉપસી આવ્યા. એ સાથે જ ટેબલ ખુરશી લઇને બેઠેલા માણસોના ચહેરા પણ તેની નજર સમક્ષ આવી ગયા. તેને એક સવાલ ઉદભવ્યો: શું આને ખરા અર્થમાં સેવાસદન કહી શકાય ?
