સૌ સારું જેને અંત સારો.
સૌ સારું જેને અંત સારો.


વર્ષ ૨૦૧૯ સાથે કેટકેટલી યાદો જોડાયેલી છે. જયોતિષ ઘણી વખત કહે છે કે તમને મિશ્ર ફળ પ્રાપ્ત થશે. મારી બાબતમાં પણ બિલકુલ એમજ બન્યું છે.
મને હજી યાદ છે કે એ ઉતરાણનો બીજો દિવસ હતો અને મારા દીકરા એ કહી દીધું કે આજે સાંજે અમેરિકા જઈએ છીએ. હું સ્તબ્ધ બની ગઈ. એનો અર્થ એજ કે ઘણા દિવસો અગાઉથી એ લોકો અમેરિકા જવાની તૈયારી કરતા હશે. એકનો એક દિકરો આ રીતે જુદો થાય એ મારા માટે બહુ મોટો આઘાત હતા. વહુ ભલે પારકી હતી એની બધી ભુલો માફ પણ દિકરો આવું કરે ! હું પણ સમજી ગઈ હતી કે દિકરો અંતરથી દૂર નથી થયો પણ મારી લાગણીઓ અને મારા હૃદયથી પણ દૂર થઇ ગયો છે. જોકે મને હજી પણ કારણ ખબર નથી.
ત્યારબાદ દિવસો ના દિવસો સુધી હું રડતી રહી. હું ઘણા બધા સાપ્તાહિક અને માસિકમાં લખતી હતી. મેં લખવાનું સદંતર બંધ કરી દીધું. મેગેઝિનમાંથી ફોન આવતાં. પરંતુ મારો એક જ જવાબ હોય હવે હું નહીં લખી શકું. જેથી મેગેઝિનમાં મારી જુની વાર્તાઓ છપાતી હતી. નિરાશામાં હું ડુબી ગઈ હતી.
પરંતુ વાચકો ના પ્રશંસા કરતાં ફોન આવવા લાગ્યા એ મને ગમવા માંડ્યુ. જેથી મને થોડું ઘણું લખવાની ઈચ્છા થવા લાગી. જોકે લખતા લખતા વચ્ચે દિકરાના વિચારો આવતાં અને હું રડી પડતી. મને જિંદગી જીવવાની ઈચ્છા જ થતી ન હતી. એવામાંજ મારા પતિ એ મારી લખેલી વાર્તા ઓ "સ્ટોરી મિરર"માં મુકવા માંડી.
ઓક્ટોબર મહિનામાં એક મેસેજ આવ્યો કે મને લિટરેચર કર્નલની પદવી આપવામાં આવે છે. મારા ઉત્સાહમાં વધારો થયો. તે બનાવ પછી હું ઉત્સાહથી લખતી હતી. પરિણામ સ્વરૂપે ઓક્ટોબર મહિનામાં મને "ઓથર ઓફ ધ વીક"નો એવોર્ડ મળ્યો હું લગભગ જુની વાતો ભુલી જ ગઇ હતી. મારી જિંદગી મારી વાર્તા ઓ બની ગઈ હતી. હું ઓનલાઇન વાર્તા ઓ મુકતી.
ફરીથી બધા મેગેઝિનોમાં લખવાનું ચાલુ કર્યુ. હું પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગી. કયારેક કયારેક દિકરાની યાદ આવતી. પરંતુ જયારે "સ્ટોરી મિરર"મા સળંગ એક મહિના સુધી જુદા જુદા વિષયો આપતાં ત્યારે તો મારા જીવનમાંથી નિરાશા એ સંપૂર્ણ વિદાય લઈ લીધી હતી. કારણ એમની વિષયોની અદભૂત પસંદગી, એ બાબતમાંજ વિચારવાનું એમાં તો નિરાશાને પ્રવેશ બંધી થઈ ગઈ. જે વિષય પર લખવાનું હોય એ સિવાય બીજાે વિચારજ કયાંથી આવે. સ્પર્ધામાં નંબર આવે કે ના આવે પરંતુ નિરાશા સામે તો હું જીતી ગઈ છું.
મને લાગે છે કે ૨૦૧૯નુ વર્ષ મારા માટે સુખનો સંદેશ લઈ ને મારી જિંદગી છલોછલ સુખથી ભરેલી બની ને રહી.