Prashant Subhashchandra Salunke

Children Stories Fantasy Inspirational

4.4  

Prashant Subhashchandra Salunke

Children Stories Fantasy Inspirational

સાચો જીન્ન

સાચો જીન્ન

6 mins
445


“દોસ્ત સુધીર, મારા ઘરની હાલત ખૂબ ખરાબ છે. પંદર દિવસથી બાળકોએ ભરપેટ ખાધું પણ નથી. કૃપા કરી કંઈક મદદ કર.”

સુધીરે પાકીટમાંથી થોડા રૂપિયા કાઢી મંગેશના હાથમાં મૂક્યા. એ જોઈ મંગેશની આંખમાંથી અશ્રુ વહી પડ્યા. “દોસ્ત, વર્ષો પહેલા મેં તારી ખૂબ મજાક ઊડાવી હતી પરંતુ તેં એ મનમાં ન રાખતા આજે મારી મદદ કરી છે. ખરેખર, તારું હૃદય ખૂબ વિશાળ છે.”

મંગેશે મુસ્કરાઈને કહ્યું, “એક દોસ્ત બીજા દોસ્તની મદદ નહીં કરે તો કોણ કરશે ? તને જયારે પણ કોઈ તકલીફ હોય ત્યારે ખચકાટ રાખ્યા વગર મારી પાસે આવજે. હું યથાશક્તિ તને મદદ કરવાનો પ્રયત્ન કરીશ.”

સુધીરે મંગેશનો આભાર માન્યો અને ત્યાંથી જવા નીકળ્યો. હજુ થોડેક જ દૂર ગયો હશે કે તેના પગ અટક્યા. તેના મનમાં ગડમથલ ચાલી રહી હતી. આખરે પોતાની મૂંઝવણનું નિરાકરણ કરવા તે પાછો વળ્યો અને બોલ્યો. “દોસ્ત, ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછું ?”

મંગેશે કહ્યું, “જરૂર.”

“એ દિવસે તું ગુફામાંથી ખાલી હાથ આવ્યો હતો. તો પછી તારી પાસે આટલી ધન દોલત ક્યાંથી આવી ?”

મંગેશની આંખ સામે વર્ષો પહેલાની ઘટના તાદ્રશ્ય થઈ.

*****

મંગેશ અને સુધીર બંને મિત્રો જંગલમાં ફરવા ગયા હતા. જંગલમાં ફરતા ફરતા તેઓને સમય અને દિશાનું ભાન જ રહ્યું નહોતું. પોતે જંગલમાં ખોવાઈ ગયા છે આ વાતનું ભાન થતા તેઓ ડરી ગયા. અંધકારે પણ જંગલ પર પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. દૂરદૂરથી સંભળાઈ રહેલા જંગલી પ્રાણીઓના અવાજ સાંભળીને તેઓ ખૂબ ડરી ગયા હતા. ઓચિંતી મંગેશની નજર એક ગુફા પર ગઈ. “સુધીર, રાતના સમયે જંગલમાં ફરવું જોખમી છે. અંધારામાં ભટકવા કરતા આપણે આ ગુફામાં જ આશરો લઈએ તો ?”

સુધીરને મંગેશનો વિચાર ગમ્યો. રાતે ગુફામાં રોકાઈ સવારે માર્ગ શોધવા નીકળશું આમ નક્કી કરી બંને મિત્રો ગુફામાં પ્રવેશ્યા.

“મંગેશ, ગુફાની અંદર તો ગાઢ અંધકાર છે. મને તો ખૂબ બીક લાગી રહી છે.”

મંગેશે સુધીરને સાંત્વના આપતા કહ્યું, “ચિંતા ન કરીશ. જંગલમાં કેમ્પ ફાયર કરીશું એમ વિચારી હું મારી સાથે માચીસ લાવ્યો છું. ગુફામાં સલામત જગ્યા જોઈ આપણે ત્યાં તાપણું કરીશું.”

એક સલામત જગ્યા જોઈ બંને મિત્રો ત્યાં રોકાયા. મંગેશે આસપાસનો સૂકો કચરો ભેગો કરી તેનું તાપણું કર્યું. તાપણું પ્રગટતા જ ગુફામાં અજવાસ પથરાઈ ગયો.

સુધીરે રાહતનો શ્વાસ લીધો.

“ગુફામાં કોઈ ઝેરી જીવજંતુ તો નહીં હોય ને ?” આમ વિચારી મંગેશ ગુફાની ચોમેર નજર ફેરવી તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો. ઓચિંતી તેની નજર એક ખૂણામાં જતા એ અચંબો પામી ગયો. “સુધીર, એ ખૂણામાં જો શું છે ?”

મંગેશે જે દિશામાં આંગળી ચીંધી હતી ત્યાં નજર કરતા સુધીરને એક વસ્તુ ઝગમગ કરતી દેખાઈ. “આ શું બલા છે ?”

મંગેશ પોતાની જગ્યાએથી ઊભો થયો અને એ વસ્તુની નજીક જઈ તેને ઊઠાવતા બોલ્યો, “અરે વાહ! આ તો કોઈ ચિરાગ લાગે છે.”

સુધીરે કુતુહલતાથી કહ્યું, “મંગેશ, આ ચિરાગ અલ્લાદીનના ચિરાગની જેમ જાદુઈ તો નહીં હોય ને ?”

“અરે! ના રે ના. એવા જાદુઈ ચિરાગ તો ફક્ત વાર્તાઓમાં જ જોવા મળે છે.”

“છતાંયે આપણે તેને એકવાર ઘસી જોઈએ તો ? શું ખબર તેમાંથી જીન્ન નીકળી આવે.”

આ સાંભળી મંગેશ હસી પડ્યો.

“મંગેશ, એકવાર ચિરાગને ઘસી તો જો.”

“ઠીક છે બાબા. હું ચિરાગને ઘસી જોઉં છું.” આમ કહી મંગેશે ચિરાગ પર આંગળી ઘસતા કહ્યું, “લે ઘસ્યો ચિરાગ. ક્યાં છે જીન્ન ! મેં કહ્યું હતું ને કે આવા જીન્ન માત્ર વાર્તાઓમાં જોવા મળે છે.”

મંગેશ આમ બોલી જ રહ્યો હતો ત્યાં ચિરાગમાંથી ધુમાડો નીકળવા માંડ્યો અને જોતજોતામાં તો એ ધુમાડાએ પ્રચંડ માનવ આકૃતિ ધારણ કરી. અટ્ટહાસ કરતા એ આકૃતિ બોલી, “હે માનવો, તમે મને આ ચિરાગમાંથી આઝાદ કરાવી મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તમારા આ ઉપકારના બદલામાં હું તમારી કોઈપણ એક ઈચ્છા પૂર્ણ કરીશ.”

“તમે જીન્ન છો ?” મંગેશે નવાઈ પામતા પૂછ્યું.

“હા”

“એટલે તમે ખરેખર અમારી કોઈપણ એક ઈચ્છા પૂર્ણ કરશો ?” સુધીરે અચરજથી પૂછ્યું.

“હા. પરંતુ મારી પાસે તમે જે પણ ઈચ્છા માંગશો તે ખૂબ વિચારીને માંગજો.”

“તમે અમને જે માંગીશું તે આપશો ?” બંનેએ એકીસાથે પૂછ્યું.

“હા, ભાઈ હા.” જીન્ને મુસ્કુરાઈને કહ્યું “પરંતુ એક શરત છે ?”

“શરત ! કેવી શરત ?”

“તમારી ઈચ્છા હું ત્યારે જ પૂર્ણ કરી શકીશ જયારે ઈચ્છા માંગનાર અને હું અમે બંને જ આ ગુફામાં હાજર હોઈએ.”

“મતલબ ? અમારામાંથી કોઈ એક ઈચ્છા માંગે ત્યારે બીજાને ગુફાની બહાર જતા રહેવું પડશે. એમ જ ને ?”

“બરાબર.”

“અમને મંજૂર છે.”

“તો તમારામાંથી પહેલા કોણ ઈચ્છા માંગશે ?”

મંગેશે કહ્યું, “ચિરાગ મેં ઘસ્યો છે એટલે ઈચ્છા પણ હું જ પહેલો માંગીશ.”

સુધીર હકારમાં માથું હલાવી ગુફાની બહાર જતો રહ્યો. થોડીવારમાં મંગેશ થેલો ઊઠાવી ગુફામાંથી બહાર આવતા બોલ્યો, “સુધીર, મેં તો જીન્ન પાસે અઢળક પૈસો માંગી લીધો છે. હવે તું પણ જઈને ખૂબ પૈસા માંગી લે જે. દોસ્ત, આપણી તો ગરીબી હટી ગઈ.”

થોડીવારમાં સુધીર ગુફામાંથી બહાર આવ્યો. બહાર સારું એવું અજવાળું ફેલાઈ ગયું હતું. ગુફામાંથી બહાર આવેલ સુધીરના ખાલી હાથ જોઈ મંગેશે પૂછ્યું, “આ શું ? તેં જીન્ન પાસે કશું માંગ્યું નહીં !”

સુધીરે કહ્યું, “મંગેશ, મેં જે માંગ્યું છે એ સાંભળીને તું મારી મજાક ઉડાવીશ.”

સુધીરે કહ્યું, “તારી મજાક તો હું આમપણ ઉડાવવાનો જ છું. અરે ભાઈ ! લક્ષ્મી ચાલ્લો કરવા આવી ત્યારે તું મોઢું ધોવા જતો રહ્યો ! મારી જેમ જીન્ન પાસે અઢળક ધન સંપતિ માંગી તું તારા પરિવારની ગરીબી હટાવી શક્યો હોત. પરંતુ નહીં. ગુફામાં ગયો હતો હીરો બનવા અને બહાર આવ્યો જીરો બનીને.” આમ બોલતાની સાથે મંગેશ ખડખડાટ હસવા માંડ્યો.

આ જોઈ સુધીર બોલ્યો, “મંગેશ, માણસ પાસે ગમે તેટલી સંપતિ હોય છતાંએ એ તેને ખૂટે જ છે.”

આ સાંભળી મંગેશ વધુ જોરથી હસવા માંડ્યો.

સુધીરે વાત ફેરવવા કહ્યું, “આ જંગલમાંથી બહાર કેવી રીતે નીકળીશું તે અંગે કંઈક વિચાર્યું છે ?”

મંગેશે ખડખડાટ હસતા કહ્યું, “મને એમ કે તે જીન્ન પાસે જંગલમાંથી બહાર નીકળવાની ઈચ્છા માંગી હશે.”

બંને જણાએ શહેરની બહાર નીકળવા પગ ઉપાડ્યા. ટૂંક સમયમાંજ તેમને માર્ગ મળી ગયો. મંગેશ આખા માર્ગમાં સુધીરની મજાક ઉડાવતો રહ્યો હતો.

*****

સુધીરને ઉપરોક્ત પ્રસંગ યાદ આવતા તેણે આગળ કહ્યું, “મંગેશ મેં તને કહ્યું હતું ને કે માણસ પાસે ગમે તેટલી સંપતિ હોય છતાંએ એ તેને ખૂટે જ છે. તું હોશિયાર હતો પરંતુ ધન મળતા જ તું અભ્યાસ છોડી મોજશોખમાં ગરકાવ થઈ ગયો હતો. જેમ મધ પડતા માખો આવે તેમ તારી પાસે રૂપિયો આવતા દુર્જન મિત્રોએ તને ઘેરી લીધો હતો. તેઓએ તને શરાબ અને દારૂની તને લત લગાડી. તેમની સંગતમાં તું જુગાર પણ રમતો થઈ ગયો. જોકે તેમાં તારો કોઈ દોષ નથી. સંપતિ ભલભલાની મતિ ભ્રષ્ટ કરતી જ હોય છે. તારી સાથે પણ એ જ થયું, પરિણામે તારી બધી સંપતિ ખલાસ થઈ અને તું પહેલા કરતા બદતર હાલતમાં જીવવા મજબૂર થઈ ગયો.”

મંગેશે કહ્યું, “ઠીક છે દોસ્ત મેં ધન દોલત માંગી. પરંતુ તેં શું કર્યું ? તક આવી ત્યારે તું તો ખાલી હાથ ગુફામાંથી બહાર નીકળી આવ્યો હતો.”

સુધીર, “હું ખાલી હાથ નહોતો આવ્યો પરંતુ એવી દોલત લઈને આવ્યો હતો જે કોઈ મારી પાસેથી ઝુંટાવી શકે નહીં.”

મંગેશ, “એવી તો કઈ દોલત તે જીન્ન પાસે માંગી હતી ?”

સુધીર, “વિદ્યા. એ દિવસે મેં જીન્ન પાસે વિદ્યાનું વરદાન માંગ્યું હતું. વિદ્યાના જોરે જ મેં ઉચ્ચ ડીગ્રી મેળવી સારી નોકરી પર લાગ્યો. આજે મારી પાસે એ બધું છે જે તેં એ દિવસે જીન્ન પાસે માંગ્યું હતું.”

મંગેશ નીચું જોઈ ગયો.

સુધીરે કહ્યું, “દોસ્ત, જે થયું તે થયું પરંતુ હવે હું તને એક વિનંતી કરું છું. જ્ઞાન અને વિદ્યા કરતા બીજી કોઈ મોટી દોલત આ દુનિયામાં નથી. તું તારા સંતાનોને તે દોલત આપ. તેમને સારી નિશાળમાં દાખલો અપાવી ખૂબ ભણાવ. આ માટે જે કંઈ ખર્ચો થશે એ હું તને આપીશ. તેમના ફીની, પુસ્તકોની કોઈ ચિંતા તું કરતો નહીં. જોજે થોડાક જ વર્ષોમાં તારા દીકરા કાબિલ બની તારી બધી દરિદ્રતા હટાવશે.”

મંગેશ બે હાથ જોડતા બોલ્યો, “એક વાત કહું દોસ્ત. મને એ દિવસે નહીં પરંતુ આજના દિવસે મળી ગયો છે સાચો જીન્ન.”


Rate this content
Log in