Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

સાચી ભેટ

સાચી ભેટ

8 mins
13.3K


"અરે આટલા જલ્દી કેમ ઊઠી ગયા? હવે આ ઉંમરે જરા વિશ્રામ પણ લો..." મમ્મીના શબ્દો સાંભળતાજ પપ્પા સમાચાર પત્ર ઉઠાવી ગુસ્સામાંજ બહાર વરન્ડા તરફ જતા રહ્યા.

"મમ્મી તું પણ આમ...?" મમ્મીને સમજાવા ગયો કે એમનો ગુસ્સો મારી ઉપર ઠલવાયો  :

"તો શું ખોટું કહ્યું? એમની ચિંતા કરું એજ મારો વાંક?"

"જો તું એમની ખરેખર ચિંતા કરતી હોય તો એમની સાથે એવુંજ વર્તન કર જેવું એમના રિટાયર્ડ થવા પહેલા કરતી હતી... વાતે વાતે આરામ કરવાની વાત ન કર પ્લીઝ..." મારી સામે સમજદારીપૂર્વક ડોકું હલાવી હામી ભરતી એ રસોડામાં જતી રહી.

માનવજીવનનું પહેલું સોપાન એટલે શાળા, કોલેજ, યુનિવર્સીટીનો અભ્યાસ સફર. બીજું સોપાન એટલે કારકિર્દી, વ્યવસાયિક જીવનને જવાબદારીઓની પૂરતી અને છેલ્લું સોપાન એટલે 'રિટાયરમેન્ટ' નિવૃત્તિનો સમયગાળો.

પપ્પા પોતાના જીવનના આ ત્રીજા છેલ્લા સોપાનમાં પ્રવેશ્યા ત્યારથીજ એમના સ્વાભાવમાં ખૂબજ તફાવત આવી ગયો. એક સફળ વિદ્યાર્થી, એક સફળ બેંકર તરીકે જીવના પહેલા બંને પાસાઓમાં અતિઉત્તમ પ્રદર્શન આપ્યા પછી આ ત્રીજું સોપાન એમને માનસિક રીતે પજવી રહ્યું હતું. એ હું તદ્દન સ્પષ્ટપણે જોઈ શકતો હતો.

સ્વાભિમાન અને પુરુષાર્થના પર્યાયી મારા પપ્પાએ પોતાનું સમગ્ર જીવન પૂરી ધગશ અને નિયમિતતાથી વિતાવ્યું હતું. મારા દાદાને છ દીકરાઓ અને બે દીકરીઓ એટલે કે ફૂલ આઠ બાળકો હતાં. એમાં પપ્પા સૌથી નાના. તે સમયગાળામાં બાળકોની કારકિર્દી ઘડવાની આજ જેવી હરીફાઈઓ ન હતી. બાળકો મોટા થઈ પોતાનું જીવન જીવતા શીખીજ લેશે, એવી વિચારધારોની વચ્ચે ઉછેર પામેલા પપ્પાએ ખૂબજ નાની ઉંમરે સ્વનિર્ભરતા ગ્રહણ કરી લીધી હતી.

અભ્યાસની સાથે સાથે છૂટક કાર્યો કરી એ જીવન ચલાવવાની તાલીમ પણ લઈ ચૂક્યાં હતાં. 'અન વાઈલ યુ લન'ની આધુનિક વિચારશ્રેણી તો પપ્પાએ ઘણાં વર્ષો અગાઉજ જીવનમાં ઉતારી લીધી હતી.

મમ્મી સાથે લગ્ન કરી ભાડેના એક નાનકડા ફ્લેટમાં એમનું લગ્નજીવન આરંભ્યું.

મમ્મી પણ એક મધ્યમવર્ગીય કુટુંબમાંથીજ આવી હતી. પપ્પાના સંઘર્ષમાંએ ખભેથી ખભો મેળવી ચાલવા માંડી. પપ્પા પાસે એને આપવા માટે સોનાનાં દાગીનાઓ, ડિઝાઈનર વસ્ત્રો, મોંઘી કટલેરી, આરામદાયક કાર ભલે ન હતા, પણ હા, એ મમ્મીને રાણી જેમ તો રાખતાંજ. એ નાનકડા ફ્લેટની એ રાણી જ તો હતી. જે રીતે રહેવું હોય, જે કરવું હોય, જ્યારે ઊઠવું હોય, રવિવારે એનું રસોડું બંધ!

દર રવિવારે તો બહારજ જમવાનો  ક્રમ... ફાઈવ સ્ટાર હોટેલમાં નહીં... પણ રસ્તા પરની નાની હોટેલો કે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઉપર... પણ પતિનો હેત માથે હોય તો એવા  સ્ટ્રીટ ફૂડની સામે ગમે તેવા મોંઘા કેન્ડલ લાઈટ ડિનર પણ ઝાંખા પડી જાય...

પતિનાએ મધ્યમ વર્ગીય સ્કૂટર ઉપર ફરતી હોય ત્યારે એના ચ્હેરા પરની ખુશી એના ધનવાન હોવાનો પુરાવો આપી જતી. આખરે વ્યક્તિની આંતરિક ખુશીને સંતોષનું પ્રમાણ જ એનું સાચું પ્રારબ્ધ !

જૂની પેઢી પ્રેમમાં દાખવતી એ ધીરજ અને પરિપક્વતાને લીધેજ સો વ્યક્તિઓ જોડે એક એક વાર સંબંધ વિચ્છેદ એટલે કે 'બ્રેકઅપ' કરવાની જગ્યા એ એકજ  વ્યક્તિ  જોડે જ અનેકવાર 'બ્રેકઅપ'ને શીઘ્ર 'પેચઅપ' કરી લેતી અને તેથીજ એમના સંબંધો પણ આજીવન ટકતા !

મારા જન્મ પછી તો જાણે બંનેના જીવનનું એકજ લક્ષ્ય બની રહ્યું, મારો યોગ્ય ઉછેર. એ લક્ષ્યની પાછળ બંને એ દિવસ રાત એક કરી નાખ્યા. એકનો એક દીકરો. એના માટે બધુજ કરી છૂટવા બંને એ કમર કસી નાખી.

બાળપણમાં મારી પાસે બહુ મોંઘા રમકડાંઓ કે વિડિઓ ગેમ્સ ન હતા... પણ મારા પપ્પા હતા... એક બાળકને સૌથી સારી ભેટ કોઈ મળે તો એ એના માતા પિતાનો સમય, ફક્ત સમય નહીં, ગુણવત્તા યુક્ત સમય... મારું બાળપણએ ભેટથી પૂરેપૂરું ભાગ્યશાળી બની રહ્યું.

રમતના મેદાનમાં સાથે દોડવાથી લઈ શાળાના ઘરકામ ઉકેલવા સુધી, મારા નાનકડા મગજના તાર્કિક અતાર્કિક વિચારો સાંભળવાથી લઈ મારી દરેક મૂંઝવણોને દૂર કરવા સુધી, મારી અંદર લાગણીઓનું સિંચન કરવાથી લઈ મને વ્યવહારુતા અને દુનિયાદારી શીખવવા સુધી, મારી અપેક્ષાઓ પૂરી કરવાથી લઈ મારી દરેક નકામી જીદ્દ તોડવા સુધી એ દરેક પગલે મારી પડખે હતા.

પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક, સહનશીલતા પૂર્વક મારા અભ્યાસને ઉછેરમાં કોઈ કમી રહી ન જાય એ માટે પોતાની બેંકરની નોકરી જોડે કેટલાક ઉપલકના કાર્યો પણ કરી નાખતા. કામ  કરવામાં કોઈ પ્રકારની શરમ કે સંકોચ ન રાખવા.

ગમે તેટલું નાનું કાર્ય તક આવે ઉપાડીજ લેવું. કાર્ય નાનું કે મોટું કદી ન હોય. નાની કે મોટી તો ફક્ત વ્યક્તિની વિચારશરણી હોય. એજ એમનું જીવનમંત્ર!

ઓવરટાઈમ કરીને ઘરે આવેલ એ ચ્હેરો મારી સામે હંમેશા પ્રફુલ્લિત રહેતો પણ રાત્રે ઊંઘતા પપ્પાના પગ ઉપરના સોજા હું સતત જોતો રહેતો.

આ બધાની વચ્ચે મારી કારકિર્દી, કોલેજ યુનિવર્સીટીનો અભ્યાસ, એક્સ્ટ્રા ટ્યુશનને ગમતા કોર્સની ફીની વ્યવસ્થા કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા.

ભાગ્ય પણ શ્રમનેજ સાથ આપે. આખરે પોતાની મહેનત અને પરિશ્રમથી એમણે પોતાનું આ નાનકડું ઘર વસાવ્યું. ભાડેવાળું ફ્લેટ જાતે ખરીદી એને અન્ય લોકોને ભાડે આપવા લાગ્યા.

આ બધાની વચ્ચે મારો સોફ્ટવેરનો અભ્યાસ પૂરો થયો અને આખરે હું પગ પર ઊભો થયો. મારા પગાર જમા કરવા માટે મેં એમને જોઈન્ટ એકાઉન્ટનો અભિપ્રાય આપ્યો પણ  મારા સ્વાભિમાની પપ્પાએ સ્પષ્ટના પાડી :

"તારો ઉછેર મારી ફરજ હતી. એનાં બદલામાં કઈ પણ પરત મેળવવાની નિયત નહીં ! હવે તું પણ તારું કૌટુંબિક જીવન આરંભીશ. એ માટે અત્યારથીજ બચતની ટેવ પાડ. જરૂર વિનાના ખર્ચાઓ કરીશ નહીંને યોગ્ય સ્થળે ખર્ચવામાં હાથ રોકીશ નહીં." આ ટૂંકા શબ્દોમાં જાણે આખો જીવન અનુભવ ઠલવાઈ રહ્યો.

મારી નોકરી શરૂ થવાના બે વર્ષ પછીજ પપ્પા નિવૃત્ત થયા. પેંશનની રકમ એમની આવકનું એકમાત્ર માધ્યમ બની રહી. મારો પગાર સારો એવો હતો પણ જ્યારે પણ એ વાત છેડતો એમનું આત્મસમ્માન ઘવાતું.

એ સમજી જતા હું પણ એ વિશે વાત છેડતો જ નહિ. શરૂઆતમાં એમણે ઘરની નજીક એક મોલના કાઉન્ટર ઉપર નોકરી શોધી કાઢી. આજીવન સક્રિય રહેનાર વ્યક્તિને આમ અચાનક ઘરમાં બેસવું પડે ત્યારે કેવી મનોદશા થતી હશે. એ  હું ફક્ત વિચારી શકું, અનુભવી તો નજ શકું !

તેથી હું એમના નિર્ણયને માન આપવા લાગ્યો અને એકાંતમાં મમ્મીને પણ સાથ સહકાર દર્શાવવા મનાવી લીધી. પણ થોડાજ દિવસો પછી એમની જગ્યાએ કોઈ યુવાનને કામ પર રાખી મોલમાંથી એમને છૂટા કરી દેવાયા. ઉપરથી એમના ફ્લેટના છેલ્લા ભાડુતો એ ફ્લૅટ ઉપર એક પ્રકારે કબ્જો કરવાનો પ્રયાસ કર્યો અને લાંબીલચક કાયદાકીય પ્રક્રિયા પછી ફરીએ ફ્લેટ હાથ આવ્યો.

હવે કોઈ નવા ભાડુતને ફ્લેટ આપવાનો જાણે વિશ્વાસ જ જતો રહ્યો. આવકનું એ માધ્યમ પણ બંધ થયું અને બીજી તરફ આ ઉંમરે નોકરીઓ મેળવવામાં એક પછી એક સાંપડતી નિષ્ફ્ળતા. આ બંને પરિસ્થિતિથી એ માનસિક પણે હતાશામાં ઘેરાવા લાગ્યા. 'ડિપ્રેશન'થી જીવલેણ બીજું શું? એમની એ હતાશાની આડઅસર સંબંધો ઉપર પડવા લાગી. વાતે વાતે ચીઢ, નકામો ગુસ્સો, બિનજરૂરી પ્રતિક્રિયાઓથી મમ્મી પણ  અકળાવા લાગી.

આખો દિવસ હું તો જોબ પર હોઉં. રાત્રે કામથી નિધાળ જલ્દી ઊંઘી જાઉં. પણ પપ્પાની પાસે પ્રવૃત્તિને નામે ફક્ત ઊંઘવું, જાગવું, જમવું. આરામથી એમને તિરસ્કાર છૂટવા લાગ્યો. મમ્મીને ઘરના કાર્યોમાં થોડી મદદ કરવા સિવાય કંઈજ સક્રિય પ્રવૃત્તિ બચતી નહીં.

ટીવીમાં સમાચાર સિવાય કશું ગમતું પણ નહીં. એમને મતે ટીવી એટલે સમયનો વ્યય કરતો 'ઈડિયટ બોક્સ'.

આખો દિવસ મોટાભાગનો સમય એ પોતાના 'ચેસ બોર્ડ' સાથે જ એકલા વિતાવતા. મમ્મીને તો એ રમતમાં જરાય રસ નહીં, મારી જેમજ. મને પણ આઉટ ડોર સપોર્ટ જ ગમતા. બાળપણમાં એકાદવાર પપ્પાએ ચેસના નિયમો શીખવાડવાનો પ્રયાસ કરી જોયો હતો. પણ મારી અરુચિ અને નીરસતા નિહાળી એમણે એ પ્રયાસ પડતો મૂક્યો હતો.

મમ્મી કહેતી પપ્પાને બાળપણથીજ ચેસ રમવું ખૂબજ ગમતું. યુવાનીમાં એમણે ચેસની રમતમાં સ્ટેટ લેવલ સુધી ભાગ પણ લીધો હતો.

રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધાઓમાં ઘણી ટ્રોફી અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. પણ એમની આ સિદ્ધિઓને પરિવાર તરફથી યોગ્ય પ્રતિસાદ સાંપડયા ન હતા.

પરિવાર તરફની અવગણના, ઉપેક્ષા, નાની વયે જીવન એ ખભે મૂકેલ મોટી જવાબદારીઓ, કુટુંબની જવાબદારી, પત્નીની સંભાળને મારા પ્રત્યેની ફરજની ચક્કીમાં એમના એ રમતમાં આગળ વધવાના તમામ સવ્પ્નો સંપૂર્ણ પણે પીસાય ગયા. આજે પણ જ્યારે એ પોતાની જ જોડે ચેસ રમતા હોય ત્યારે એ તૂટેલું સ્વપ્ન એમની નિરાશ આંખોમાં ડોકાયા વિના ન જ રહેતું.

આવતે મહિને પપ્પાનો જન્મ દિવસ હતો. એમને હું એક એવી ભેટ આપવા ઈચ્છતો હતો જે એમને આ હતાશાને નિરાશામાંથી બહાર ખેંચી લાવે.

એમની આ પરિસ્થિતિમાં હું એમની પડખે રહેવા ઈચ્છતો હતો. એમની મૂંઝવણને ધીરજ અને પ્રેમથી દૂર કરવા ઈચ્છતો હતો તદ્દન એજ રીતે જે રીતે એઓ મારા જીવનની દરેક સમસ્યાઓને મૂંઝવણોમાં મારી પડખે ઊભા રહેતા સંપૂર્ણ હેત ને ધૈર્ય સાથે !

અચાનક જ મારા મગજમાં કંઈક ઝબક્યું ને હું સીધો રિસાયને વરન્ડામાં એકલા અટૂલા ચેસ રમવામાં વ્યસ્ત પપ્પા આગળ ઊભો થયો. સમય વેડફ્યા વિનાજ સીધો પ્રશ્ન પૂછી નાખ્યો :

"પપ્પા પૈસા જોઈએ છે... ઉધાર... પરત કરી દઈશ."

બાળપણથીજ સ્વનિર્ભરતા પચાવી ચૂકેલ એ વ્યક્તિ એ પોતાના યુવાન પુત્રના મોઢે આ પ્રકારની માંગણી સાંભળતાજ આશ્ચર્યને આઘાતના ભાવો પ્રગટાવ્યા પણ પછી ચેકબુક કાઢી પેન તૈયાર પણ કરી લીધી. "કેટલા?"
"પંદર હજાર.." જવાબ તૈયાર જ હતો.

સાઈનવાળો ચેક મારા હાથમાં પહોંચ્યો. એકપણ શબ્દ પૂછ્યા વિનાજ પોતાની પેંશન બચતમાંથી એ રકમ મને વિશ્વાસ સહીત થમાવી એ ફરીથી પોતાની રમતમાં ડૂબી ગયા...

પપ્પાના જન્મ દિવસે એમને ભેટ આપવા હું મમ્મી પપ્પાને અમારા એ જૂના ફ્લેટ પર લઈ ગયો. એક ભેટ આપવા આમ દૂર જવાની શી જરૂર? ભેટ તો ઘરમાં પણ આપી શકાય ને? એમના કોઈ પણ પ્રશ્નનો મેં ઉત્તર જ આપ્યો નહીં કારણકે એ બધાજ ઉત્તર એ ફ્લેટમાંજ બંધ હતા.

ફ્લૅટનું બારણું નવું નવું રંગાયું હતું. બારણું શું આખા ફ્લૅટનુંજ 'રિનોવેશન' થઈ ચૂક્યું હતું. બારણાં ઉપર ટંગાયેલુ વિશાળ સાઈન બોર્ડ આંખોને ચમકાવી રહ્યું હતું. એના પર ચમકી રહેલ શબ્દોથી પપ્પા પણ ચમકી ઊઠ્યા :

'પ્રોફેશનલ ચેસ ટ્રેનિંગ સેન્ટર'

બારણું ખુલતાંજ પહેલેથી અંદર હાજર પચ્ચીસ બાળકો અને એમના વાલીઓએ તાળી ઓથી 'ઈનોગ્રેશન'ની પ્રક્રિયાને વધુ આનંદિત અને ઉત્સાહિત બનાવી.

ફ્લૅટની અંદરનો નકશો સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો. જૂના ફર્નિચરને સ્થળે ત્રીસેક જેટલા નવા ટેબલ, દરેક ટેબલ ઉપર સામસામી બે ખુરશીઓ, ચેસના પ્રોફેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરના મૅટ, ચેસના મહોરાંઓ, દરેક ટેબલ ઉપર ગોઠવાયેલી ચેસ માટેની વિશિષ્ટ સ્ટોપ વોચ, ફ્લેટની દીવાલો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ રમતવીરોની તસવીરો, સંપૂર્ણ પ્રેરણાદાયી વાતાવરણ !

બિલકુલ મધ્ય દીવાલ ઉપર પપ્પાની ટ્રોફીઓને સર્ટિફિકેટ...

દંગ બની મને તાકી રહેલ પપ્પાની આંખોમાં વિસ્મય અને ખુશીનું સંમિશ્રણ છલકાયું. એમની વિસ્મયતાને ઉકેલતા મારા હાથ એમના ખભાને સ્પર્શ્યા.

"આપની પાસે ઉધાર લીધેલી એ રકમનું આનાથી સુંદર રોકાણ શક્યજ ન હતું. સોસીઅલ મીડિયા પર કોચિંગ ક્લાસની જાહેરાત નાખીને આપના પહેલા પચ્ચીસ વિદ્યાર્થીઓ આપની સામે છે."

આંખો પરથી ચસ્મો ઉતારી ભીંજાયેલા ખૂણા સાફ કરી કોચ એ દિવસથીજ ડ્યૂટી પર લાગી ગયા.

વિદ્યાર્થીઓને એક અનુભવી કોચ મળી ગયા, પપ્પાને પોતાનું ખોવાયેલું સ્વપ્ન. મને અને મમ્મીને પહેલાં જેવા ઉત્સાહી, ધગશી અને ધ્યેયયુક્ત પપ્પા ફરી મળી ગયા.

આજે એમના ટ્રેનિંગ સેન્ટર શરૂ થવા અને બે વર્ષ પૂરા થયા. એમના ઉત્સાહની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. રવિવારે સ્પેસીઅલ બેચ પણ ચાલે છે. એમના કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળી ચૂક્યા છે.

એક વિદ્યાર્થીની તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર થઈ રહી છે. દેશમાં યોજાતી ઓપન ચેસ ટુર્નામેન્ટમાં પોતે પણ અચૂક ભાગ લે છે. એમની ટ્રોફીને સિર્ટીફીકેટમાં પણ ખાસ્સો વધારો થયો છે. મમ્મી પણ એસીસ્ટન્ટની જોબ બખૂબી નિભાવે છે.

નિરાંતના સમયમાં નવા વસાવેલા ટેબ્લેટ ઉપર એ ચેસની સેલ્ફ પ્રેકટીસ કરતા રહે છે. પણ સૌથી મહત્વની વાત એજ કે જીવનનું નિવૃત્તિવાળું સોપાન એ સફળતાથી પાર પાડી રહ્યા છે !

જે માતા પિતા આપણા જીવન સ્વપ્ન પૂર્ણ કરાવવા પોતાના સ્વપ્નને ત્યાગી દે છે, એ માતાપિતાની એમના ખોવાયેલ સ્વપ્ન સાથે ફરી ભેટ કરાવી આપવી. એક સંતાન તરફથી માતાપિતાના ત્યાગ અને પ્રેમને સત્કારવા આનાથી ઉત્તમ કઈ ભેટ હોય શકે?


Rate this content
Log in