સાબર અને જંગલી કુતરાઓ
સાબર અને જંગલી કુતરાઓ


એક સાબર પાણી પીવા તળાવ પાસે ગયું. ત્યાં પાણીની અંદર એણે પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબમાં પોતાના રૂડા રૂપાળા શીંગડા જોઈ એ જોરથી બોલ્યું, “વાહ ! વાહ ! ભગવાને મને કેટલા સુંદર શીંગડા આપ્યા છે !”
તે પાણીમાં પ્રતિબિંબ નિહાળતું જ હતું કે તેની નજર એના પગ પર પડી એ જોઈ સાબર બોલી ઉઠ્યું “છી...છી... મારા પગ કેવા પાતળા અને કદરૂપા છે ! ભગવાને મને આવા ગંદા પગ કેમ આપ્યા?” ત્યાંજ હરણને જંગલી કુતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો એણે પાછળ વળીને જોયું તો જંગલી કુતરા એની એકદમ નજીક આવી ગયાં હતાં. જીવ બચાવવા તે પોતાના લાંબા અને પાતળા પગ વડે ઠેકડા મારતું ત્યાંથી ભાગ્યું. અને જોત જોતામાં તો કુતરાઓથી ઘણે દુર જતું રહ્યું.
અચાનક એક ગીચ ઝાડીમાં સાબરના શીંગડા ફસાઈ ગયાં. શીંગડા કાઢવાનો એણે ખૂબ પ્રયત્ન કર્યો પણ એના શીંગડા ઝાડીમાં બરાબરના ગૂંચવાઈ ગયેલા હોવાથી તે નીકળ્યા નહીં, તેથી પાછળથી આવતા જંગલી કુતરોઓએ સાબરને આરામથી ઘેરી લીધું, “જે પગને એ ગાળો આપતું હતું તે પગ જ એને બચાવતું હતું અને જે શીંગડાની સુંદરતાનો એને ગર્વ હતો તે શીંગડાએ જ એને ફસાવ્યું.” તે આમ અફસોસ કરતું જ હતું કે જંગલી કુતરા એની પર ત્રાટકી પડ્યા અને એ સાબરને ફાડી ખાધું.