રૂપાળું મારું ગામડું !
રૂપાળું મારું ગામડું !
ઉત્તર ગુજરાત પંથકના બનાસકાંઠા જિલ્લાના ફૂલોનાં શહેર પાલનપુરનું એક લીલુંછમ ધરાવાળું, ગામડાની વ્યાખ્યાને સાચી બનાવતું ગામ એટલે મારું મડાણા અને ગામના લોકો મોજે મડાણાનગરીવાળા !
ચારેકોર લીલીછમ હરિયાળી સીમ ને વચમાં મારું રળિયામણું ગામ. છેક દાંતીવાડા ડેમથી આવેલી નહેરના પાણીની શીતળતા આખાય ગામમાં વરતાય અને મારુ તો આ ગામ પ્રિય જ હોય કેમકે મારી તો દુનિયાનો છેડો મારું ઘર અહીં છે ને ! કેવું મજાનું છે આ ગામ ! મંદિરોથી પવિત્ર થયેલી છે આ ભૂમિ. મારા ઘરથી થોડે દૂર એક તળાવ 'ને તળાવને બેય કાંઠે મંદિરની શોભા જ અલગ. બનાસકાંઠાનું સૌથી મોટું ને કોતરણીવાળું ખોડિયાર માતાજીનું મંદિર ને ભાદરવાની નોમ નો મેળાવડો જમાવતું રામજી મંદિર બેય એકબીજાના પ્રતિબિંબની જેમ તળાવને બેઉ છેડે રાજ કરે ને રખવાળું ય કરે. ગામથી થોડે દૂર સીમમાં સૌની કર્તાહર્તામાં અંબાનું ધામ અને બીરાજેલા છે રક્ષણકર્તા મારા દાદા હનુમાન. ગામને બે ખૂણે મહાદેવ હર ને દાદભૈરવની શોભા અતરંગી. ચૈત્ર મહિનામાં ખોડિયાર માતાને તલ-ગોળનો પ્રસાદ આખું ગામ ચડાવે ને જન્મે જો કોઈ ઘેર દીકરો કે દીકરીમાં હડકાઈના મંદિરે વડાં ખવડાવે. આ મંદિરોથી શાંતિ અખંડ છે અને એમનાથી જ આખા ગામની એકતા જળવાઈ રહી છે. ગામના બધા તળાવો વરસાદના પાણીને પોતાનામાં સમાવે અને પછી ગામના ભૂગર્ભમાં પાણીની ખોટના પડવા દે આમ આખા ગામના લોકોને સાચવી લે.
ગામમાં સુંદર શાળાઓ છે અને એમા ભણતાં સૌ બાળ બાળાઓ છે. કેવી રોમાંચકારી હોય છે એ શાળાજીવનની સફય એ તો હવે શબ્દોમાં ટંકાય પણ ના !
એય સરકારી શાળાના ઝાડવાંઓને વાતો કરતા સાંભળવા ને ગગનચુંબી નિલગરીઓ જોવી, નિલગરીના બીજ એકબીજાના માથામાં ફોડવા ને મોટા મોટા થડવાળા લીમડાઓ પાછળ સંતાઈ જવાનો આંનદ આજેય માનસપટ પર જીવે છે. પ્રાથમિક શાળાના ઓરડાઓ અને મોટું મેદાન. ગામના શિક્ષણનો પાયા સમાન શાળા અને એને લગોલગ ગામનું નાક એટલે સરસ્વતી કન્યા વિદ્યાલય. આદ્યસ્થાપક અને કલેકટર શ્રી કે. બી. ડેરિયાના ઉચ્ચ વિચારો અને કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવાની ઈચ્છાનું જીવતું જાગતું ઉદાહરણ. મારા ઘડતરની ભૂમિકા, મારા માથાનું ગૌરવ, મારા ગામની દીકરીઓનું ભવિષ્ય.
બીજું મારું બચપણથી પ્રિય સ્થળ એટલે પંચાયતઘરની બાજુમાં હતું એ પુસ્તકાલય. અહીં તો મે ઘણા પુસ્તકો વાંચ્યા ભલે પછી એ મહાભારત હોય કે રામાયણ કે પરીઓની વાતો પણ એ બધામાંથી મારું પ્રિય પુસ્તક એટલે 'દીકરી વ્હાલનો દરિયો'. મેઘાણી સાહેબ અને ઉમાશંકર જોષીને પહેલી વાર હું અહીં જ મળી હતી અને કાકાસાહેબ કાલેલકર તો જાણે આજેય મને લખતાં શીખવે છે.
ગામનો સરસ મજાનો પ્રવેશદ્વાર સૌનું સ્વાગત કરે ને ભાગોળે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સૌને સાચો અને મહેનતનો રસ્તો ચીંધે ને ગામના સારા નરસાં પ્રસંગે સાક્ષી બને. ઉપરથી જાણે શહેરનો રંગ લગાડવા બનાવી હોય એવી આઈડીબીઆઈ બેન્ક. વળી પાછાં કુંવારિકા સ્વીટના પેંડા આખા પંથકમાં વખણાય અને બીજું પ્રખ્યાત અમારો વડલો. કેટલીય શાખો થઈ ને હવે વડદાદા બની ગયા છે. નાના બાળકો વડવાઈથી હિંચકા ખાય ને રમતો રમે, વૃદ્ધો એમના અનુભવો વાગોળતાં નજરે પડે.
ગામને એક છેડે કૃષિવિદ્યાલય 'નુતન ભારતી' અને બાજુમાં સૌની સંભાળ રાખતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.
અહીંની તો ગુજરાતી ભાષા ય જુદી સાંભળતા જ ખબર પડી જાય આ તો ઉત્તર ગુજરાતવાળાં !
મારું ગામ મારુ ગૌરવ. ગામમાં પટેલોનો વટ છે ને ઠાકોરની શાન છે. બ્રાહ્મણ અને વાણિયાઓને માન છે. કોઈ નાના મોટાં નહીં સૌ સમાન છે. હિન્દુ હોય કે મુસલમાન સૌ ભાઈ ભાઈ છે. ને મંદીરોની જેમ મસ્જિદ પણ એકદમ શાંત અને રમણીય છે.
સવાર થતાં જ ગામમાં ચહલપહલ શરૂ થઈ જાય. ખેડૂતો ખેતરમાં અને બાળકો શાળાએ જતાં નજરે ચડે. એકમેકના ખબરઅંતર પૂછતા સૌ પોતાના કામે જાય. બધાનું કામ જૂદું જૂદું પણ કામની શરૂઆત તો જાણે ભેળાં થઈ ને જ કરે.
હવે એક એવી જગ્યા જ્યાંથી પસાર થઈએ એટલે ખબર પડી જાય કે મડાણા આવી ગયું. જ્યારે જ્યારે હું રાત્રે ગામની બહાર જાઉ ત્યારે બસ આ જ અનુભવ મારી યાદગીરીની ડાયરીમાં લખાઈ જાય. એ આહ્લાદક ક્ષણોને આમ શબ્દોમાં કંડારવી એટલી સરળ નથી અને એ સ્થળ છે એસી. હા આ એ જ સ્થળ છે જે ગામના મુખ્ય રસ્તા પર છે જ્યારે પણ અહીં આવી પહોંચીએ એટલે એકદમ કંપી ઉઠાય એવી ઠંડીનો અનુભવ થાય. આ ઝાડવાઓના ઝુંડ થી બનેલી કુદરતી એસી તો સ્વર્ગ છે.
આ ગામ સાથે ઘણી યાદો અને વાયકાઓ જોડાયેલી છે. અહીં બચપણથી લઈ ને હાલ સુધીમાં ઘણું જોયુ અને જાણ્યું છે. શીખ્યા છીએ અને શીખવ્યું પણ છે, ઝઘડ્યા છીએ અને ખુબ દિલદાર દોસ્ત પણ મેળવ્યા છે, સપના જોયા છે અને એને પુરા કરવાની હિંમત પણ કરી છે અને સપના પુરા થતાં જોયા, માણ્યા છે. આ ગામ પાસેથી ઘણું ઘણું મેળવ્યું છે અને ગુમાવ્યું પણ છે. જેટલું દુઃખ કંઈક ગુમાવ્યાનું છે એનાથી વધારે આંનદ આ ગામ જન્મભૂમિ તરીકે મળ્યાનો છે. બાળપણ કેટલીક યાદો આ શહેરીકરણના વાવાઝોડામાં આજ પણ ટકી રહી છે અને ઘણીય વરસાદનાં પાણીમાં ધોવાઈ ગઈ છે.
પણ એ સમયમાં ગામમાં ગરગડી લઈ શાનથી ફરવાનું, ધીંગામસ્તી કરવાની, મિત્રો સાથે મળીને ખેતરોમાં કેરી ખાવા જવાનું, ગલીઓમાં ક્રિકેટ ને બીજી કંઈ કેટલીય રમતો રમવાનું, કોયલ ને મોર ભેગાં ટહુકાં કરવાનું, આરતીટાણે માત્ર પ્રસાદ માટે મંદિર જવાનું, ડબા અને ખોખા ભેગા કરી બેન્ડ બનાવી વગાડવાનું, નિશાળમાંથી આવીને સીધાં રમવા ભાગવાનું, નહેરના પાણીમાં નાહવા જવાનું, સાઈકલના છૂટાં ટાયર ફેરવવાનું, વડલા પર ચઢીને રમવાનું અને આખા ગામમાં કામ વગર રખડવાનું શું છે એ તો આજકાલના બાળકોને ખબર જ નથી. આ મોબાઈલ ની દુનિયામાં ગામમાં રમતાં બાળકો ગુમ થઈ ગયા. શહેરીકરણની લાલસા ગામડાંની મોજ ભરખી ગઈ હોય એવું લાગે છે !
"કોમલ, તારો તો ત્રાસ છે ! " આ વાક્ય સાંભળ્યાને જાણે વર્ષો વીતી ગયા. બાકી તો રોજ આવી જ બૂમો સંભળાયા કરે અને અમારાં ટોળાની ગુંજમાં રોજ છૂપાઈ જાય.
પણ એકવાત છે કે શહેરોના ઘોંઘાટને ચીરતી શાંતિ આજેય ગામમાં જળવાયેલી છે. આ શાંતિ જ છે જે ઘરમાં અને ગામમાં વરતાય એટલે મન પણ શાંત થઈ જાય.
અમારું ગામ કંઈ પુસ્તકોમાં હોય એવા ગામ જેવું નથી. અહીં પણ ઘણી ભૌતિક સુખ સગવડો છે. અહીં અમીર ગરીબ બધાં ખંતથી જીવે. સૌ એકબીજા પ્રત્યે ભાઈચારો અને પ્રેમભાવ રાખે. ગામનો પ્રસંગ હોય તો આ એકતા સ્પષ્ટ દેખાય. સૌ નાત જાત અને નાના મોટાં પણું ભુલાવી ગામની પ્રગતિના કામમાં પરોવાય. આ જોઈને જુદાં જુદાં ફૂલ એક માળામાં ગોઠવાયા હોય એવું લાગે.
ગામમાં તહેવારો શહેરની સરખામણીએ સાવ જુદા જ હોય. હોળીની ઉજાણી હોય કે દિવાળી સૌ ભેગાં મળીને ઉંમગથી ઉજવે.
મને અહીં ના તહેવારો ઉત્સવો ગમે. મિત્રો સાથે ફરવું ગમે. જુની વાતો વાગળવી ગમે અને પછી એ યાદ કરીને ખુબ હસવું ગમે. આખા પરીવાર સાથે બેસવું ગમે. એટલે મને આખુંય ગામ ગમે. !
આ ગામ સાથે ખાલી ભૌતિક રીતે સંબંધ નથી પણ અહીં ના ભૂતકાળ સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. આ ભૂમિ સાથે પ્રેમનો સ્પર્શ થયેલો છે. આ માટીનું મારા પણ ઋણ ઉધાર છે.
બસ મને જે ગમે એ બધું જ તો છે અહીં !
અને એટલે જ તો કહું છું કે 'રૂપાળું મારું ગામડું ! '
