Shalini Thakkar

Children Stories Inspirational Others

4.5  

Shalini Thakkar

Children Stories Inspirational Others

રોલ મોડલ

રોલ મોડલ

4 mins
242


નેહા ઉતાવળા પગે રસોડામાં હાંફળી ફાંફળી થઈને સાંજનું કામ આટોપવામાં વ્યસ્ત હતી. સાંજે છ વાગે એના ૧૪વર્ષના દીકરા નિહારની દાંતના ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ હતી. ત્યાં પહોંચતા પહેલા એણે રાતની રસોઈની તૈયારી કરવાની હતી. એણે ફટાફટ કડાઈમાં તેલ ભર્યું અને ગેસ ચાલુ કર્યો. હાથમાં ઝારો લઈને બટાટા વડા તળવા જતી હતી, ત્યાં તો નિહાર હાથમાં પુસ્તક લઈને નેહા પાસે આવ્યો અને સ્કૂલના પ્રોજેક્ટ વર્કમાં નેહાને મદદ કરવાની ભલામણ કરવા માંડ્યો. પર્યાવરણ અને પ્રદુષણ વિષય પર ઓનલાઇન પ્રોજેક્ટ સબમીટ કરવાની આજે છેલ્લી તારીખ હતી. નેહાએ ગેસ ધીમા આંચ પર મુક્યો અને એક આધુનિક કુશળ ગૃહિણી જેમ તરત જ એક શેફના રોલમાંથી બહાર નીકળીને એક શિક્ષિકાનો રોલ અદા કરવામાં મશગુલ થઈ ગઈ. થોડી જ વારમાં એણે નિહારને પર્યાવરણ અને એના રક્ષણ ને લાગતા બધા જ મુદ્દાઓ સંક્ષિપ્તમાં સમજાવી દીધા જેમ કે અધિકથી અધિક વૃક્ષારોપણ કરવું, વૃક્ષ કાપવા નહીં, બળતણ બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો વગેરે વગેરે. આ બધી સૂક્ષ્મ લાગતી બાબતો છે પણ જો બધા જ એના પ્રત્યે જાગૃત થાય અને સજાગ રહે તો પર્યાવરણમાં થતાં પ્રદૂષણને રોકવામાં ચોક્કસ ફાયદો થાય. નેહાએ જાણે એક પાળેલા પોપટની જેમ પોતે મેળવેલું બધું જ જ્ઞાન થોડી જ મિનિટોમાં નિહાર ને આપી દીધું, જે જ્ઞાન નિહાર ખૂબ ધ્યાનપૂર્વક પચાવી રહ્યો હતો. એના હાવભાવમાં પણ પર્યાવરણની મહત્વતા અને એને પ્રદૂષિત થતા રોકવાની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. નેહાએ પોતે આપેલા બધા જ મુદ્દાઓનું વ્યવસ્થિત સંકલન કરીને પ્રોજેક્ટ કઈ રીતે બનાવવો એ અંગે નિહારને બધી જ સૂચનાઓ આપી અને એને લગતા બધા ચિત્ર ગુગલ પરથી શોધી ને સ્ક્રીનશોટ કરી આપ્યા જેથી કરીને એની પ્રીન્ટ સહેલાઈથી કાઢી શકાય. મર્યાદિત સમયમાં પોતાના દીકરાનું કામ સફળતાપૂર્વક પાર પાડ્યાના ગર્વ સાથે નેહા ત્યાંથી તરત જ ઊભી થઈ અને શિક્ષિકાના રોલમાંથી બહાર આવી. એણે ફરી પોતાનું એપ્રોન ઠીક કર્યું અને બટાટા વડા તળવા જેઓ ઝારો ફરી હાથમાં લીધો ત્યાં તો એના ચહેરા પર પથરાયેલા ગર્વ ના હાવભાવ પર પાણી ફેરવતો હોય એમ નિહાર બોલ્યો,"મમ્મી, તેલ તો ખૂબ જ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશ તો પણ થોડા બટાટા વડા તળાઈ જશે. અને જો તે આપણા કામની સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને ગેસ બંધ કરી દીધો હોત તો આટલો બધો ગેસ વ્યર્થ ન વેડફાતો, નહીં ? પોતે જ આપેલા પુસ્તકી જ્ઞાનનું અમલીકરણ કરવામાં અસફળ રહેલી નેહા નિહારની વાત સાંભળીને ભોઠી પડી ગઈ. તેણે તરત જ ગેસ બંધ કરી દીધો અને પોતાના કામની શરૂઆત કરી અને નિહાર બહાર જઈને એના કામનું વ્યવસ્થિત સમાપન કરવામાં વ્યસ્ત થઈ ગયો.

થોડી જ વારમાં બંને મા દીકરો તૈયાર થઈને ગાડીમાં બેસી ડોક્ટર પાસેે જવા નીકળ્યા. શહેરના ભરચક ટ્રાફિક વચ્ચેથી માર્ગ કાઢતા એમની ગાડી ચાર રસ્તા પર આવીને રેડ સિગ્નલ જોતા ઊભી રહી. નેહાનેે જાણ સતત દોડાદોડીમાં વ્યસ્ત શરીર અને મન નેે ઘડી બે ઘડીનો આરામ મળી ગયો હોય એવો અનુભવ થયો ત્યાં જ તો એની શાંતિનો ભંગ કરતો હોય ઍમ નિહાર એ ડપકું મૂક્યું,"મમ્મી ગાડીનું એન્જિન બંધ કરી દે.પેટ્રોલ પણ વ્યર્થ જાય છે અને વાયુ પણ પ્રદૂષિત થાય છે. નેહા એ તરત જ ચાવી ફેરવીને ગાડીનું એન્જિન બંધ કરી દીધું. પોતે જ આપેલા જ્ઞાનનું અમલીકરણ કરવામાં સતત અસમર્થ રહેવાની ભોઠપ અને દીકરાએ એની પાસે મેળવેલા જ્ઞાનનું તરત જ અમલીકરણ કરવાની ક્ષમતા પર ગર્વ એમ મિશ્ર પ્રતિક્રિયાના હાવભાવ નેહાના ચહેરા પર ઉપસી આવ્યા. થોડા સમયમાં ડોક્ટરની મુલાકાત લઈને નેહા અને નિહાર બંને પાછા ઘર તરફ ફરી રહ્યા હતા. રસ્તામાં બે-ત્રણ શાકની લારીઓ જોઈને નેહાએ ગાડી ઊભી રાખી. એણેે ફટાફટ થોડી શાકભાજી લઈ લીધી અનેે જેવી એ થેલી ગાડીમાં મૂકવા જતી હતી ત્યાં જ તો નિહાર ગાડી પાછળની સીટ પર પડેલી કાપડની થેલી લઈ આવ્યો અને બોલ્યો,"મમ્મી બધી શાકભાજી આ કાપડની થેલીમાં મૂકી દે. તું ફરી ભૂલી ગઈ ને "સે નો ટુ પ્લાસ્ટિક બેગ"! સાંભળીને શાકવાળાભાઈ પણ ખુશ થઈ ગયા અને બોલ્યા,"વાહ ભાઈ બધા જ ગ્રાહક તમાારા જેવા હોય તો કેવું સારું ?!". પોતેે મળેલી પ્રશંસા સાંભળીને ખુશ થયેલા નિહાર એ શાકની થેલી લઈને ગાડીની પાછળની સીટ પર મૂકી દીધી અને નેહાએ ગાડી ઘરની દિશામાં દોડાવી. બંનેે હાથે ગાડીનું સ્ટેરીંગ ફેરવતા નેહા મનોમન વિચારી રહી, શું બાળકનેે માત્ર પુસ્તક જ્ઞાન આપીને સારામાં માર્ક મેળવવામાં મદદ કરવી એ જ સફળતા છે ? કાગળના ટુકડા પર મેળવેેલા માર્કનું ખરું મૂલ્યાંકન ત્યાં સુધી ના થાય જ્યાં સુધી એ જ્ઞાનનું વ્યવહારિક જીવનમાં અમલીકરણ ના કરીએ. એ વાત આપણે કેમ જઈએ છીએ ? બાળકો આપણું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હોય છે અને આપણે એમના માટે રોલ મોડલ હાઈએ છીએ. પણ આજે મારો દીકરો મારો રોલ મોડલ બની ગયો." વિચારમાંં મગ્નન નેહાની નજર ગાડી ચલાવતા ચલાવતા અચાનક રસ્તામાં રંગબેરંગી ફૂલોના રોપાથી ભરેલી નર્સરી પર પડી. પોતાના દીકરા સામે પોતે પણ પર્યાવરણની પ્રેમી છે એ સાબિત કરવાની હોડમાં હોય એમ એણેે તરત જ ગાડી ઊભી રાખી અને બંને મા દીકરાએ મળીને રંગબેરંગી ફૂલોના રોપા ખરીદ્યા અને ઉત્સાહપૂર્વક બધા રોપા ગાડીની ડીકીમાં ગોઠવી દીધા. ઝરમર ઝરમર વરસાદ પડવા માંડ્યો. કુદરતી વાતાવરણની મજા લેવા માટે બન્ને જણાએ ગાડીમાંં એસી બંધ કરી દીધું અનેે બારીના કાચ ખોલી નાખ્યા અને ગાડી ઘર તરફ વાળી.


Rate this content
Log in