રઘુ.... દિવ્યાંગ બાળક
રઘુ.... દિવ્યાંગ બાળક
સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત વડોદરામાં એક સુશીલ અને સંપીલું કુટુંબ રહે છે. હરેશકુમાર અને ભાવનાબેન. તેમને બે દીકરી નામે સ્નેહા અને કૃતિ છે, પણ દીકરીરાની લાલચમાં ત્રીજી વાર ગર્ભ ધારણ કર્યો. પેટમાંથી પાણી ખેંચીને પરીક્ષણ કરાવ્યું. અંતે નવ માસે સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થયું. ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. તેનું નામ રઘુ પાડ્યું.
બે-ત્રણ મહિના બાદ અચાનક દીકરીરાનું શરીર ભૂરું પડી જવા લાગ્યું. તે રડતો ત્યારે આખા શરીરે ભૂરો થઈ જતો. આંખો ફાટી જતી. ડોક્ટરને બતાવ્યું તો કહે હૃદયમાં નાનો છેદ છે. રડાવશો નહીં. ધીમે ધીમે પાંચ છ મહિનાનો રઘુ થયો તો પગે પોલીયોની અસર જણાવા લાગી. તેનાથી ઊભું રહી શકાતું ન હતું ઘણા વર્ષો બાદ પુત્ર સુખ મળ્યું પણ પુત્ર પગે ચાલી કે ઊભો રહી શકતો ન હતો ખૂબ માલિશ કરી દવા કરી પણ બાળક એટલે વધારે કસરત કરાવતાં થાકે ને રડે તો હૃદયનું કાણું મોટું થતું જાય. આમ માતા-પિતાએ મન વાળ્યું કે આપણું બાળક છે તો તેને આપણે જ સારી રીતે મોટો કરીશું. તેની સેવા ચાકરી કરીશું. સ્નેહા, કૃતિ, અમે બધાં જ રઘુનું ખૂબ ધ્યાન રાખતાં.
રઘુ બોલવામાં ખૂબ વાચાળ હતો. કહે છે કે ભગવાન દરેકને કોઈને કોઈ કલા તો આપે જ છે રઘુ વાચાળ હતો... કાયમ મને કહેતો " કિ... કિ ... કિ .. કિરણ આઈ લવ યુ ".. આમ વાચાળ અને વળી સંગીતમાં તબલા વગાડવા ખૂબ ગમતા. નાનપણથી જ ઢોલકી વગાડતો. તેના માતા-પિતા પણ તેની આ કલામાં સાથ આપતા હતાં. હૃદયમાં છેદ અને લકવા ને કારણે તેનો વિકાસ સામાન્ય બાળક કરતાં ખૂબ જ ઓછો હતો.
એક દિવસ રઘુની માતાને એક વિકલાંગ બાળકોની સંસ્થા ચલાવનાર બેન મળ્યા. રઘુની માતા એ પૂછ્યું,- " બેન મારા બાળકનું ભવિષ્ય કેવું રહેશે ? શું એ પણ સામાન્ય બાળકની જેમ જીવી શકશે ? આવનાર બહેને કહ્યું-" અરે ! તમે ચિંતા ના કરો, તમારું બાળક ખૂબ જ સરસ છે. હું તમને આ દિવ્યાંગ બાળકો અને તેઓ પણ સામાન્ય બાળકની જેમ જીવી શકે તે માટે તેમને મળતી સહાય વિશે વધારે વિસ્તારથી સમજાવું. જુઓ, દિવ્યાંગતાં ઘણાં બધાં પ્રકારની હોય છે. હવે તો શારીરિક ખામીઓ માટે વિકલાંગ સાધન સહાયથી નકલી હાથ, પગ, આંખ, કાન, લગાડી શકો છો. વળી પોતાના જેવા બીજા દિવ્યાંગ સાથે લગ્ન કરી નવજીવન પણ શરૂ કરવા એક લાખની સહાય આપે છે. દિવ્યાંગ વ્યક્તિમાં પ્રભુ વિશિષ્ટ શક્તિનું નિરૂપણ કરતો હોય છે. તેને વિકસાવીને આત્મગૌરવ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે છે. સરકાર તરફથી તથા સામાજિક સંસ્થાઓ તરફથી પણ ઘણી જરૂરી સહાયતા આપવામાં આવે છે. ડોક્ટર મફતમાં અવારનવાર તપાસ કરી સ્વાસ્થ્યનું પણ ધ્યાન આપે છે. કેલિપર્સ, કાનનું મશીન, વ્હીલચેર,વગેરે આપે છે. મુસાફરી પાસ મફત આપે છે. તેમના દિવ્યાંગતાના ટકા મુજબ તેમને શિષ્યવૃત્તિ અને બીજા લાભો આપવામાં આવે છે. શાળામાં એડમિશન માટે કે નોકરી માટે અલાયદી સીટ રાખવામાં આવે છે. પરીક્ષામાં જરૂર પડે તો લહિયો પણ આપવામાં આવે છે. માટે તમે ચિંતા ના કરો. વિકલાંગ પેન્શન સહાય યોજના પણ ચાલે છે. તમારા બાળકનું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે અને તે પણ આત્મનિર્ભર બની સારી જિંદગી જીવી બતાવશે. આપનું બાળક આપને ક્યારેય ભારરૂપ નહીં બને. સમાજ અને પ્રભુ બંને દિવ્યાંગોને વિશેષ પ્રેમ કરે છે. કુદરતે ભલે તમને દિવ્યાંગ બાળક આપ્યો પણ આ જ બાળક તમારું નામ રોશન કરશે.
આજે સામાન્ય માણસ પણ માનસિક દિવ્યાંગ બની ગયો છે. શારીરિક વિકલાંગતાનો તો કોઈને કોઈ ઉપાય મળી આવે છે. પરંતુ, માનસિક વિકલાંગતા ખૂબ જ ખતરનાક હોય છે. બધાની ખામી જોવી, ઈર્ષા, અદેખાઈ કરી બીજાને નીચા દેખાડવું, અશ્લિલ વિચારો અને ગુનાહિત કૃત્ય કરવા, મનને લાચાર બનાવી કુટેવો જેવી કે દારૂ, જુગાર, ડ્રગ્સ લેવા એક દિવ્યાંગતા જ છે. આખે આખો સમાજ તેમાંથી દિવ્યાંગ બની જાય છે. આવા દિવ્યાંગો કરતા તો આપનો બાળક ઘણો સારો છે.
હવે રઘુની માતાની ચિંતા દૂર થઈ અને તે ખુશી ખુશી તેના મનમાંથી પોતાના બાળકની દિવ્યાંગતાને દૂર કરી તેને સાચવવા લાગી.
સાચે જ કુદરતે આખી સૃષ્ટિ નિર્માણ કર્યું સાથે સાથે ક્યાંક - ક્યાંક ખામી પણ રહી જવા પામી,પરંતુ એ ખામીને પણ પૂર્ણતા પ્રાપ્ત કરાવે તેવી અવનવી સિદ્ધિઓ અનેક કલાઓ પણ આપી.
જો કે કુદરતે કંઈક જુદું જ ધાર્યું હશે એક દિવસ રઘુ પડી ગયો અને માથામાં નાના મગજને હાની થઈ ગઈ અને પરિણામે તેનું મૃત્યુ થયું. રઘુની માતા આજે પણ અન્ય દિવ્યાંગ બાળકોના માતા પિતાને દિવ્યાંગતાના મળતા લાભોની વાતો કરીને તેમને હિંમત આપી સમાજ સેવિકાનું કામ કરે છે. તે આજે પણ અન્ય દિવ્યાંગ બાળકોમાં પોતાના રઘુને જોઈને તેમની મદદ કરે છે.
