Lata Bhatt

Others

2  

Lata Bhatt

Others

રાતું ફૂલ ગુલાબનું

રાતું ફૂલ ગુલાબનું

5 mins
7.8K


“ચાલ, હવે તો કહું છું સાજન,
ગાતી આ કોયલનાં ટહૂકામાં
નામ અડોઅડ ક્યાંક તારી,
નામ મારું રમતું મૂકી દે..
સાખ તરીકે તને ગમે તો,
સૂરજ તો શું, આભ આ આખુંય,
ઊગતું ને આથમતું મૂકી દે!”

“અદિતિ, આ કવિતા છે કે પ્રપોઝ?”
“અરણ્ય, તું એને કવિતા સમજે તો કવિતા અને એને પ્રપોઝ સમજે તો પ્રપોઝ..” “મને તારી જેમ કવિતા લખતા તો ફાવતી નથી પણ મારા તરફથી આપણી મૈત્રી પ્રતિકરૂપ આ પીળું ગુલાબનું ફૂલ.” “’ને મારા તરફથી પ્યારના એકરારરૂપ આ લાલ ગુલાબ,”

“ગુલાબનું ફૂલ માણસના મનને આબાદ ઝીલે છે. ને એની સુવાસ શ્વાસને તરબતર કરી દે છે, કેટકેટલા રંગ હોય છે ગુલાબના  ને દરેક રંગ મનમોહક હોય છે.” “અરણ્ય, આ ગુલાબ સૌથી વધારે ક્યારે સુંદર લાગે ખબર છે?”

“હા, જ્યારે તે ડાળ પર હોય છે ને તેની પાંખડી પાંખડીએ ઓષબુંદ ઝીલેલા હોય છે. થાય કે બસ એને આંખોના કેમેરામાં કેદ કરી લઇએ.” “મને લાગે છે અરણ્ય કે તારામાં ય કોઈકવિ છૂપાયો છે એક કવિ જ આવું વિચારી શકે.”

“હું કવિ નથી પણ પ્રકૃતિપ્રેમી જરૂર છું.”

“એક તારું ગુલાબ એક મારું ગુલાબ;
મહેકતા કરે શ્વાસ, ભરે જીવન છાબ.. અરણ્ય, આપણે આપણા ઘરનાં ટેરેસ પર એક ગુલાબનું ઉપવન બનાવશું.” “એ સ્વપ્ન સાકાર કરવું હોય તો તારે મને નહીં કોઈબીજાને લાલ ગુલાબ આપવું જોઇએ.”
“અરણ્ય, તને ખબર છે સ્વપ્ન જોવાની ય એક મજા હોય છે,એ મજા એને સાકાર થતા જોવાની નથી હોતી.” “અદિતિ તું મને પ્રેમ કરવાનું રહેવા દે.”
“એ મારા હાથમાં હોત ને તો મેં ક્યારનું ય છોડી દીધું હોત.”
“પણ તું મને એક તો એવું કારણ આપ કે જેને માટે તું મને પ્રેમ કરે છે.”
“જો અરણ્ય,પ્રેમ કરવા માટે કોઈ કારણની જરુર નથી ને કોઈ કારણ માટે પ્રેમ કરે તો તેને પ્રેમ ન કહેવાય.”
“તો શું કહેવાય?”
“એ મને ખબર નથી પણ પ્રેમ તો ન જ કહેવાય. અને પ્રેમ કરાતો નથી થઈ જાય છે.”
“પણ હું તને પ્રેમ નથી કરતો તેનું શું?”
“કંઈ નહીં, મે તને ક્યાં કહ્યું કે તું મને પ્રેમ કર.”
“ધન્ય છે તારા પ્રેમને..”
“હવે આપણે પ્રેમ પુરાણ બંધ કરીએ? મને સખત ભૂખ લાગી છે.”
“અદિતિ, મને ય ભૂખ તો લાગી જ છે પણ ખિસ્સામાં….”
“તો હું ચૂકવી દઇશ આપણે બન્ને થોડા જુદા છીએ. ચાલ ‘હોટેલ પલાશ’માં નાસ્તો કરી લઇએ.”
“એક કામ કર અદિતિ, તું નાસ્તો કરી લે હું મારે ઘેર જાઉં, મમ્મીએ રસોઈતૈયાર જ રાખી હશે.”
“ઓકે, જેવી તારી મરજી….’’
“ચાલ ત્યારે હું જાઉં… અરે હા, યાદ આવ્યું તને જોવા સાંજે…”
“હું પપ્પાની ખુશી ખાતર છોકરો જોઇશ અરણ્ય, પણ લગ્ન તો તારી સાથે જ કરીશ.”
“આ તું શું કહે છે તે મારું ઘર જોયું છે ? એ પોળમાં તું કઈ રીતે રહીશ?”
“તું જો મને પ્રેમ કરતો હોય તો હું પોળ તો શું ફૂટપાથ પર પણ રહેવા તૈયાર છું.” “પણ હું તને પ્રેમ નથી કરતો એ હકીકત છે ને એટલે જ કહું છું કે તું કોઈ સારો છોકરો મળે તો લગ્ન કરી લેજે.”

આ તેમનો રોજનો સંવાદ. હા, થોડા શબ્દો બદલાતા પણ વાતનો સૂર એ જ રહેતો. અરણ્ય પણ અદિતિને એટલો જ પ્રેમ કરતો હતો પણ તે પોતાની મર્યાદા જાણતો હતો નાનપણથી જ તે ગરીબી અને અભાવ વચ્ચે ઉછર્યો હતો. અદિતિ અત્યંત શ્રીમંત પિતાની પુત્રી હતી બન્ને વચ્ચે ખાસ્સુ અંતર હતું. કોલેજના એક નાટકના રિહર્સલ દરમિયાન બંને મળ્યાં હતાં. આ રોજની મુલાકાત ધીમે ધીમે પ્રણયમાં પલટાઈ ગઈ.

કોલેજમાં હતાં ત્યાં સુધી તો બન્ને મળતા રહ્યાં પણ કોલેજ પૂરી થયા પછી અરણ્યએ જ સમજી વિચારીને મળવાનું ઓછું કરી નાખ્યું. અદિતિ મળવા બોલાવે તોય કોઇને કોઈ બહાનું કાઢી તે મળવાનું બને ત્યાં સુધી ટાળતો પણ અદિતિ તેનાથી લાંબો સમય દૂર ન રહી શકતી. તે તેની ઓફિસમાં મળવા દોડી જતી. જો કે હમણાં ત્રણેક મહિનાથી અરણ્ય અદિતિને મળ્યો નહોતો.  અદિતિ પણ તેને મળવા નહોતી દોડી આવી. એ વિરહનો સમય અરણ્યએ કેમ કાઢ્યો એ એ જ જાણતો હતો.

એક દિવસ અદિતિનો ફોન આવ્યો ”અરણ્ય, મારે તને એક વાર મળવું છે, પપ્પાએ તેમના મિત્રના દિકરા સાથે મારી સગાઈ નક્કી કરી છે, અરણ્યનાં પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. ભલે અત્યાર સુધી તે અદિતિ સાથે લગ્ન કરવાની ના પાડતો હતો પણ તેને અનહદ ચાહતો હતો. આજે તેને લાગ્યું કે કોઈ તેના શરીરના બે ટુકડા કરી રહ્યું છે.

આદર્શ વાતો કરવી સરળ છે પણ તેને અમલમાં મૂકવી કેટલી મુશ્કેલ છે. તેનો ખ્યામ અરણ્યને હવે આવ્યો. તે પોતે પણ મમ્મી પપ્પાનાં લાખ કહેવા છતાં અત્યાર સુધી એટલે જ લગ્ન નહોતો કરી શક્યો. ભાવિ પત્ની તરીકે તે અદિતિ સિવાય કોઈને ય કલ્પી શકે તેમ નહોતો. આજે અદિતિને પારકી થતી જોવી એટલું જ અસહ્ય હતું.

તરત તે અદિતિને મળવા દોડી ગયો. અરણ્યની આંખોમાં આંસુ હતા. તે અદિતિને ભેટી પડ્યો. તેણે અદિતિને કહ્યું, “અદિતિ મને થોડો સમય આપ હું સખત મહેનત કરીને તારે લાયક બનીશ.” “તો ચાલ મારા પપ્પાને મળી લઈએ.” અરણ્ય આશ્ચર્યથી અદિતિને જોઈ રહ્યો. થોડી વાર પછી બોલ્યો, “પણ અત્યારે મારી આવી આર્થિક સ્થિતિ જોઈને તારા મમ્મી પપ્પા ના જ પાડશે.”
“ના નહીં પાડે. મેં તેને તારા વિષે વાત કરી હતી.”

“ને તેમણે કોઈ શરત મૂકી હશે. શ્રેણીનો હાથ સોંપવા વિજાણંદના પિતાશ્રીએ એકસો એક નવચંદેરી ભેંસ લાવવાની શરત રાખી હતી તેવી જ કોઈ શરત…”

અદિતિ હસી પડી. હસતાં હસતાં તે બોલી, “ના તેમણે એવી કોઈ શરત નથી મૂકી પણ મારે તારા મોઢેથી પ્યારનો એકરાર સાંભળવો હતો ને પપ્પાએ જ મને આ રીતે ફોન કરવા કહ્યું.”

“તો આ પપ્પાનાં મિત્રના પુત્ર સાથે સગાઈ….? એ સાવ ખોટું જ હતું એમ ને?”

“ના, એ સાવ ખોટું નહોતું. મેં મારા પપ્પાને તારા પપ્પાનું નામ આપ્યું તો તેમણે કહ્યું, “અરે એ તો મારો કોલેજનો ખાસ મિત્ર. એમને તો તારા પપ્પા માટે ખૂબ માન છે તારા પપ્પાએ માત્ર પોતાના જ બાળકોને નહીં ગામડાના કેટલાય છોકરાઓને પોતાના ઘેર રાખી ભણાવ્યા છે. પપ્પાએ મને કહ્યું કે મને તારા પર ગર્વ છે કે તે આવો જીવનસાથી પસંદ કર્યો.” “અદિતિ આઈલવ યુ.”
“હવે માત્ર લવ યુ થી કામ નહીં ચાલે આજે આઇસક્રીમ ખવરાવવો પડશે”
“અરે, આઇસક્રીમ શું? સાથે ડિનર કરીએ!” ને હોટેલ ‘તુલસી’માં મીણબત્તીનાં ઝાંખા પ્રકાશમાં અરણ્ય અદિતિને જોઈ રહ્યો.
અદિતિએ એક બે વાર ટકોર પણ કરી, “અરણ્ય, તું ભૂખ્યો રહીશ થોડું જમવામાં ય ધ્યાન આપ.” “બસ આજે મારું પેટ ભરાઈ ગયું. થાય છે તને જોયા જ કરું.”

હોટલમાંથી બન્ને બહાર નીકળ્યા, આજે તેને અદિતિથી છૂટા પડવાનું મન નહોતું થતું પણ ઘડિયાળનો કાંટો રાતના અગિયાર વાગ્યાનો સમય બતાવતો હતો.
“ચાલ, અદિતિ ફરી મળશું.”
“પપ્પાને નથી મળવું? “
“અરે આવા લઘરવઘર વેષમાં નહીં, ને મમ્મી – પપ્પા અને બહેનને સાથે લઈને તારે ત્યાં આવીશ.

એક મહીના પછી બન્નેની આંગળીમાં હીરાની વીંટી ચમકતી હતી.


Rate this content
Log in