Priyakant Bakshi

Others

3  

Priyakant Bakshi

Others

રાજ રમત

રાજ રમત

13 mins
7.7K


હું મુંબઈમાં એક રાષ્ટ્રિયકૃત બેંકમાં અધિકારી હતો. મારી બદલી બિહારમાં થઈ હતી.  આમેય મુંબઈથી દૂર તથા કુટુંબથી પણ દૂર એટલે મનમાં ઉચાટ રહ્યા કરે એ સ્વાભાવિક છે. મુંબઈમાં ત્યાં વિષે ઘણુ-ઘણુ ડરાવનું સાંભળ્યું હતું. ઑફિસોમાં પણ રાજ રમત રમાયા કરે. એવું-એવું સાંભળીને મન બેચેન બની જતું. ત્યાં જવા સિવાય છૂટકો ન હતો કેમકે બદલી ફરજિયાત હતી. મારી પોસ્ટીંગ બિહારના એક જીલ્લાના મથકે આવી. મારી શાખાના મેનેજર સાહેબ મારા ઘરની નજીક રહેતા હતા. એક દિવસ સવારે એમનો પુત્ર મને બેંકની ચાવી અને ચિઠ્ઠી આપી ગયો. મને સંદેશો આપ્યો કે મેનેજર સાહેબની તબિયત સારી ન હોવાથી તેઓ કામ પર નહીં આવે. મારાથી  સીનિઅર અધિકારી તેમજ અકાઉન્ટન્ટ અમારા બન્નેના ઘરથી દૂર રહેતા હતા, તેથી મને ચાવી આપે તે સ્વાભાવિક લાગ્યું. બેંકના સમયે બેંકમાં ગયો. અકાઉન્ટન્ટ કે સીનિઅર અધિકારી આવ્યા ન હતા. બેંકનું કામકાજ ચાલવું જોઈએ એમ સમજી આવેલ કર્મચારીઓ અને હું કામે વળગ્યા. 

એકાદ કલાક પછી મારાથી સીનિઅર અધિકારી આવ્યા અને એમને મનમાં નોંધ લીધી કે મેનેજર અને અકાઉન્ટન્ટ નથી આવ્યા. એટલે મને કહે, 'મારા પેટમાં બહુ દર્દ થાય છે. મારાથી બેસી શકાય એમ નથી. પ્લીઝ, હું ઘરે જાઉં છું.' આમ મારે એકલે હાથે શાખા સંભાળવાની હતી. થોડીવારમાં કર્મચારીના યુનિયનના લીડર, શ્રી કરૂણાશંકર ઉપાધ્યાયજી મારી કેબિનમાં આવ્યા. મને કહે, 'સાહેબ, યુનિયન વતી એક વાત કરવી છે.' મેં કહ્યું, 'જો તાકીદની હોય અને મારાથી પહોંચી વળાય એમ હોય તો જણાવો. હું અત્યારે હંગામી મેનેજર છું. મારાથી એવું કોઈ કાયમી ડિસિઝન ના લઈ શકાય. મારા પાવરની બહાર કહેવાય.'

તેઓ બોલ્યા,'જુઓ, પવન કુમાર શાખામાં ઝાડુ-પોતું, સાફસૂફીનું, પાણીનો પ્રબંધ કરવાનુ કામ કરે છે. એની ડ્યૂટી સવારે સાત વાગે શરૂ થાય છે. જેથી શાખાના રેગ્યુલર સમયમાં ખલેલ ન પહોંચે. આજે મેનેજર સાહેબ નથી આવ્યા. કેટલા દિવસ નથી આવવાના?' મેં કહ્યું,'ચિઠ્ઠીમાં ચોક્કસ દિવસ નથી જણાવ્યા પરન્તુ એમ લખે છે કે નાદુરસ્ત તબિયતને લીધે બેંકમાં અવાશે નહીં.' તેઓ બોલ્યા, 'આજથી શાખાની ચાવી તમારી પાસે છે. સવારે પવન કુમારને તમારે ત્યાંથી ચાવી લઈ જવી પડશે. તો તમારા ઘરેથી બેંક સુધીના સાયકલ રીક્ષાના પૈસા બેંકે આપવા પડશે.'

મેં કહ્યું,'મારાથી અગાઉના મેનેજર સાહેબે એ ખર્ચો બેંક ખાતે આપ્યો છે?' તેઓ બોલ્યા,'તેઓએ આપ્યો હોય કે ન આપ્યો હોય, એની ડ્યૂટી એના ઘરેથી બેંકમાં આવવાની છે. એમ બધા સાહેબોના ઘરમાં ચાવી માટે ટાંટિયા તોડવાની નથી.' મેં કહ્યું,'આ પ્રોબ્લેમ આજે જ કેમ ઉપસ્થિત થયો? અત્યાર સુધી આમ ન હતું.' તેઓ બોલ્યા, 'જે હોય તે. પવન કુમારને રીક્ષાના પૈસા નહીં, તો તે તમારે ત્યાં ચાવી લેવા નહીં આવે.' મેં કહ્યું, 'ભલે, ચાવી ન લઈ જાય. જ્યાં સુધી ચાવી મારી પાસે છે ત્યાં સુધી હું બેંકમાં સાત વાગે આવી જઈશ પણ ખોટી રીતે પૈસા કઢાવવાની રસમ નહીં અપનાવું.' તેઓ બોલ્યા,'જેવી તમારી મરજી. અમે પણ જોઈ લઈશું.’ અને ધમ-ધમ કરતા કેબિનની બહાર ગયા.

શાંત મનથી વિચાર કરતા મને લાગ્યું કે મારી વિરુધ્ધ કંઈક રંધાઈ રહ્યું છે. કોઈ ગડ બેસતી ન હતી. કદાચ એમ હોઈ શકે કે હું બેંકના નિયમો અનુસાર જ કામ કરૂં છું તથા બેંકનું હિત જળવાઈ રહે એ પધ્ધતિ અપનાવી છે,  જે મેનેજરને પસંદ ન હતું. પડ્યા તેવા દેવાશે. આમ કંઈ ધમકીથી ડરી જવાતું હશે? મારે હવે વધારે સાવધાની રાખવી પડશે. મેનેજર, અકાઉન્ટન્ટ અને સીનિઅર અધિકારી એક જ સમયે રજા પર ઊતરી ગયા છે. કંઈક ગરબડ છે. ત્યાર બાદ રૂ.પચાસની નોટ વિષે મોટા ખાતેદાર આવ્યા. કૅશિઅર અને એમનો ઉકેલ બન્નેને સંતોષ થાય એમ લાવ્યો હતો. આજે નસીબમાં કામ કરતા આવી વિડંબના જ લખાઈ લાગે છે.

સાંજે વૉલ્ટમાં કૅશ મૂકવા ગયો. ચીફ કૅશિઅર, શ્રી ગંભીરસિંહજી ભલે કડક સ્વભાવના હોય પણ સવારની મારી પ્રોબ્લેમ દૂર કરવાની પધ્ધતિથી ખુશ હતા. તેઓ બોલ્યા, 'સાહેબ, કૅશના આજના બંડલ તૈયાર છે. ગણી લો એટલે તિજોરીમાં મૂકી દઈએ.' મેં કહ્યું,'જુઓ, તમે ગણશો અને હું પણ ગણુ, જે આપણા બન્ને માટે જરૂરી છે. તમે અનુભવી છો. તમે બંડલ ઘણી ઝડપથી ગણી શકો, મારાથી વધારે સમય જાય. એમ કરીએ, હું બંડલની અમુક નોટ ગણીને છેલ્લી નોટ વાળી દઉ, ત્યાંથી તમે ગણો અને બન્નેનો ટોટલ ૧૦૦ થાય એટલે એ બંડલ બરાબર છે એમ નક્કી થાય. સમય બચશે અને સંતોષ થશે.' તેઓ બોલ્યા, 'સાહેબ, માન ગયે આપકો. ભલે તમે જૂનિઅર હો પણ છો અફલાતૂન! આ ગંભીરસિંહ આપને માટે કહો તે કામ કરશે.'

બીજે દિવસે સવારે સાતની પહેલા શાખામાં પહોંચી ગયો. સામે ચાવાળા, પન્નાલાલને કહ્યું કે બે ચા અને નમકીન મોકલજો. એ કહે, 'સારુ, પણ આજે આટલા વહેલા કેમ?' મેં હસતા-હસતા કહ્યું, 'અરે પન્નાલાલજી, તમે દરરોજ કેટલા વહેલા આવો છો તો કોઈ-કોઈ દિવસ અમે પણ વહેલા આવતા શીખીએ કે નહીં?' પવનકુમાર આવ્યો. મેં કહ્યું, 'હમણા ચા અને નમકીન, આપણા બન્ને માટે આવે છે. એને ન્યાય આપીને કામે લાગી જઈએ. જરા સ્ફૂર્તિ આવે. શું કહે છે?' તે બોલ્યો, 'સાહેબ, હું ખોટું નથી કહેતો પણ યુનિયનવાળાએ મને કહ્યું કે રીક્ષાના પૈસા માંગવાના. હું આટલા દિવસથી ચાવી લઉં છું, કોઈ દિવસ રીક્ષાના પૈસા માંગ્યા નથી. સાહેબ, વિનંતી છે કે આ વાત યુનિયનને ના કરતા. તેઓ મારા પર તૂટી પડશે. તમને આટલા વહેલા આવવું પડે છે તે માટે મને ઘણો ક્ષોભ થાય છે.'

મેં કહ્યું, 'ભાઈ પવનકુમાર, આનું નામ તો સંસાર છે. એ તો ચાલ્યા કરે. આપણું દુઃખ તો કંઈ નથી. શ્રી રામજીને રાજ્યાભિષેકને બદલે વનવાસ મળ્યો, તો પણ તેઓ રાજી હતા ને? આપણે એમની પાસેથી એટલું તો શીખએ કે નહીં?' પવનકુમાર, પહેલા સાફ સફાઈ કેબિનની કરી દો એટલે હું મારું કામ શરૂ કરૂં.' મને થયું કે વહેલો આવ્યો છું તો લાવને સ્ટાફની 'જન્મ કુંડલી' જોઈ લઉં. બેંકના સ્ટાફની માહિતી એમની ફાઈલમાં હોય છે. એને અમે 'જન્મ કુંડલી' કહેતા. હવે જ્યારે સાવધ રહેવાનું છે તો સમયનો ઉપયોગ થઈ જશે. હાથ નીચેના માણસો પાસે કંઈક આઉટ ઓફ વે કામ કરાવી, મેનેજર એને મુઠ્ઠીમાં રાખે. એક પ્રકારનું બ્લેક મેઈલીંગ જ. એ દિવસ સુખ રૂપ પસાર થયો. મેં આગલા દિવસે બહાર નોટીસ બોર્ડ પર સૂચના મૂકી હતી કે ડ્રાફ્ટ કાઢી આપવામાં નહીં આવે. કેમકે ડ્રાફ્ટ પર અમુક રકમથી વધારે હોય ત્યારે બે જણની સહી જોઈએ. બીજું મારી સહીના નમૂનાનો સકર્યુલર  હજી હેડ ઑફિસથી આવ્યો ન હતો. જે શાખા પર ઈસ્યૂ કર્યો હોય તેમની પાસે મારો રેકૉર્ડ ના હોય. હાયર ઑથોરિટીને આની જાણ કરતો પત્ર અને ટેલિગ્રામ કરી દીધો અને સ્ટાફની વ્યવસ્થા તાકીદે કરે એમ જણાવ્યું ચીફ કૅશિઅરે વૉલ્ટમાં કૅશ મૂકવા ગયા ત્યારે જણાવ્યું કે,‘સાહેબ, તમારી પાછળ સાજિશ થઈ રહી છે. સાવધ રહેજો.'

ચાવીનો દાવ ખાલી ગયો. તેઓએ નહિ ધારેલું કે તમે આટલા વહેલા બેંકમાં આવશો. સાહેબ, મેનેજર સાહેબ સાથે તમારે કંઈ ખટરાગ થયો હતો? એ બહુ ખરાબ ચાલ ચાલે છે. 'મેં કહ્યું, 'એવું તો મારા ધ્યાનમાં આવતું નથી.’ પછીના દિવસે, હું સાત વાગ્યાની પહેલા શાખા પર પહોંચ્યો. તકેદારી રૂપે ચાવાળા પન્નાલાલને કહ્યું, 'કેટલા વાગ્યા છે? મારી ઘડિયાળ બરાબર નથી લાગતી. તે કહે, 'સાહેબ, છને પિસત્તાલીસ થઈ.' મેં કહ્યું, 'કાલની જેમ બે ચા અને નમકીન મોકલજો.'

પવનકુમારનો પત્તો ન હતો. રેગ્યુલર સમયે સ્ટાફ આવવા લાગ્યો. સાફસૂફી થઈ ન હતી. યુનિયનના લીડર, શ્રી કરૂણા શંકર ઉપાધ્યાયજી મારી કેબિનમાં આવ્યા. 'અમારો માણસ તમારી કેટલી રાહ જુએ? બેંક ખૂલી ન હતી. સાફસૂફી થઈ નથી. અમે આવા કચરામાં કામ કેવી રીતે કરીએ?'

મેં કહ્યું, ‘જુઓ, હું બેંકમાં ૬-૪૫ આવ્યો છું. પવનકુમારનો પત્તો નથી.' તેઓ બોલ્યા, 'આ રહ્યો પવનકુમાર. એ પવનકુમાર અહિ આવ.' મેં કહ્યું, ‘પવનકુમાર, સાચુ કહે કે કેટલા વાગે આવ્યો હતો.' પવનકુમાર, 'સાહેબ, સાત વાગે. બેંકના દરવાજે તાળુ હતું. મેં અર્ધો કલાક રાહ જોઈ ને પછી જતો રહ્યો.'

મેં કહ્યું,'જુઓ ઉપાધ્યાયજી, મારા પર ખોટો આરોપ ન લગાડો. હું સાબિત કરી બતાવું છું કે ૬-૪૫ આવ્યો છું. સામે પન્નાલાલને પૂછી જુઓ હું કેટલા વાગ્યે આવ્યો છું. તમારો ઈરાદો મને હેરાન જ કરવાનો હોય તો હું સામનો કરવા તૈયાર છું . જાવ બધા કામે લાગી જાવ. પવનકુમાર આજની તમારી ગેરહાજરી ગણાશે. હું કામ ચલાઉ સાફસૂફી માટે માણસની વ્યવસ્થા કરું છું. જો કામ ના કરવું હોય તો આગળ શા પગલા લેવા તે મને આવડે છે. પછી મારી પાસે મેં લીધેલ પગલા પાછા લેવાનું નહિ કહેતા.'

મારી મક્કમતા જોઈ ઉપાધ્યાયજી ઢીલા પડી ગયા. એમને ખબર હતી કે હું બેંકનું હિત પહેલા જોઉં છું. આ બે-ત્રણ દિવસના મારા કામકાજથી તે વાકેફ હતા. તેઓ બોલ્યા, 'જવા દો એ બધી ખેંચતાણ. મેનેજમેન્ટ અને યુનિયનની ટસલ નાની-નાની બાબતોમાં લાવવાનો કોઈ મતલબ નથી. પવનકુમારની રજા ન ગણતા. હમણા સાફસૂફી કરી દે છે. '

મેં કહ્યું, 'એમ નહિ. પવનકુમારે માફી માગવી પડશે કે સાત વાગે આવીને રાહ જોયા બાદ જતો રહ્યો હતો. એ જૂઠ હતું. આઇ એમ સોરી ફોર લાય.. લેખિત માટે દબાણ નથી કરતો.’હવે ઉપાધ્યાયજી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેઓ બોલ્યા, 'ઓ. કે. એના રેકૉર્ડમાં નહિ લેતા.' અને પવનકુમારે આજની ઘટના બદલ માફી માગી. મેં કહ્યું, 'સારુ. હવે સૌ કામે લાગી જાવ.'

થોડો સમય પસાર થયો અને અમારા એક ખાતેદાર આવ્યા. મેં તેમને આવકાર આપ્યો અને મારી સામેની ખુરશી પર બેસવા કહ્યું. તેઓ કહે, 'હું બલરામ કુશવાહા છું. મેં ડ્રાફ્ટ માટે ફોર્મ માગ્યું તો ક્લાર્ક કહે છે કે ડ્રાફ્ટ ઈસ્યૂ નથી થતા. વાહ, બેંક ચાલુ છે અને આ સુવિધાથી વંચિત! બહુ કહેવાય. આની સામે તમારી હાયર ઑફિસને ફરિયાદ કરી શકાય.' મેં કહ્યું, 'બલરામજી, તમારી વાત સાચી છે. બેંકે ડ્રાફ્ટ ઈસ્યૂ કરવા જોઈએ. અમારે અમુક ટેકનિકલ મુસીબત હોવાથી ડ્રાફ્ટ નથી કાઢી આપતા. આ થોડા સમય માટે છે. તમને તકલીફ પડી તે બદલ આઇ એમ વેરી વેરી સોરી. જુઓ, મેં નોટીસ બોર્ડ પર આ અંગેની સૂચના મૂકી છે. પરિસ્થિતિ સુધરશે એટલે જરૂર એ સુવિધા શરૂ કરી દઈશું.'

તેઓ કહે, 'આની તો ફરિયાદ કરવી પડશે. આમ બેંકનો કારોબાર ચાલતો હશે?' મેં કહ્યું,'બલરામજી, તમારી વાત સાચી છે. હું એ જ મતનો છું. તમે શું, બીજા વધારે ખાતેદારને જણાવો કે ફરિયાદ કરવી છે. મેં આ અંગે મારી હાયર ઑફિસને ક્યારનું જણાવ્યું છે કે કોઈ બંદોબસ્ત તાકીદે કરે જેથી આ અને આવી બીજી બેંકીંગ સેવા પર પ્રભાવ ન પડે.'

તેઓ કહે, 'ઓહ! એમ વાત છે. હમકો ગૈર તરહસે ઉકસાયા ગયા થા.' મેં કહ્યું, ' જરા ફોડ પાડીને ઉકસાનાની વાત કહેશો તો કંઈ સમજ પડે.' તેઓ કહે, 'તમારા મેનેજર સાહેબ મને કાલે બજારમાં મળ્યા હતા અને મને કહે કે તમે બેંકમાં ડ્રાફ્ટ કઢાવવા જજો અને ના કાઢી આપે તો કહેજો કે બેંક ચાલુ છે તો આ સુવિધા કેમ નહિ? આની ફરિયાદ કરી શકાય. પરન્તુ, અહિ ઑફિસરમાં તમે એકલા જ છો તો ડ્રાફ્ટ પર બીજાની સહી ક્યાંથી આવે? તમે સાચા છો. આ સુવિધા તમારે બંધ કરવી પડી તેમાં તમારો કોઈ દોષ નથી.'

એ દિવસે સાંજે બેંકમાંથી ઘરે જતા, કરૂણા શંકર ઉપાધ્યાયજી મારી સાથે થઈ ગયા અને કહે,'સાહેબ, હું સ્કૂટર પર આવું છું અને મારો રસ્તો પણ તમારા ઘર બાજુથી પસાર થાય છે તો ચાલો બેસી જાવ સ્કૂટર પર. હું તમને ઘરે છોડી દઈશ.' હું અસમંજસમાં પડી ગયો, પછી થયું કે એમને કંઈક વાત કરવી હશે. મેં હા કહી. હું સ્કૂટર પર સવાર થયો. ઉપાધ્યાયજી બોલ્યા, 'સાહેબ, તમને યુનિયનની જરા પણ બીક ના લાગી? બ્રાન્ચનું કામકાજ ખોરવાઈ જતે, કદાચ ગુંડા ગર્દી થતે. ' મેં કહ્યું, 'જુઓ ઉપાધ્યાયજી, તમે સાચો મામલો લાવ્યા હોત તો હું જરૂર તમને મદદ કરતો. આ તો યુનિયનના નામે મારા પર જબરજસ્તી કરતા હોય એવું લાગ્યું. હું એની સામે ઘુંટણ ટેકવી દઉં એમાનો નથી. વાત રહી ગુંડા ગર્દીની. તમે નવલકિશોરનું નામ સાંભળ્યું હશે. જો ના સાંભળ્યું હોય તો જરા સ્કૂટરને ડાબી બાજુએ વાળજો. આ સામેથી હાથ બતાવી થોભવા કહે છે, એને ઓળખો છો?'

ઉપાધ્યાયજી કહે, 'આ જ તો નવલકિશોર છે.' મેં કહ્યું, 'સ્કૂટર ઊભુ રાખો. એ શું કહે છે સાંભળો.' નવલકિશોર, 'સા'બ, પ્રણામ. હુકમ દો ક્યા કરના હૈ? ' મેં કહ્યું, 'પ્રણામ, નવલકિશોરજી. કુછ કરના નહીં હૈ. યે હમારે કૉલીગ હૈ. ઉનકી પહેચાન કરાની થી ઇસલિયે યહ બાજુ મૂડે. યહ હમારે ઉપાધ્યાયજી હૈ. હમારી બ્રાન્ચકે લીડર હૈ. તો સોચા આપકી પહેચાન કરા લૂં.' નવલકિશોર, 'ઉપાધ્યાયજી, યે બંબઈ વાલે સા'બ કો કુછ ભી હુઆ તો દેખ લેના, આપ લોગકે ક્યા હાલ કરતા હું. ઠીક હૈ, જાઈએ, જાઈએ.' ઉપાધ્યાયજીએ સ્કૂટર ત્યાંથી વાળ્યું. અને મને કહે, 'સાહેબ, તમે છૂપા રૂસ્તમ નીકળ્યા. બહુ પહોંચેલી માયા છો. માન ગયે આપકો.' તેઓ કહે, 'કાલથી સવારે સાત વાગે આવવાની જરૂર નથી. પવનકુમાર ચાવી લેવા આવશે. '

મેં કહ્યું,'આમા તો તમે લીધેલ સ્ટેન્ડનો રકાસ થશે. યુનિયન તમને એકદમ નબળા માનશે. એ વસ્તુ તમને કાયમ માટે ખટકશે. હું જાણું છું કે કોના દોરી સંચારથી તમે આ નાટક કર્યું હતું. તેથી કહું છું કે હું સાત વાગે આવીશ અને એક કામ કરજો, પવનકુમાર પણ સાત વાગે આવે. હવે બહુ-બહુ તો કેટલા દિવસ એ લોકો કામ પર નહીં આવે? આગળ કેવાં પગલા લેવા તે હું જાણું છું.' તેઓ મને મારા ઘર પાસે છોડી ગયા. મેં કહ્યું, 'ચાલો, ચા-પાણી કરીને જજો.' તેઓ કહે, 'ના સાહેબ, ફરી કોઈ વાર. ગુડ નાઈટ.' મેં કહ્યું, 'જેવી તમારી ઈચ્છા. ગુડ નાઈટ.'

આ નવલકિશોર એ અમારા મહોલ્લાનો દાદો છે. ચાપાકલ રિપેરીંગ માટે મારા અપ્રોચથી મારા પર ખુશ છે. મને કહ્યું પણ ખરું કે કોઈ ભી કામ હો તો બોલના. મારે કંઈ ગુંડા ગર્દી નથી કરવી પરન્તુ અત્યારે બ્રાન્ચના માહોલથી મારી સેફ્ટી માટે ઉચિત કદમ લેવા સારુ. તેથી મેં એને પાણી ભરવા ગયો ત્યારે વાત કરી કે કદાચ તમારી જરૂર પડશે. તેને વચન આપ્યું કે બેફિકર રહિયે, હમ હૈ તો કોઈ ભી આપકો છૂ શકતા નહીં. પછીના બે-ત્રણ દિવસ શાખાનું કામકાજ વ્યવસ્થિત ચાલ્યું. આખા સ્ટાફનો નજરિયા મારા વિષે બદલાઈ ગયો. તેઓ સમજી ગયા કે મારો કોઈ દોષ નથી. હું બધા પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા શક્તિમાન છું. શું ગંભીર સિંહજી કે કરૂણા શંકર ઉપાધ્યાયજી. હવે મને સૌ માનપૂર્વક જોતા થઈ ગયા. એમને ખાત્રી થઈ ગઈ કે બ્રાન્ચના પ્રોબ્લેમને સારી રીતે નિપટાવવાની તાકાત છે. કોઈની સાડીબાર રાખે તેમ નથી. ખોટું ચલાવી લેશે નહીં. કામકાજ સ્મુથલી ચાલતું હોય તો કોઈ જાતની કનડત કરે એમ નથી.

સોમવાર આવ્યો ને એક પછી એક, મેનેજર, અકાઉન્ટન્ટ, સીનિઅર અધિકારી બ્રાન્ચમાં આવી ગયા. હું મેનેજરની ખુરશી સામે બેઠો. મેં કહ્યું,'સર, આ લો ચાવી. ડ્રાફ્ટ અંગેની નોટીસ કઢાવી લો. છેલ્લા બધા દિવસની બુક ટેલી છે. હવે તબિયત કેમ લાગે છે? કેવો સંજોગ કે તમે બધા એક સાથે માંદા પડી ગયા! અને સાજા પણ સાથે થઈ ગયા! એ તો પ્રભુનો પાડ કે હું સાજો રહ્યો. મેં ડિવિઝન ઑફિસને રીપોર્ટ મોકલ્યો છે. તમારા કોઈ તરફથી માંદગી અંગેનું ડૉક્ટરનું સર્ટિફિકેટ આવ્યું નથી કે ક્યાં સુધી રજા પર છો તેની માહિતી મોકલી નથી. આ બધી વસ્તુ રીપોર્ટમાં જણાવી છે તથા વહેલી તકે ઑફિસર મોકલવા ટેલિગ્રામ પણ મોકલ્યો છે. કેમકે બેંક ચાલુ હોયને કસ્ટમરને ડ્રાફ્ટની સેવાથી વંચિત કેમ રખાય? આને માટે આગળ ફરિયાદ થાય તો? બરાબરને સર?' અને હા,ચાવી માટે યુનિયનનો સુઝાવ આવ્યો હતો કે પવનકુમારને  મારા ઘરેથી ચાવી લેવા આવે તે માટે સાયકલ રીક્ષાના પૈસા બેંક ચૂકવે. મેં જોયું કે અગાઉ આ રીતના પૈસા અપાયા નથી એટલે મેં ના પાડી. પવનકુમાર મારે ત્યાંથી ચાવી લેવા ન હતો આવતો. હું સવારે સાત વાગે બેંકમાં આવી જતો હતો. કેમ બરાબર કર્યું ને? આવું વધારે દિવસ ચાલ્યું હોત તો હું તમને બધાને રજીસ્ટર નોટીસ મોકલવાનો હતો. નથી રજા અંગે પૂરી ડીટેલ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ. તેની જાણ ડિવિઝન ઑફિસને કરીને, આ માટે શા પગલા લેવા તે બદલ સૂચના આપો એમ જણાવતો. ઠીક છે ને? એકલો માણસ રોજ કેટલે પહોંચી વળે? ગ્રાહકને સંભાળે કે સ્ટાફને સંભાળે?

થોડી મુશ્કેલી જરૂર પડી. સવારે સાતથી સાંજ સુધી બેસવું પડતું હતું. તમારા બધાની શુભ કામનાથી આ પણ પાર પડી ગયું. એ ઠીક થયું ને સર?' તેઓ ગુસ્સામાં બોલ્યા, 'બસ, હવે બસ. જાવ થાય એટલા રીપોર્ટ કરો. મન ફાવે તેમ કરો. પણ મારી નજરથી હટો.' હું કેબિન છોડી મારી પહેલાની જગાએ આવ્યો. સ્ટાફના ચહેરા કહેતા હતા કે  મેં સાચી રજૂઆત કરી તેનુ મરચું લાગ્યું. મેં પણ ત્યારથી નક્કી કર્યું કે બેંકના કામકાજ સિવાયની કોઈ પણ વાત આ લોકો સાથે ન કરવી. એક તો ચોરી અને ઉપર સીના જોરી? મેનેજર થઈને કસ્ટમરને ખોટી રીતે ચડાવે છે? બધા જ એક સાથે બીમાર પડી જાય છે. શું હું બહારનો એટલે મારો ગુનો? બેંકના નિયમથી વિરુધ્ધનુ કામ ના કરવું એ ગુનો? આ અઠવાડિયું કેમ કરીને પસાર કર્યું છે એનો અંદાજ છે એમને કોઈને? ઉપરથી યુનિયનને ભડકાવે. બધી જગાએ જાણે મને ભીડાવવાના પ્રયાસો. એકલો માણસ કેટલે પહોંચી વળશે એનો લગીરે વિચાર કર્યો?યુનિયનને ચડાવી મારી પાસે ખોટા કામ કરાવવા હતા? હે પ્રભુ, તેમની રાજ રમત તેમને મુબારક. પ્રભુએ જાણે મારી કસોટી લીધી હોય તેમ થોડા દિવસમાં મારો  મુંબઈ બદલીનો ઑર્ડર આવી ગયો. મેં મુંબઈ જવાની બે ટિકિટો કઢાવી. રિલીવીંગ લેટર  શનિવારે છેક સવાબે વાગે આપ્યો. અઢ ઈ વાગે બ્રાન્ચ બંધ થાય એની થોડી મિનિટ પહેલા લેટર મળે! આટલું ખૂન્નસ.

જો લેટર વહેલો આપ્યો હોત તો હું કંઈ બ્રાન્ચ છોડીને જવાનો ન હતો. રાતની ગાડી હતી. હું અને મારી પત્ની સમય થયે સ્ટેશને આવ્યાં. ટુ અવર સરપ્રાઇઝ ઑલ ધ સ્ટાફ મેંબ્ર્સ એક્સેપ્ટ મેનેજર, અકાઉંટંટ એંડ સિનીઅર ઓફિસર  વર ધેર ટુ સે 'ગુડ બાય'. આઇ વીલ નેવર ફોર્ગેટ થિઝ્ગેસ્ચર ઓફ ધ સ્ટાફ.

ગંભીરસિંહજી,'સાહેબ, અમે સૌએ તમારા માટે ફેરવેલ પાર્ટી રાખી હતી પરન્તુ મેનેજરને આ પસંદ ના પડ્યું. તેથી તમારો લેટર મોડો આપ્યો. પછી અમે નક્કી કર્યું કે આપણે સૌ સ્ટેશને જઈ તમને સર્પ્રાઇઝ કરીશું. અરે, કરૂણાશંકરજી અહિ આવો, સાહેબને સૌ વતી પુષ્પગુચ્છ આપો. પછી કરૂણા શંકર બોલ્યા,'સાહેબ, તમારી શીખ હું ક્યારેય નહિ ભૂલું. નેતા કેમ બની રહેવું એ લેસન તમારી પાસેથી શીખ્યો છું. તમારો આભાર માનુ તેટલો ઓછો છે.' સૌને ભેટીને વંદન કર્યા. ગાડીની સીટી વાગી અને મુંબઈ યાત્રા માટે પ્રસ્થાન કર્યું.  બિહારની રાજ રમતની સામે સ્ટાફનો આ પ્રેમ જોઈ થાય છે કે કર ભલા તો હોગા ભલા.


Rate this content
Log in