પસ્તાવો
પસ્તાવો
ઊર્મિ નો ઊંચો થયેલો હાથ પાછો વળ્યો, ગુસ્સા નું સ્થાન અકળામણે લીધું, તેનો દસ વર્ષનો એક નો એક દિકરો બિટ્ટુ હજુ પણ બોલ્યે જતો હતો -'તને પણ દાદી ની જેમ ઘરડાઘરમાં મૂકી આવવાની છે આખો દિવસ ટોકટોક કર્યા કરે છે.'તેના આ શબ્દો સાંભળી ઊર્મિ સોફા પર ફસડાઇ પડી. તેને વરસ પહેલાંની ઘટનાં યાદ આવી જ્યારે બા આખો દિવસ ઘરમાં બેસી ટોકટોક કર્યા કરે છે હવે હું એમની સાથે નહીં રહી શકું એવી જીદ કરીને તેણે બા ને ઘરડાંઘરમાં રવાના કર્યા હતા. બા ને અને બિટ્ટુ ને એકબીજા ની ખૂબ માયા હતી, બિટ્ટુ કેટલો રડ્યો હતો, અને આજે તે જ પોતાની માને ઘરડાઘર મોકલવાની વાત કરતો હતો. ઘરડાઘર જતાં બાની દયામણી આંંખો તેને યાદ આવી ગઈ.
બીજા દિવસે તે ફટાફટ ઊઠી અને જાતે ઘરડાઘર જઈ બા ને તેડી લાવી, બિટ્ટુ ઊઠ્યો કે સામે ઊભેલા બા ને જોઈને વળગી જ પડ્યો, બા એ બચ્ચીઓથી તેને નવડાવી નાખ્યો, બંનેને આમ ખુશ જોઈ તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી નિકળ્યા.