પૃથ્વીના એ બે ગોળા
પૃથ્વીના એ બે ગોળા
"મેયર સાહેબ આજે સાંજે શહેરમાં બે ફંકશન થવાના છે, બન્નેના નિમંત્રણ આવ્યા છે. એક વૃક્ષ સંવર્ધન વિશે છે અને બીજો બિલ્ડીંગ એક્સ્પો છે." મેયરની ઓફિસમાં કામ કરતા એક કારકુને તેમને વિગત જણાવી.
"બતાવો. આપણે બન્નેમાં જશું." મેયર પાણીનો ગ્લાસ ગગડાવતા બોલ્યા.
"સર, એ શક્ય નથી. બન્નેનો સમય એક જ છે પણ આ વૃક્ષ સંવર્ધનમાં કોઈ ખાસ લોકો નથી આવવાના બિલ્ડીંગ એકસ્પોમાં આખું શહેર ઉમડશે."
"મને એ લોકોની નિમંત્રણ પત્રિકાઓ આપો."
"સર, આ બિલ્ડીંગ એક્સ્પોની છે અને આ બે પૃથ્વીના ગોળા વૃક્ષ સંવર્ધનના નિમંત્રણરૂપે છે."
મેયરે પેહલો ગોળો હાથમાં લીધો જેના પર ૧ લખ્યું હતું, ગોળાના ઉપરના ભાગે એક વૃક્ષ હતું, જેના પર મેયરનો હાથ લાગતા તે ગોળામાં સમાઈ ગયું અને ગોળામાંથી રેતી પડી તથા આખો ગોળો કથ્થઈ કલરમાં રંગાઈ ગયો અને ગરમ થવા માંડયો.
"સર, આવું તો કઈ નિમંત્રણ હોતું હશે, હું હમણાં જ એ નિમંત્રકને ખખડાવ છું." કારકુન મેયરની ખુશામત કરવા માટે બમણાં જોરથી બોલ્યો.
"મહેશભાઈ શાંત થાવ જરા. મેં કઈ કીધું તમને?" મેયર સાહેબ બીજો ગોળો હાથમાં લેતા બોલ્યા.
મેયરે જયારે બીજો ગોળો લઇ તેના ઉપરના ભાગે રહેલા વૃક્ષ પર થોડો દબાણપૂર્વક હાથ મુક્યો તો અનેક વૃક્ષો ગોળા પર દ્રશ્યમાન થયા ગોળાનો રંગ લીલો અને ભૂરો થઇ ગયો, તેમાંથી પક્ષીઓના ચહેકવાના અવાજો આવવા લાગ્યા.
"જોયું મહેશભાઈ, ખૂબ જ સરસ કામ કર્યું છે નિમંત્રકે. આપણે પહેલા વૃક્ષ સંવર્ધનના કાર્યક્રમમાં જશું ત્યાર પછી બિલ્ડીંગ એક્સ્પોમાં. જો વૃક્ષો ન હોય તો ગમે તેટલા બિલ્ડીંગ બાંધો પૃથ્વી રેતીના રણ જેવી જ લાગશે અને વૃક્ષો હશે તો પૃથ્વી સ્વર્ગથી ઓછી નહિ લાગે. પ્રકૃતિના ભોગે નિર્માણ નહિ. હું તો વળી આ ગોળાઓ બિલ્ડીંગ એક્સ્પોના આયોજકોને પણ આપીશ જેથી તેઓ નિર્માણ કરતી વખતે આ વાત યાદ રાખે. નિર્માણ અને સંવર્ધન બન્ને સાથે ચાલતી પાયાની વસ્તુઓ છે."
મહેશભાઈ નીચું માથું રાખી મેયરની આખી વાત સાંભળી અને સમજી રહ્યા.