પરિસ્થિતિ
પરિસ્થિતિ
હું આજે મારી જ વાત કરું છું. હું અને મારો પુત્ર, અમે બંને વિદેશથી ઘરે વેકેશનમાં આવ્યા હતા. અમે તેર માર્ચના રોજ આવ્યા હતા. અમે અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામેથી જ જાણ કરી હતી. એ સરકારી દવાખાનેથી આવીને અમારા ઘરની બહાર બોર્ડ મારી ગયા કે "મા-દીકરો દેખરેખ હેઠળ છે."
મને કે મારા દીકરાને કોરોના હતો જ નહીં, છતાં અમારા આખા ગામનું વર્તન એવું જ હતું કે અમને કોરોના છે. મારા સાસુ બીપી, ડાયાબિટીસ, કરોડરજ્જુમાં જગ્યા, ગોઠણનો દુ:ખાવો અશક્તિ હરસ વગેરેથી છ મહીના પીડાયા. હું ત્રેવીસ માર્ચથી પચ્ચીસ સપ્ટેમ્બર ઊભા પગે એમની સાથે રહી હતી. મેં મારા બે બાળકો અને સાસુ સસરાની દેખભાળ કરી. એ કોરોનાકાળમાં ખૂબ ઊંચો મૃત્યુઆંક હતો, પણ અમારા ઘરમાં કોઈને કોરોના ન થયો. અમે બધા દરેક કોરોના લહેરમાં સુરક્ષિત રહ્યા છીએ.
આમારા ગામડેથી દસ કિલોમીટરના અંતરે તાલુકો આવેલો છે. હું ખાસ રીક્ષા કરીને મારા સાસુને ઓર્થોપેડીક, જનરલ વગેરે દવાખાને લઈ જતી હતી. અમે ઈશ્વર કૃપાથી જ સુરક્ષિત રહી શક્યાં છીએ. હું ઘરે ખૂબ સાવચેતી રાખતી હતી. વારંવાર હાથ ધોવા, ઘરનું જમવાનું, ગરમ પાણીના કોગળાં, હળદર મધ તથા આયુર્વેદિક ઉકાળો, માસ્કનો અને સેનીટાઈઝરનો ઉપયોગ વગેરેની મદદથી અમે બધા સુરક્ષિત રહી શક્યાં.
કોરોનાને કારણે ઘણાં લોકો એ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. એ દુ:ખ જોઈને મારું કાળજું કંપી ગયું હતું. સમયાંતરે અમે બધાએ રસી પણ મુકાવી લીધી હતી. એનો ફાયદો પણ મળ્યો જ હશે.
