STORYMIRROR

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

પ્રેમસદન

પ્રેમસદન

3 mins
14.5K


નમસ્તે મિત્રો હું પ્રેમસદન ઇ.સ. ઓગણીસસો બાણુંમાં નિર્માણ પામેલું બે માળનું ત્રણ રૂમ, રસોડું, ઓસરી, ફળિયું ધરાવતું ડેલીબંધ મકાન. આમ તો રેતી, પત્થર, સીમેન્ટમાંથી બનેલું નિર્જીવ મકાન પરંતુ અહીંયા વસતા રાવલ પરિવારે મને "પ્રેમસદન" એવું લાડકુ નામ આપ્યું. આ રાવલ પરિવારના વસવાટથી જ મારું અસ્તિત્વ ધબકે. કાંતિભાઈ રાવલ એમના પત્ની કંચનબેન, અને ત્રણ સંતાનો મહેશ, ચિરાગ અને સુચી સાથે અહીંયા રહેવા આવ્યા. 
 
વારે-તહેવારે કંચનબેન ઘરને નવો ઓપ આપતા નવી સજાવટ કરતા, હું બહું ખુશ થાઉં નવુ રૂપ મેળવીને મલકાઉં. જોત જોતામાં સમયની ગતિ વધ્યા કરે નાનકડો લાગતો મહેશ પરણવા લાયક થયો છે અહીંયા વધુ એક નવું સભ્ય રહેવા આવવાનું છે જાણી મને બહુ હરખ થયો. હું રાવલ પરિવારના મોટા પુત્રના લગ્નનો સાક્ષી બન્યો. ખુબ ચહલપહલ રહેતી ધામધૂમથી મીરલ વહુને તેડી આવ્યા. વર વહુ ખુબ સુંદર લાગી રહ્યા હતા. સમી સાંજે વહુ એ કંકુ પગલા કરેલા.
 
કાંતિભાઈ વ્યાપારી એટલે આખો દિવસ દુકાન પર હોય નાનો પુત્ર ચિરાગ કોલેજમાં ભણે ને સાંજે પિતાની દુકાન પર જઈને મદદ કરે. મોટો પુત્ર મહેશ સરકારી અધિકારી ને લાડકવાયી સુચીનું ભણતર પુરું થયું. તે મમ્મી અને ભાભી પાસે ઘર સંભાળવાની ટ્રેનિંગ લે. વહુના આગમન પછી ઘરની રોનક ખુબ વધી. મીરલ અને સુચી સાથે મળીને નવીનવી વાનગીઓ બનાવે ને સૌને પ્રેમથી જમાડે. સીઝન બદલાય એમ વ્યવસ્થા બદલાતી રહે. ઉનાળાની ગરમીમાં નેતરના પડદા બંધાય ને ચોમાસા દરમિયાન તાડપત્રી. શિયાળાની ઠંડી શરૂ થાય ને બારી દરવાજા બંધ રખાય. હા દિવાળી આવે નવા તોરણ પડદા બંધાય, ફ્લાવરવાસ ને ફોટોફ્રેમ બદલાવાય, રંગબેરંગી ટીમટીમ થતી સીરીઝ લટકાવાય ને આંગણામાં રંગોળી પુરાય.
 
કાંતિભાઈને ધંધામાં ખોટ આવી ત્યારે રાવલ પરિવારના દુઃખમાં હું સહભાગી થયો હતો ને મીરલ વહુની સગર્ભાવસ્થાના સમાચાર સાંભળી ખુશીમાં સામેલ થયો. અહીં ફરી એક વખત કોઈનું બાળપણ રમવાનું હતું. મારી નજર સામે કોઈ પા પા પગલી માંડી ચાલવાનું હતું. હું તો આતુરતાથી આવનાર બાળકની રાહ જોવા લાગ્યો. નાનકડો મહેશ એક સુંદર ઢીંગલી નો પિતા બની ગયો. મીરલ વહુ પુત્રીને લઈને પહેલીવાર ઘરે આવી ત્યારે મારા હરખનો પાર ના રહ્યો. ફુલ ગુલાબી બાળપણ અહીં રમવાનું હતું. જોત જોતામાં ઢીંગલી રીયા ત્રણ વરસની થઈ ગઈ.
 
સુચીના સગપણની વાતો થવા લાગી ને ચિરાગે ભણતર પુરું કરી પિતાનો વ્યાપાર સંભાળ્યો. હવે કાંતિભાઈએ નિવૃત્તિ લીધી ને કંચનબેન ઘરની જવાબદારીઓ સંતાનોને સોંપી હળવા થયા. દાદા દાદી આખો દિવસ રીયા સાથે વિતાવે, રમતો રમે એને મંદિર લઈને જાય હરવા ફરવા બગીચે જાય.
 
હવે ચિરાગને પરણવાની ઉતાવળ આવી ભાભીને આગળ-પાછળ ફર્યા કરે. ભાભી તમે મમ્મી પપ્પાને મનાવોને મારા લગ્ન કરાવોને. નાનકડી રીયા લેહકા કરે મારા ચાચુ મારી ચાચી લાવે, મારી ફીયા મારા ફુઆ લાવે. મને તો મજા પડે ભાઈ મજા પડે.
 
આ બધા થકી પ્રેમસદન રઢિયાળુ લાગે ચહલપહલ લાગે રાત પડે એટલે શાંતિ છવાઈ જાય વાતાવરણ એકદમ શાંત થઈ જાય, પરોઢિયે સૌ જાગે ને થોડીવારમાં પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય. બપોરે બધા સાથે મળીને જમે. સાંજ પડે ને બધા ઘરે આવે જાણે એક નવી ઉર્જા આવે, દાદા દાદી, પપ્પા મમ્મી, ચાચુ ફીયા બધાના ચાળા પાડી નાની રીયા ખુબ હસાવે.
 
સુચીના લગ્ન અચાનક ગોઠવાયા વિદેશથી આવેલા મનીષ જોડે પરણાવીને લાડકી દિકરીને સાસરે વળાવી. રાવલ પરિવારના બધા જ સુખ દુઃખ મેં મારી નજરે જોયા. રીયાનું બાળપણ જોયુ ને ચિરાગ ને વરરાજા બનતો જોયો ગોપી વહુનું આગમન થયું રાવલ પરિવારના દરેક પ્રસંગનો હું સાક્ષી.
 
કાંતિભાઈ હવે બિમાર રહેવા લાગ્યા એમની ચિંતામાં કંચનબેનને આંસુ સારતાં જોયા. ત્રણ મહીનાની બિમારી ભોગવીને કાંતિભાઈ મૃત્યુ પામ્યા. મેં અનેક સુખ દુઃખ જોયા પણ આ આઘાત બહુ વસમો હતો. ઘરનો મોભી ચાલ્યો ગયો હતો. કંચનબેન સેવાપુજામાં જ વ્યસ્ત રહેતા, બે દિકરા બે વહુઓને લાડકી રીયા એ બધાને પોતાનું જીવન સમજી એમના માટે જીવ પરોવતા હતા. સુચી ફોન પર વાતો કરતી ને બે ત્રણ વરસમાં એકવાર આવી જતી.
 
મેં મારી નજર સમક્ષ ખુબ ચડતી - પડતી જોઈ હતી. મિત્રો આમ તો મારું અસ્તિત્વ એટલે ચાર દિવાલો પણ અહીંયા રહેનારા મારો શ્વાસ, હવે મારી ઊંમર પચ્ચીસ વર્ષ થઈ છે સરકારી અધિકારીઓ તરફથી મહેશને નોટિસ મળી છે જુનું મકાન તોડી નવું ચણતર કરો.
 
રાવલ પરિવારના જીવનનો હું સાક્ષી, આજે મારા છેલ્લા શ્વાસ ગણું છું. આવતીકાલે સમી સાંજે મારું અસ્તિત્વ નામશેષ થઈ જશે.
 


Rate this content
Log in