પણ મોહિતના આટલા તીર
પણ મોહિતના આટલા તીર


મોહિત રાજ્ય કક્ષાનો ખૂબ જ કાબિલ તીરંદાજ હતો.આજે તે તેના "હોપ તીરંદાજી" ના વર્ગમાં તીરંદાજીનો અભ્યાસ કરી રહ્યો હતો,તેના જેવા જ ત્યાં નાના-મોટા તીરંદાજી શીખવાવાળા આશરે વીસ લોકો અને તેઓના સર હતા.
હજી ગઈ કાલે જ મોહિત એક રાજ્ય કક્ષાની તીરંદાજીની હરીફાઈ જીત્યો હતો તેથી તેને જોવા અને તેની પાસેથી શીખવા બધા લોકો તેને વીંટળાઈ વળ્યાં હતા. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે મોહિતના આશરે દસ બાણ ખાલી ગયા હતા તે છતાં તે વારંવાર કોશિશ કરતો અને તેના સર તેને વારંવાર કંઈક શીખવતા.
ઘણા લોકો તો આ જોઈ તેની જીત પર પણ શંકા કરવા લાગ્યા.
મોહિતનું ચૌદમું બાણ એકદમ સટીક નિશાન પર લાગ્યું.બધાની તાળીઓ પડી પણ અંદરઅંદર મોહિત વિશે ટીખ્ખળ કરવા લાગ્યા કે એના કરતા તો મારુ તો ત્રીજું જ તીર નિશાન પાર લાગી જાય છે ખબર નહિ આ કેવી રીતે જીત્યો , થોડી વાર મૌન રહી મોહિતે બધાની વાત સાંભળી પછી કહ્યું,
"હું જો ઇચ્છતે તો પહેલું જ તીર નિશાન પર મારી દેતે,પણ તમે લોકો મારી પાસેથી શીખવા માટે મને વીંટળાયા તેથી મેં પણ વિચાર્યું કે તમને બરાબર જ શીખવું, હા મિત્રો હું આવી જ રીતે શીખ્યો છું. મારી પાસે કોઈ એવો સુપરપાવર નથી. મને યાદ છે મારા પ્રથમ દિવસે મારું ચૌદમું તીર જ નિશાને લાગ્યું હતું અંતે રાત-દિવસના સતત અભ્યાસ બાદ આજે હું રાજ્ય કક્ષાની હરીફાઈ જીતી શક્યો છું. સરનું ઉચિત માર્ગદર્શન અને અથાગ પ્રયાસ જ મારી સફળતાનો રાઝ છે.જો તમે પણ જીતવા માંગો છો તો મંડી પડો આજથી જ કારણ કે માણસ મહાન જન્મથી નથી હોતો પણ પોતાના કાર્યથી બને છે. બસ આ જ મારી શીખ હતી."
અને ચારેકોર "વેલ ડન મોહિત"ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું.