પક્ષી
પક્ષી
"મને બહાર જવા આપો મમ્મી." એક છ સાત વર્ષનો છોકરો બોલ્યો. મીઠો મીઠો અવાજ ને હાથમાં ગિલ્લી અને દંડો હતો.
"ના, ચીંટૂ બપોરના સમય પર નથી જવાનું." પેલએ પ્રત્યુત્તર આપ્યો.
ચીંટૂ મનમાં જ બોલ્યો કે "મા મને રમવા જવા નહીં આપે તો હું છુપાઈને જાઉં... "કહેતાં તે બહાર નીકળી ગયો.
નાનકડું ગામડું ખૂબ ઓછા લોકોની વસ્તી. પેલો દોડતો દોડતો એક માટીના બનાવેલા મકાન પાસે આવ્યો.
"ગોલું, ચાલ ગિલ્લી દંડો રમવા જઈએ." પેલા એ બૂમ પાડી.
અંદરથી એક છોકરો બહાર આવ્યો જે ચીંટૂથી ઉંમરમાં બે-ચાર વર્ષ મોટો હતો.
"હા ચાલ"
બંને એક ખાલી મેદાન પર જઈ રમવા લાગ્યા. બપોરનો સમય હોવાથી ખૂબ જ તડકો અને તે બંને ચંપલ પહેર્યા વગર જ રમતા હતા. આમે નાના છોકરાઓને તડકો ઓછો લાગે.
"ચીંટૂ,ચાલ ને ઘર પાછા ફરીએ. બહુ જ થાક લાગે છે હવે." ગોલુંએ કહ્યું.
"ના હજી રમવું છે પછી મા બહાર જવા આપતી નથી." ચીંટૂએ જવાબ આપ્યો.
"ભલે પરંતુ થોડી વાર જ હવે."
"હા" ચીંટૂ બોલ્યો.
બંને રમવામાં મશગુલ હતા. અચાનક તેમની ગિલ્લી ખૂબ દૂર જઈને પડી.
"ગોલું તું જા લઈ આવ." ચીંટૂએ કહ્યું.
"ના એકલો નહીં જાઉં તું પણ ચાલ." જાણે ડરતો હોય તેમ કહ્યું.
"કેમ બીક લાગે છે તને ? "
"જો તું પણ કેટલો વેરાન જંગલ છે સામે ત્યાં એકલે જવાની હિંમત નથી મારી."
"ભલે ચાલ લઇ આવીએ."
બંને વેરાન જંગલ તરફ ગયા. ત્યાં ગિલ્લીને શોધવામાં બહુ આગળ નીકળી ગયા. ત્યાં અચાનક એક અવાજ આવ્યો.
"ચીંટૂ શાનો અવાજ આવ્યો ?" ગોલું ખૂબ જ ડરી ગયો.
"ડર નહીં આપણે જોઈ લઈએ પથ્થરનો જ અવાજ હતો."
થોડે આગળ જતાં જોયું તો ત્યાં એક કબૂતર ઘાયલ પડ્યો હતો. બંને તે કબૂતરને ઉપાડી પોતાના ઘરે લઈ ગયા.
"મમ્મી આ જો તો કબૂતરને શું થઈ ગયું ? "
"તું ક્યાં ભાગી ગયો હતો ?
"બહાર રમવા ..."
"ના પાડી હતી તોય ગયો ? "
"હા હવે નહીં જાઉં પરંતુ આ કબૂતરને લાગી ગયું છે પટ્ટી લગાવી આપને !"
તેની માએ કબૂતરને દવા લગાવી અને પટ્ટી કરી આપી અને નાના ખોખામાં તેને રાખ્યો.
"મમ્મી આ હવે આપણા ઘરે જ રહેશેને ?
"જો બેટા કબૂતર ઠીક થઈ જાય ત્યાં સુધી અહીં રહેશે પછી એને પણ આકાશમાં ઉડવા જોઈએ ને ? આ નાના ખોખામાં એ બહુ સમય નહીં રહી શકે." મમ્મીએ કહ્યું.
"હા હું કબૂતરની ખૂબ ધ્યાન રાખીશ." ચીંટૂ ખૂબ ખુશ થયો કારણ કે કબૂતર તેના ઘરે રહેવાનો હતો.
"ખૂબ સરસ."
ચીંટૂને ગોલું બંને કબૂતરની ખૂબ ધ્યાન રાખતા. તેઓએ તો નામ પણ રાખ્યું હતું 'કાલું'
થોડા દિવસમાં તે એકદમ બરાબર થઈ ગયું. પોતાની પાંખ ફફડાવવા લાગ્યું હતો ને એક શમી સાંજના તે આકાશમાં ઉડી ગયુ. ચીંટૂ રમીને સાંજે પરત ફર્યો તો જોયું કે તેનો કાલું ખોખામાં નહોતો.
"મમ્મી કાલું ક્યાં ગયો ?" દોડતો ઘરમાં આવ્યો.
"બેટા તે ઉડી ગયો." મમ્મીએ કહ્યું.
"મને કાલું જોઈએ." કહી રડવા લાગ્યો.
"બેટા જો તે પક્ષી છે. તને કેમ રમવા વગર નથી ચાલતું, તેમ તેને ઉડ્યા વગર ન ચાલે."
"તો તે પાછો આવશે ?" ચીંટૂએ પૂછ્યું.
"હા તેનું મન હશે તો આવશે કારણ કે તેના રહેવાના સ્થળ બદલતાં હોય છે." તેની મમ્મીએ સમજાવતાં કહ્યું.
એક સાંજ કાલું પાછો આવ્યો. ચીંટૂ ખૂબ ખુશ થઈ ગયો. કાલુંને ચણ આપ્યા અને તેની સાથે બહુ બધી વાતો કરી.
