STORYMIRROR

Sangeeta M. Chaudhary 'સહસા '

Children Stories Children

4  

Sangeeta M. Chaudhary 'સહસા '

Children Stories Children

પીહુની અવકાશયાત્રા

પીહુની અવકાશયાત્રા

3 mins
230

ઉનાળાની ગરમીના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે સુવાની મજા જ કાંઈ ઓર હોય છે. પીહુ ઉનાળાની રજાઓમાં મામા ને ઘેર ગઈ હતી. શહેરના ફ્લેટમાં ખુલ્લા આકાશનો નજારો જોવા મળતો ન હતો. તેથી તેને અહીં મામાના ઘરે રાત્રે ખુલ્લા આકાશ નીચે સુવાની ખુબ મજા આવતી. કોણ જાણે કેમ પણ તેને બચપણથી જ સમજણ આવી ત્યારથી આકાશ, તારા, ચાંદામામા વગેરે માં ખૂબ રસ પડતો હતો અવકાશની કલ્પનાઓમાં પીહુ ખોવાઈ જતી. તેને પરીઓ ની વાતો ખુબ ગમતી. આજે પણ નાની મા પાસે ચાંદા મામાની વાર્તા કહેવા જિદ કરી હતી.

 નાની માએ વાર્તા તો શરૂ કરી પણ પૂરી થાય તે પહેલા તો પીહુ બેન સૂઈ ગયાં અને સપનાની દુનિયામાં ખોવાઈ ગયાં.

 મામાના ઘરની શેરીમાં છેલ્લા ઘર પાસે એક ખુલ્લું મેદાન હતું અને તેમાં એક વડલાનું ઝાડ હતું. એ મેદાનમાં અચાનક પીહુએ તીવ્ર પ્રકાશપુંજ જોયો અને ખાટલામાંથી ઊભી થઈને એ તરફ દોડી ગઈ. વડલાની પાછળ સંતાઈને જોયું તો મોટું ડ્રોન હોય એવું કંઈક દેખાયું તેમાંથી એક યંત્ર, ના ના યંત્ર નહી પણ વિચિત્ર દેખાવ હોય એવું પ્રાણી બહાર આવ્યું. પીહુ સમજી ગઈ કે આ પરગ્રહ વાસી છે. . તેને તો આ બધું જોવાની ખુબ મજા પડી. દોડીને બધાને બોલાવવા જવા વિચારે છે ત્યાં તો અચાનક તે બેહોશ થઈ ગઈ.

ભાનમાં આવી ત્યારે એ અવકાશમાં હતી, તેના શરીર પર ફ્રોકને બદલે સ્પેસ સુટ હતો. તેને નવાઈ લાગી. સામે એ વિચિત્ર પ્રાણી પણ હતું. એ ડરી ગઈ પણ આજુબાજુ જોયું તો એ ખુશ થઈ ગઈ, ક્યારેય ના કલ્પ્યો હોય એવો નજારો જોયો. આસપાસ નાના મોટા જુદા જુદા રંગના ગોળા હતા અને દૂર એક પૃથ્વી જેવો દડો હતો. એણે એ વિચિત્ર દેખાવવાળા પ્રાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ સામેથી માત્ર બી.. પ જેવા અવાજ સિવાય કોઈ જવાબ મળતો ન હતો. પીહું સમજી ગઈ કે આ એલિયન છે. એણે દોસ્તી માટે હાથ લંબાવ્યો. સામે એલિયને પણ હાથ મિલાવ્યો. એ સ્પર્શથી પીહુને જોરથી વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ઝાટકો વાગ્યો. પીહુએ હાથ પાછો ખેંચી લીધો. પછી તેણે ઇશારાથી અવકાશમાં ફરવાની ઈચ્છા બતાવી તો એલીયને પણ ઈશારાથી સહમતી દર્શાવી. પીહું તો એલિયન સાથે નીકળી પડી અવકાશની સફરે. લાલ લાલ મંગળ જોયો. વલયોવાળો શનિ જોયો. મોટી ગુરુ જોયો. સળગતા ગોળા જેવા સૂર્યને જોતાં જ આંખો બળતી હતી. એટલે એણે પાસે જવાની હિંમત ન કરી. ફરીને પૃથ્વી પાસે આવી તો અવાચક બની ગઈ. શાળામાં જોયેલા પૃથ્વીના ગોળા જેવી જ દેખાતી હતી. નાના ઘર નાના ઝાડ અને નાના પર્વતો : વળી ક્યાંક વાદળો વચ્ચે આવી જતાં તો વળી ક્યાંક વિમાન ફરતું દેખાતું. પીહુ તો રાજી રાજી થઈ ગઈ. અવકાશની સફરમાં વચ્ચે ઘણી વાર તૂટેલા અવકાશયાનનો ભંગાર અથડાઈ ગયો. આ જોઈ પીહુને દુખ થયું કે પૃથ્વીના માનવીઓ એ અવકાશમા પણ કચરો ઠાલવવાનું છોડ્યું નથી.. ફરતાં ફરતાં પીહુ ને હવે થાક લાગ્યો હતો. ભૂખ લાગી હતી અને હવે ઘર પણ યાદ આવવા લાગ્યું. તેણે રડવાનું શરૂ કર્યું. જોર જોરથી રડતી જોઈને એલીયને ફરીથી તેના માથા પર હાથ મૂક્યો અને પીહુ બેહોશ થઈ ગઈ. જ્યારે તે ફરીથી ભાનમાં આવી ત્યારે તેના ખાટલામાં હતી. સવાર પડી ગઈ હતી. ઝબકીને બેઠી થઈને વિચારમાં પડી ગઈ. શું આ સપનું હતું કે પછી સાચે જ હું અવકાશમાં જઈ આવી.! ખુબ વિચાર્યું પણ કાંઈ સમજ ન પડી. ચહેરા પર ખુશીના ભાવ સાથે રાતે બનેલી ઘટના વિશે બધાં ને વાત કરવા પીહુ ઘરમાં ચાલી.


Rate this content
Log in