Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પીડા

પીડા

2 mins
7.0K


પ્રસુતિગૃહના એ ઓરડામાં મધ્યરાત્રિએ મારી ચીસોથી દીવાલો ધ્રુજી રહી હતી. એ અસહ્ય પીડા મારો જીવ જ લઈ લેશે એ ભયથી હું કંપી રહી હતી. એક સાથે શરીરના જાણે બધા જ હાડકાઓ ભાંગી રહ્યા હતા. શરીરના દરેક સ્નાયુઓ ભીંસાઈ રહ્યા હતા. શરીર માંથી લોહી ઉડી રહ્યું હતું. અર્ધ બેભાન અવસ્થાને સહારો આપવા ગ્લુકોઝની સિરીંજ નસોમાં વહી રહી હતી.

એક નાનકડો જીવ મારા જીવમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો હતો. પણ મારો જીવ જાણે નીકળી રહ્યો હતો. ના સહેવાય..ના જ સહેવાય એવી વેદના... કોઈ  પણ મનુષ્યથી ના જ સહેવાય..." હજુ એક છેલ્લો પ્રયાસ,"ડોક્ટરના એ શબ્દો અર્ધજાગ્રત કાનોમાં પડતા જ  શરીરની બધીજ ઉર્જા છેલ્લા શ્વાસને સોંપી દીધી અને શરીર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય એવી કષ્ટદાયક વેદના સાથે જ એક અંતિમ  ભીંજાઈ ગઈ. ને બીજી જ ક્ષણે એ નાનકડો જીવ હાથોમાં આવ્યો. નાનકડા હાથો, મીઠા હોઠ, નિર્દોષ ચ્હેરો અને એ નવા જીવનના મધુર શ્વાસ મારા શ્વાસોમાં ભળતાં જ બધી જ વેદના , બધી જ પીડા, બધા જ કષ્ટ એક ક્ષણમાં  વિસરી જવાયા. એ પીડાની ક્ષણ પળ ભરમાં મારા જીવનની સૌથી મોટી આનંદ ને સંતોષની ક્ષણ બની રહી.

પણ આજે ત્રીસ વર્ષ પછી એ નાનો જીવ જયારે એક પુખ્ત વયનો પુરુષ બની મારી સામે ઉભો છે, મારી ઉપર અવાજ ઊંચો કરી ગરજી રહ્યો છે ત્યારે એક આ અન્ય પીડા ઉઠી છે. પણ આ પીડાની સામે પેલી પ્રસુતિગૃહ ની પીડા તો કંઈજ નથી. આ પીડા તો શરીરની સાથે મારી આત્માને પણ ઘાયલ કરી રહી છે. આ પીડા તો મૃત્યુથી પણ ઘાતક. આ પીડા હવે કદી દૂર ના થશે કારણ કે આ પીડાને ક્ષણ ભરમાં ભુલાવી દેવા ફરી એ નાનો જીવ મારા ખોળા માં કયાંથી આવશે?


Rate this content
Log in