ફકીર બાદશાહ
ફકીર બાદશાહ
બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતાં એટલે નોકરી પર પણ જઈ શકાય એમ નહોતું. રજાનો આજે બીજો દિવસ હતો એટલે થોડીક ચિંતાએ મનમાં ખરી ! હવે બહું ઓછી સી. એલ. બચી હતી. પછીની રજાઓમાં લોસ ઓફ પે કરાવવી પડે તો એ તો બિલ્કુલ ન પોષાય ! મોંઘવારી વધતી જતી હતી અને ખર્ચા પણ. આવતા વર્ષે પિન્ટુને નર્સરીમાં એડમીશન લેવાનું છે તે આ દિવાળીથી તો નજીકમાં આવેલી પ્લે સ્કૂલમાં પણ મોકલવો પડશે જેથી એડમીશનનાં ઈન્ટરવ્યૂ માટે તૈયાર થાય.
ખેર ! મનમાં આ બધી ભાંજગડની વચમાં પણ બહાર પગ મૂકાય એવું નહોતું. સ્વાતિ રસોડામાં બીઝી હતી તે પિન્ટુને સંભાળવાનું મારા ભાગે હતું. થોડીવાર ગેઈમ રમ્યાં પછી હું કંટાળ્યો તે ટીવી ચાલુ કર્યું. એક ચેનલ પર કોઈ રાજા-મહારાજાનું ઐતિહાસિક મૂવી આવી રહ્યું હતું. આ હાથી-ઘોડા-લડાઈ વગેરે જોવામાં પિન્ટુએ ચૂપચાપ જોશે અને મારો એ સમય પસાર થશે વિચારી ચાલુ રાખ્યું. થોડીવારે એક હાથી પર અંબાડીમાં સવાર માણસને જોઈ પિન્ટુએ પૂછ્યું " ડેડી, આ માણસ બાદશાહ છે " "બાદશાહ એટલે ? " વળી પાછો સવાલ.
"બેટા, એ બહુ મોટો માણસ હોય. બધાં એનું કહ્યું માને. એ ખૂબ દયાળુ હોય બધાને મદદ પણ બહુ કરે.. "
હજી આગળ કંઈ કહું એ પહેલાં પિન્ટુ જ ઉત્સાહથી બોલ્યો " હા ! જુઓ આ હાથી પણ કેવું એનું કહ્યું માને છે. પોતાની પીઠ પર એને બેસાડી કેવી પૂંછડી હલાવતો ચાલે છે..... આ બાદશાહ બહુ હેપ્પી હોય ને ? "મેં કહ્યું એ તો હેપ્પી જ હોય ને ! એને દુનિયાની કોઈ જ ચિંતા ન હોય !
રસોઈ પતી કે સ્વાતિ પણ ડ્રોઈંગ રૂમમાં આવી. થોડી વારે બહાર શું હાલત છે એ જોવા અમે બાલ્કનીમાં આવ્યાં. અમારા આ નાના મકાનની સામે એક નાનું મેદાન હતું. એ મેદાનની બાજુમાંથી એક નાની ગલી અંદરની તરફ જતી હતી જે આગળ જઈ એક ઝૂંપડપટ્ટીમાં ખૂલતી હતી. પણ એક એકલું -અટૂલું ઝૂંપડું મેદાનના અમારી સામે પડતાં ખૂણામાં પડતું હતું. કોઈવાર કોઈ વૃધ્ધ બાવા જેવો માણસ એની આસપાસ દેખાઈ જતો. અત્યારે પણ અમે જોયું કે ભરાયેલા પાણીની વચમાં એ ઝૂંપડી ઊભી હતી અને પેલો બાવા જેવો માણસ પરસાળમાં ટપકતાં છાપરાં નીચે એક તૂટેલી ખુરશીમાં પગ ઉપર ચઢાવી બેઠો હતો.
એ વૃધ્ધને જોઈ ખબર નહીં કેમ પણ સ્વાતિને દયા આવી ગઈ. બોલી " અરે ! કાલે સાંજે પણ આ દાદાને મેં આમ જ બેઠેલા જોયા હતાં ! બિચારા એકલા જ રહે છે, એણે કંઈ ખાધું હશે કે નહીં ? બહાર નીકળાય એવું તો છે જ નહીં. હું થોડું ખાવાનું પેક કરી દઉં છું. તમે હમણાં જ આપી આવો. "
વરસાદ થોડો ઓછો થયો હતો એટલે તક ઝડપી પગમાં ચંપલ નાંખી ખાવાનું પેકેટ લઈ જેવો હું બહાર નીકળ્યો એવો જ ઘરમાં બેસી અકળાયેલો પિન્ટુ મારી સાથે થયો. રેઈનકોટ પહેરાવી એને ય સાથે લીધો. ભરાયેલા પાણીમાં રસ્તો કરતાં અમે પેલી ઝૂંપડી સુધી પહોંચ્યા. અમને પોતાના તરફ આવતાં જોઈ એ વૃધ્ધ બાવો ઊભો થયો. એના મોઢાં પર ભૂખ સ્પષ્ટ કળાતી હતી. હું પાસે જઈ રામ-રામ કરતાં બોલ્યો " દાદા, આ લો થોડું ખાવાનું છે આમાં. " એમણે આકાશ તરફ હાથ લાંબા કરી જોડ્યા ને બોલ્યાં " મારો વા'લો... મારો વા'લો " ને પછી મારા હાથમાંથી પેકેટ લઈ માથે લગાડી ખોલ્યું. મને એમ કે બિચ્ચારા ભૂખ્યાં ડાંસ હશે હમણાં તૂટી પડશે. પણ એમણે તો પેકેટમાંથી એક રોટલી કાઢી બૂમ પાડી " મોતી... બચ્ચાં મોતી " એમની ઝૂંપડી પાછળ ક્યાંક લપાયેલું એક કૂતરું પૂંછડી હલાવતું આવ્યું ને રોટલી ખાવા લાગ્યું. આ જોઈ મારાથી બોલાઈ ગયું " દાદા, તમે પણ ભૂખ્યાં લાગો છો. પહેલાં તમારે ખાઈ લેવું જોઈએ ને ? " થોડું મલકાતા એ બોલ્યાં " બેટા ! માણસ જાતને તો આ કુદરતી આપત્તિની સમજ છે. એને તો તમારા જેવા દયાળુ મદદ પણ કરે. પણ આ અણસમજુ -અબોલ જીવ ક્યાં જાય ? " આસપાસ નજર કરતાં મેં પાછું પૂછ્યું " દાદા, આ વરસાદ તો વધતો જાય છે. આ કાચું ઝૂંપડું -તમારો સામાન તણાશે તો ? તમે ક્યાં જશો ? શું ખાશો ? ચિંતા નથી થતી ? " દાદા ખડખડાટ હસતાં બોલ્યા " અરે ! મારો વા'લો... ઓલો બેઠો છે ને ઉપરવાળો.... ચિંતા કરે એ. હું તો બસ ભજન કરું અને એની લીલા જોઉં. આ તમે આટલા પાણીમાં આ બાબલાભાઈ ને લઈને અહીં આવ્યા એ પણ એની જ લીલા હોં કે..... "અને પાછા હસતાં -હસતાં એમણે પિન્ટુને માથે હાથ ફેરવી લીધો.
પાછા ફરતાં મારો હાથ પકડી ચાલતાં પિન્ટુએ મને પૂછ્યું " ડેડી, આ દાદા તો કૂતરાને પણ મદદ કરે એવા અને હેપ્પી -હેપ્પી હતાં. એ પણ પેલા મૂવીમાં આવતાં બાદશાહ જેવા બાદશાહ હતાં ? "
કંઈક વિચારતાં મારાથી અનાયસે બોલી જવાયું " આ તો એનાથી પણ મોટા... દિલનાં બાદશાહ... ફકીર બાદશાહ હતાં. "
