પહેલું સુખ તે જાતે નર્યા
પહેલું સુખ તે જાતે નર્યા
મહેશભાઈ ખાવાપીવાના શોખીન, મસ્ત મિજાજના મનમોજી માણસ હતા.ખાવું, પીવું, સુવું, અને પેઢીમાં જઈને ગાદી તકિયે બેસવું. આ જ એમની જીવનશૈલી હતી. યુવાવસ્થા તો સુખ - શાંતિથી વીતી ગઈ.
પચાસ પછી શરીરે પરચો બતાવવાનું શરુ કર્યું. ડાયાબિટીસ, પ્રેશર, સાંધાનાં દુખાવો. એમ એક પછી એક બિમારી માથું ઊંચકવા લાગી. ડગલે ને પગલે જીવવું મુશ્કેલ લાગવા માંડ્યું. ડોકટર પાસે ગયા વગર છૂટકો નહોતો. ડોકટર પાસે બિમારીઓની ફરિયાદ કરી.
આખું બોડી ચેકઅપ કરાવ્યું તો દરેક પેરામીટર હદ વટાવી ગયાં હતાં. ડોક્ટરે એમની લાઈફ સ્ટાઈલ અને ખોરાકમાં ધરમૂળથી ફેરફાર સુચવ્યાં. સવાર -સાંજ ચાલવા જવાનું, ખોરાકમાં ઘી, તેલ, મીઠું, ખાંડ વગેરે સદંતર બંધ કરાવ્યાં. મહેશભાઈને તો આ કાળા પાણીની સજા જેવું લાગ્યું પણ હવે ભોગવે જ છુટકો.
ધીમે ધીમે બધાં રોગ કંટ્રોલમાં આવવાં લાગ્યાં પણ આજીવન નવું ટાઈમટેબલ પાળવાની જન્મટીપની સજા તો યથાવત રહી.
