Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Mariyam Dhupli

Children Stories Tragedy


4  

Mariyam Dhupli

Children Stories Tragedy


ફાળો

ફાળો

2 mins 601 2 mins 601

હર્ષ આજે ખૂબજ ખુશ હતો. શાળામાં યોજાયેલ વાર્ષિક રમોત્સવમાં શ્રેષ્ઠ રમતવીરની ટ્રોફી એને મળી હતી. પોતાના હાથમાંની ટ્રોફીને એ વારેઘડીએ ચૂમતો ઉત્સાહ સભર ઘર તરફ આગળ વધી રહ્યો હતો. એના બાળમગજમાં ઘણું બધું જાણ્યે અજાણ્યે ગોઠવાઈ રહ્યું હતું.


મમ્મી પપ્પા શું કહેશે ? કેટલા ખુશ થશે ? બધા કાકા અને કાકીઓ કેવા હર્ષભર્યા પ્રત્યાઘાતો આપશે ? આજે દાદા જીવિત હોત તો એમને એના પર કેટલું ગર્વ થયું હોત ?


સૌથી વધુ આનંદ તો એના બાળમાનસને એ વાતનો થઇ રહ્યો હતો કે આજે એની ગમતી અલમારીમાં ગોઠવાયેલા અગણિત ટ્રોફીઓ અને ઇનામો વચ્ચે એની ટ્રોફીને પ્રથમવાર જગ્યા મળશે. પારિવારિક સફળતાઓ અને ગર્વમાં એનો 'ફાળો' પણ સમાવેશ પામશે. 


સ્વર્ગવાસી દાદાના ઓરડામાં એમની આરામખુરશીની તદ્દન સામે ગોઠવાયેલી એ અલમારી આખા વિશ્વમાં એની સૌથી ગમતી વસ્તુ હતી. એ અલમારીમાં દાદાએ એમના ચારેચાર દીકરાઓની બધીજ સફળતાઓ અને સિદ્ધીઓનું સુંદર સંકલન કર્યું હતું. ઇનામોનો એ સંગ્રહ પોતાની આરામખુરશી પરથી નિહાળતા દાદાની આંખોમાંથી ઉભરાઈ આવતા ભાવાત્મક આંસુઓને એણે નાની ઉમરથીજ નિહાળ્યા હતા. એ ઘણી વાર પૂછતો , "દાદા તમે શા માટે રડો છો ? દુઃખી છો ? "અને પોતાની આંખો સાફ કરતા દાદા કેવા ખડખડાટ હસી પડતા ! " ના રે બેટા , આ તો ખુશીના આંસુ છે. " ત્યારથી એને સમજાયું હતું કે આંસુના પણ બે પ્રકાર હોય. એક ખુશીના અને બીજા દુઃખના. 


એના માટે એ ફક્ત અલમારી ન હતી. એની પ્રેરણા હતી. દાદા જોડેની યાદોની એક અતૂટ સાંકળ હતી. જેટલો ગર્વ દાદાને એ અલમારી પર હતો , પોતાના દીકરાઓ ઉપર હતો એટલોજ ગર્વ દાદા પોતાના પર પણ અનુભવે એજ એનું સ્વપ્ન હતું. આજે આ ટ્રોફી એ અલમારીમાં ગોઠવાશે અને પોતાનું એ સ્વપ્ન આખરે પૂર્ણ થશે. 


ઉત્સાહમાં ઉછળતા એના ડગલાં ઘરમાં પ્રવેશ્યા.

" સંભાળીને....આ તરફથી....જમણી તરફ...હા...હા.....સહેજ ડાબી બાજુ...."

ઘરના મુખ્ય દરવાજા તરફથી બહાર નીકળી રહેલ એ ટોળા માટે એણે જગ્યા કરી આપી.


ટ્રોફી શોક્ગ્રસ્ત હાથમાંથી જમીન પર અફળાઈ. 

હાંફતો દોડતો એ મમ્મી પપ્પાના ઓરડામાં પહોંચ્યો. 

પપ્પા ગુસ્સામાં હતા. મમ્મી એમને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. 


દાદાની અલમારીમાંથી પપ્પાના દરેક ઇનામો અને ટ્રોફીઓ અલગ થઇ શયનખંડની જમીન ઉપર વિખરાયા હતા. 


" અરે પણ એ અલમારી પપ્પાને કેટલી પ્રિય હતી, જાનકી."

" હા, અશોક પણ શું કરી શકાય ? "

" બહારના લોકો જે કિંમત આપી ગયા એનાથી વધુ આપવા હું તૈયાર હતો. "

" પણ બધાના વિચારો અને લાગણીઓ એક સમાન ન હોય. પિતાજીની વસ્તુઓ અંગેનો નિર્ણય ફક્ત આપણા હાથમાં નથી. બધાની સહમતી જરૂરી છે. બધાને પોતપોતાનો ફાળો મળી રહેશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે, તોજ સ્વર્ગસ્થની આત્માને શાંતિ મળશે. "


ફાળો ? હર્ષનું બાળમાનસ વ્યાકુળ થઇ ઉઠ્યું.

દોડતો જઈ એ ઓરડાની બારીમાંથી બહારના રસ્તા ઉપર નજર દોડાવી રહ્યો.

દાદાજીની અલમારી જે હાથલારી ઉપર ગોઠવાયેલી હતી એ ધીમે ધીમે મહોલ્લો ઓળંગી નજરમાંથી અદ્રશ્ય થઇ ગઈ.

હર્ષની આંખો ધડ ધડ વહી રહી.


એનું બાળ હૃદય એટલું તો ચોક્કસ પારખી ગયું કે એ આંસુ ખુશીના તો ન જ હતા.


Rate this content
Log in