ફાધર્સ ડે
ફાધર્સ ડે
‘બેટા! કાલે છે શું ? કહે તો ખરો!’
‘અરે પપ્પા, કાલે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે.’
આનંદી વૃધ્ધાશ્રમના ચોગાનમાં બાંકડા પર બેઠેલા આશરે પાંસઠ વર્ષના જનાર્દનકાકા ચાર મહિના પછી મળવા આવેલા એમના પુત્ર બ્રિજેશને પૂછી રહ્યા હતા.
જનાર્દનકાકા વિચારી રહ્યાં, ’૧૭ જૂન ? યાદ નથી આવતું શું છે ?’
‘શું રજનીનો જન્મદિવસ છે ?’ જનાર્દનકાકાએ પૂછ્યું.
‘ના પપ્પા, એને તો હજી બે મહિના વાર છે.’
‘તો શું કુલીન પાસ થઈ ગયો ?’
‘અરે નહીં પપ્પા, એ તો ક્યારનોય પાસ થઈને ચોથા ધોરણમાં આવી ગયો છે. ગયા અઠવાડિયે વેકેશન પતીને તેની સ્કૂલ પણ ચાલું થઈ ગઈ છે.’
જનાર્દનકાકા ઔર અસમંજસમાં પડી ગયા.
‘હવે ચાલો, જલદીથી તૈયાર થઈ જાઓ. હું તમને બે દિવસ માટે લઈ જવા આવ્યો છું.’ બ્રિજેશે ઉત્સુકતાથી કહ્યું.
‘ના પહેલા મને કહે કે કાલે છે શું ?’ જનાર્દનકાકાએ ફરીથી એ જ સવાલ પૂછ્યો.
‘ફાધર્સ ડે.’ બ્રિજેશ બોલ્યો.
‘ફાધર્સ ડે ?’ જનાર્દનકાકા વિચારી રહ્યા, ‘સાંભળ્યું તો છે, પણ…’
‘અરે પપ્પા, ગયા વખતે મધર્સ ડે પર અમારા સ્ટાફમાંથી રેડ્ડીસાહેબે તેમના ઘરે આખા સ્ટાફને ફેમિલી સાથે બોલાવ્યા હતા અને એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમણે તેમની મમ્મી જોડે કેક કપાવી હતી. અને બધાને સરસ મજાનું સાઉથ-ઈન્ડિયન ભોજન કરાવ્યું હતું. બધાને ખૂબ મઝા પડી હતી. એ પછીના એક અઠવાડીયા સુધી તો ઓફિસમાં તેમની જ ચર્ચા ચાલી હતી. બધા કહેતા હતા કે તેઓ તેમની મમ્મીને કેટલો પ્રેમ કરે છે અને કેટલું ધ્યાન રાખે છે એમનું.’
‘તો…’ જનાર્દનકાકા મૂંઝવણ સાથે બોલ્યા.
‘આવતીકાલે ફાધર્સ ડે પર મેં મારા આખા સ્ટાફને બોલાવ્યો છે. હું પણ તમને પ્રેમ કરું છું પપ્પા. એમને પણ તો ખબર પડે.’ બ્રિજેશ ગર્વભેર બોલ્યો. …અને જનાર્દન કાકા બ્રિજેશને જોતા જ રહી ગયા.
