પગ ધરતી ઉપર રાખવા
પગ ધરતી ઉપર રાખવા
પગ ધરતી ઉપર રાખવા.
જયારે ઉતરાયણ આવે તો મને ના ગમે કારણ કે મને પતંગ ચગાવતા આવડે નહિ. અને પપ્પા બે દિવસ પહેલાં પતંગો ખરીદવા મને પણ સાથે લઈ જાય. જોકે પપ્પા પણ પતંગ ચગાવતા નહીં. મને બહુ ગુસ્સો આવતો. મને થતું કે હું કે મમ્મી પતંગ ચગાવતા નથી પછી આટલી બધી પતંગ ખરીદવાની શું જરૂર ?"
પપ્પા મારી સામે જોઈ બોલ્યા, "તને શેાખ નથી એ વાત સાચી પરંતુ તને શોખ ના હોય તો બીજાને પણ શોખ ના હોય એવું માનવાની જરૂર નથી.
તને ખબર છે કે આ પતંગો જયારે ગરીબ બાળકોના હાથમાં જાય છે ત્યારે એ કેટલા ખુશ થાય છે ! કરોડો રૂપિયા ખર્ચ કરીને પણ તમે બાળકોનું હાસ્ય ખરીદીના શકો. બીજી પણ એક વાત યાદ રાખજે કે જે બાળકો આ પતંગો બનાવે છે એમને પણ કમાણી થાય છે. પુષ્કળ મહેનત કરીને આ લોકો પતંગ બનાવતા હોય છે.
મારે તને એ જ સમજાવવું છે કે ગરીબ બાળકો આમાંથી ઘણીવાર પોતાની ફીના પૈસા કમાઈ કાઢી લેતા હોય છે. એ લોકો ભણવા માટે ભીખ નથી માંગતા સ્વમાનભેર જીવતા હોય છે. આજે તું પૈસાની રેલમછેલ જુએ છે તે પહેલાં ન હતી. મેં પણ નાનપણમાં પતંગો બનાવી છે, મારા પિતાનું માત્ર હું ૫ વર્ષનો હતો અને મૃત્યુ થયેલું ત્યારે હું પતંગ બનાવીને વેચતો હતો નાના મોટા કામો કરી મારી ફીના પૈસા કમાઈ લેતો. હું એવી રીતે ભણીને આગળ આવ્યો છું.
"બેટા, માણસ ગમે તેટલો જીવનમાં આગળ વધે પણ જુના દિવસો ભૂલવા ના જોઈએ. ખરેખર તો આ બાળકોને મદદ કરી મારો ભૂતકાળ યાદ કરી લઉ છુ. માણસ ગમે તેટલો પૈસા પાત્ર બને પણ એને એનો ભૂતકાળ ભૂલવો જોઈએ નહિ. નહિ તો જિંદગીમાં અભિમાન આવી જાય. માણસ ગમે તેટલો ઉંચે ઉડે પણ આખરે એને પગ જમીન પર જ રાખવાના હોય. આવુ કરવાથી કયારેય તમને અભિમાન નહિ થાય. "
બસ, ત્યારબાદ તો હું પણ દર વર્ષે હોંશપુર્વક પતંગો ખરીદવા જવા લાગી.