Medha Antani

Others


3  

Medha Antani

Others


પેલે પાર

પેલે પાર

6 mins 13.7K 6 mins 13.7K

પેરાનોર્મલ એકટીવીટી એક્સપર્ટ અને સંશોધનવિદ ડો.આમોદ અવસ્થીનું પોતાના ક્ષેત્રમાં આગવું નામ દેશ તેમ જ વિદેશમાં હતું. કેટલીક કુદરતી દિવ્યશક્તિઓય ખરી, જેનાથી એ આ દુનિયાની પેલે પારનાંં રહસ્યો પામી શકતા હતા અને જેનો ઉપયોગ માનવકલ્યાણ માટે જ કરતા. સેમિનારો અને પ્રેક્ટીસની વચ્ચે સતત ઘેરાયેલા આમોદ ગમે તે થાય પણ પૂનમના દિવસે ઘરમાં જ રહેતા.

એમના પરિવારમાં બધાંને કડક સૂચના હતી, કે સ્ટડીરૂમની બાજુમાં આવેલ બેઝમેન્ટનું બારણું કોઈએ પણ, કોઈ પણ સંજોગોમાં ખોલવુંં નહીં. બેઝમેન્ટમાં વર્ષોની એમની તપસ્યારૂપ એમના સંશોધનોને લાગતા  કેટલાંંક સાધનો હતાં, જે સામાન્ય લોકોની સમજ બહાર હતાં.. પોતાની સુચનાનો ચુસ્તપણે અમલ થાય એવો દુરાગ્રહ રાખવાનાં કેટલાંક કારણો હતાં..એક તો, ત્યાં એમણે પોતાની પેરાનોર્મલ એકટીવીટી રિસર્ચ દરમ્યાન એકઠી કરેલી કેટલીક એવી વસ્તુઓ હતી, જે નકારાત્મક ઉર્જાઓ ધરાવતી હતી અને બીજું...આ બધી જ સાધનસામગ્રીઓ કોઈ સામાન્ય માણસના હાથમાં  જઈ ચડે કે ઘરમાં પણ રેઢી મુકાઈ  જાય તો મુસીબત સર્જાઈ શકે એની અવસ્થીને સારી પેઠે જાણ હતી. દર પૂનમે એ મ્યુઝિયમની સફાઈ પોતે ખુદ કરતા. સફાઈ કરી, મંત્રોથી શુદ્ધિ કરી ફરી બેઝમેન્ટને લોક મારી દેતા.

વર્ષોથી આ સામાન્યક્રમ હતો. એમાં કોઈ ચૂક ન થતી જેથી  કોઈ તકલીફ પણ  સર્જાઈ ન હતી.

અષાઢ જામ્યો હતો. એક મેઘલી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આમોદની પત્ની વિશાખા બપોરે ચા બનાવી રહી હતી ત્યાં એકાએક ખટાક્....અવાજ આવ્યો. ઘરમાં તો કોઈ ન હતું દીકરો કેવિન પણ  કોલેજ ગયેલો. નક્કી બિલાડી ઘુસી આવી હશે, એમ ધારીને વિશાખાએ આમતેમ તપાસ કરી જોઈ, પણ કંઈ હાથ ન લાગતાં ફરી કામે વળગી ગઈ. વાત ભુલાઈ ગઈ.

ચારેક દિવસ પછી પૂનમની  રાત આવી. વરસાદની ત્રમજટે બઘડાટી બોલાવી હતી. અવસ્થી આજે રાત્રે જાગવાના, વિશાખાને એ ખબર જ હતી. ડિનર પતાવી, અવસ્થીને સ્ટડીમાં કોફી આપી, ઉપર બેડરૂમમાં વિશાખા હજુ તો ગઈ જ હતી ત્યાં તો નીચેથી ત્રાડ સંભળાઈ.."વિશાઆઆખાખાઆઆ..ના પાડેલી તોય તેં બેઝમેન્ટનું તાળું કેમ ખોલ્યું? અંદર પણ ગઈ હતી કે શું? કેટલી વાર કહ્યું છે..અંદર તમારા માટે અને આખા ઘર માટે  જોખમ  પડેલાં છે. આ વાત કેટલી વાર સમજાવવાની?....તું સમજતી કેમ નથી?"

આમોદ આમ પણ ધૂની અને વિચિત્ર દિમાગ.. ક્યારે શુંં કહી દે અને કરી નાખે એ નક્કી નહીં. વિશાખાએ બેડરૂમમાંથી જ બૂમ પાડીને કહ્યું "આમોદ..આટલાંં વર્ષો થયાંં, મેં બેઝમેન્ટ ક્યારેય ખોલ્યું નથી.. તો હવે શું કામ ખોલું? એ પણ તમારી અતરંગી વસ્તુઓ જોવા માટે? મને કાંઈ જ ખબર નથી.. કોણે ખોલ્યું, શું કામ, ક્યારે ખોલ્યું તે.. તમે જ ભૂલમાં છેલ્લી વાર ખુલ્લું રાખી દીધું હશે..ને  હા, જો આટલું  જ જોખમ હોય તો એવી વસ્તુઓ ઘરમા શું કામ સંઘરો છો?" પછી સ્વગત બોલી.."એક તો વિચિત્ર ચીજવસ્તુઓ પોતે ઉપાડી લાવે અને ટેન્શન મને આપે. અવસ્થીને તો હું જ ચલાવી શકું....ખરા છે."

અને આમોદે ગુસ્સા અને ધૂંધવાટ સાથે સફાઈ  અને શુદ્ધિ શરૂ કરી દીધી. રાત્રે ત્રણેક વાગે કામ પત્યું. બેઝમેન્ટને લોક મારતી વખતે આમોદે ડબલચેક કરી લીધું. વરસાદે પોરો ખાધો એ વાદળના ગડગડાટ અને બારીઓ પરનાં ટીનનાં છાપરાં પર ટપકતી ધ્વનિથી ખ્યાલ આવતો હતો. આમોદ સૂવા માટે  બેડરૂમ તરફ ઉપર આવતા જ હતા, ત્યાં  અચાનક પેસેજની લાઇટમાં ઝબકારા થવા લાગ્યા. કોઈ અકળ ઠંડક પ્રસરી ગઈ હોય એવું લાગ્યું. એમની છઠ્ઠી ઇન્દ્રિય અને આટલા વર્ષોના અનુભવે  એમને ભાન કરાવ્યું, કે પાછળ કોઈ ઉભું છે!

આમોદ સતર્ક થઈ ગયા. ધીરે રહી પાછળ ફરીને જોયું પણ કોઈ ન હતું. પળવારમાં એ એહસાસ પણ ગાયબ થઈ ગયો. "બની જ ન શકે.. ઘરની શુદ્ધિ પણ નિયમિતરૂપે કરાવું જ છું. કોઈ ઓછાયો ય અહીં ફરકી ન શકે..." બબડતા બબડતા બેડરૂમ તરફ વળ્યા. વાત ફરી વિસરાઈ ગઈ.

એકાદ બે દિવસ માંડ ગયા હશે. રાત્રે ત્રણેક વાગે આમોદની ઊંઘ વીજળીના એક કડાકાથી ઉડી ગઈ. ગળામાં ત્રોસ  પડતાંં પાણી પીવા નીચે રસોડા તરફ  જતા જ હતા.. તેમણે સોફા પર કંઈક પડેલું જોયું. અંધારામાં પણ ચમકતું હતું. આમોદે ધીરે ધીરે નજીક જઈને જોયું તો એ થોડા દિવસ પહેલાં એક ક્લાયન્ટના ઘેરથી લાવેલું ઊઈજા બોર્ડ હતું!

આ અહીં કયાંથી? વર્ષોનો રેકોર્ડ હતો, મ્યુઝિયમની એક પણ વસ્તુ ક્યારેય બેઝમેન્ટની બહાર ન હતી આવતી.. અને સફાઈ તો બે દિવસ પહેલાં જ હજુ કરેલી.. લોક પણ બરાબર મારેલું. આમોદ સાવચેત થઈ ગયા. હોલની લાઈટ ચાલુ કરી દીધી.. ઊઈજા બોર્ડ ફેરવી ફેરવીને જોયું.. આસપાસ જોયું.. કોઈ જ હિલચાલ નહતી. આમોદ બોર્ડ હાથમાં લઈ બેઝમેન્ટ તરફ વળ્યા.. તાળું તો અકબંધ હતું!  પોતાની પ્રેક્ટીસ દરમ્યાન આવી તો અનેક ઘટનાઓના તેઓ સાક્ષી બન્યા હતા, પણ જીવનમાં પહેલીવાર. અત્યારે, આ પળે,આમોદને લખલખું પસાર થઈ ગયું. કંઈક અજુગતું થયું છે કે થવાનું છે એનો અણસાર આવી ગયો. પાસેના ફ્લાવરવાઝમાંથી ચાવી કાઢીને લોક ખોલ્યું અને બેઝમેન્ટની બત્તી કરી. સચેત પગલે નીચે ઉતરવા લાગ્યા. પણ જ્યાં છેલ્લે પગથિયે પહોંચ્યા ત્યાં તો ધડામ દઈ ને બેઝમેન્ટનું બારણું  આપોઆપ બંધ થઈ ગયું અને વાદળની ગર્જનામાં એનો શોર શમી ગયો.

આમોદના ગળામાંથી ચીસ નીકળી ગઈ.. "વિશાઆઆખાઆ...કેવિઇઈન,જલ્દી આવો.." પણ બેઝમેન્ટમાંથી અવાજ  ઉપર તો ક્યાંથી પહોંચવાનો? ધ્રુજતા પગે આમોદ  મ્યુઝિયમમાં ચકળવકળ ચારેકોર જોઈ રહ્યા. કોઈ છે, એ ચોક્કસ... નજરે ચડે એટલી વાર હતી. હિમ્મત કરી ઊઈજા બોર્ડને એની જગ્યાએ ગોઠવ્યું. થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.

અહીં વધુ રહેવું જોખમી છે, એ સમજાતાં પરસેવે રેબઝેબ આમોદ ઝડપથી  મંત્ર બોલતા દાદરા ચડવા લાગ્યા, ત્યાં તો અચાનક કોઈએ ખેંચ્યા હોય એમ ધડધડાટ નીચે પછડાયા. આમોદ કાંઈ સમજે એ પહેલાં જ ઊઈજા બોર્ડમાંથી એક કાળો ઓળો પ્રગટ થયો. એન્ટાઈટી કે સ્પિરિટ તો આમોદે ઘણાં જોયાં હતાં પણ પોતાના જ ઘરમાં પોતાની ઊપર આવો ભયાવહ પ્રહાર એણે કલ્પ્યો જ ન હતો. આવી શક્તિઓથી બચવા માટે કવચ સમાન બધા જ ઊપાયો  યાદ કરવા જેટલી સ્થિરતાય ન રહી. વિચારો જાણે સ્થગિત થઈ ગયા. આમોદને કોઈ અલૌકિક શક્તિ ખેંચતી હોય એમ લંગડાતાં લંગડાતાં બોર્ડ પાસે ગયા,તો પ્લેનચેટ જે રીતે બોર્ડના અક્ષરો પર ફરતું હતું એને વાંચીને આંખો ફાટી ગઈ. લોહી જાણે થીજી ગયું..

ઊઈજા બોર્ડ પર પ્લેનચેટ સરકતા સરકતા સંદેશો આપી રહ્યું હતું..."આમોદ.. પેલે પારની દુનિયા જાણવાની બહુ તાલાવેલી છે ને..ચાલ.તને લઈ જાઉં. હું અંધકારમાં ભટકતી આત્મા છું. વર્ષો પછી મારો અંધારો સમય પૂરો થતાં હું મોક્ષના માર્ગે લગભગ પહોંચી ગયેલો.. પણ તેં...તેં જ આ ઊઈજાબોર્ડ દ્વારા મારૂં આહવાન કરી મને ફરીથી ખેંચીને બોલાવ્યો અને હું ફરી અંધકારમાં ધકેલાઈ ગયો અને હવે પાછો વર્ષો સુધી ભટક્યા કરીશ. ભટકવાની પીડા શું હોય એ અનુભવી લે !...હું તને પેલે પાર લઇ જવા આવ્યો છું."

અમોદને આ ભયાનક પળો વચ્ચે પણ યાદ આવી ગયું. તેના એક કલાયન્ટના સવાલોના જવાબ માટે પંદરેક દિવસ પહેલાં અમાસની આસપાસ એણે જ આ ઊઈજાબોર્ડ દ્વારા આત્માનું આહવાન કરેલું અને આ એ જ આત્મા હશે જે સ્વસ્થાને જતાં જતાં ફરી કાયમ માટે ભટકી ગયો...પેલે પાર  પાછો ન ફરી શક્યો... મારી ક્યાંક ભૂલ રહી ગઈ કે પછી અજાણતામાં જ કોઈ અયોગ્ય આત્મા રડારમાં આવી ગયો હશે!

આમોદ ધ્રુજવા લાગ્યા.પેલા ભયંકર ઓળા તરફ હાથ જોડી કાકલૂદી કરવા લાગ્યા, ".. .મ...મ..ને..મ.માફ..." ફસડાઈ પડેલા આમોદના ગળામાં શબ્દો તૂટવા લાગ્યા..ઓળો વધુ ને વધુ ભયાવહ થવા લાગ્યો.. બહાર વરસાદ સાથે પવનના સૂસવાટાથી બેઝમેન્ટમાં ખોફ છવાઈ ગયો. આમોદની છાતીમાં ભીંસ વધવા લાગી. લકવો મારી ગયો હોય એમ હાથપગ કામ કરતા બંધ થઈ ગયા... ખોડંગાતા, ઢસડાતા, રીખતા તેઓ  દાદર ચડવા તો ગયા, પણ અંદરની ભીંસ અને બહારની ભયાનકતા ઝીલી ન શક્યા.. ડોળા ફાટી ગયા. બેઝમેન્ટની બત્તીની રોશની દૂર જવા લાગી...પોતે કોઈ કૂવામાં ધકેલાતા જતા હોય એમ  ઊંડાણમાં ખેંચાવા લાગ્યા... હાથ, ઉપર બેઝમેન્ટના દરવાજા તરફ લંબાતો રહી ગયો અને જીવ..પેલે પાર.. અંધારા ઓળા સાથે કાયમ માટે અંધારામાં ભટકવા ચાલ્યો ગયો.

 


Rate this content
Originality
Flow
Language
Cover Design